મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .

કોલ્હાપુર ડાયરી -ઓગષ્ટ '૨૦૨૬

“દક્ષિણનું કાશી” કહેવાતું કોલ્હાપુર સહિયાદ્નીની પર્વતમાળામાં પંચગંગા નદીને કિનારે વસેલું સુંદર શહેર છે.

કોલ્હાપુર એના શહેરની અનેક વિશિષ્ટતાઓ અને ધાર્મિક તેમજ ઐતિહાસિક સ્થળો માટે પ્રખ્યાત છે . મહાલક્ષ્મી માતા (અંબાબાઈ), કોલ્હાપુરી સબ્જી, કોલ્હાપુરી ઠેચા ,કોલ્હાપુરી મિસળ, કોલ્હાપુરી ગોળ , કોલ્હાપુરી ચપ્પલ, કોલ્હાપુરી સાજ - પરંપરાગત ગળાનો હાર, ભારતની કુસ્તીની રાજધાની તરીકે , તેમજ પન્હાળા-પાવનખીંડ જેવા ઐતિહાસિક સ્થળો માટે પણ પ્રખ્યાત છે.

અમે પણ કોલ્હાપુરની યાત્રા માણવા પહોંચી ગયા. “સ્ટાર એરલાઈન્સ” દ્વારા કોલ્હાપુર એરપોર્ટ આવ્યા. એરપોર્ટ નાનકડું પણ સ્વચ્છ, દિવાલો ઉપર રાજાશાહીના અફલાતૂન પેઈન્ટિંગસ અને વ્યવસ્થાપન પણ સરસ.

એરપોર્ટ થી અમે ટેક્સી બુક કરાવી રીટર્ન કરાવી એટલે અમને 250/- રૂપિયાનો ફાયદો થયો. ટેક્સી ડ્રાયવર આશિષભાઈ અમને અહીંના સ્થળોની માહિતી આપી. અમે આસપાસના સ્થળોએ ફેરવવા નક્કી કરી દીધું.

અમે ત્યાંની પ્રખ્યાત હોટેલ “સયાજી” પહોંચ્યા. ફ્રેશ થઈ જમી કરી વિવિધ મંદિરોના દર્શન કરવા નીકળી પડ્યાં .

ત્રણ દિવસના પ્રવાસના મંદિરો, એના ઈતિહાસ અને અનુભવો ટૂંકમાં રજૂ કરું છું.

1) કોપેશ્વર મહાદેવ મંદિર :-

કોલ્હાપુરથી 65 કિલોમીટર દૂર ખિદરાપુર માં આવેલ અતિપ્રાચીન મંદિર “ કોપેશ્વર મહાદેવ” મંદિર જે લગભગ 1000 વર્ષ જેટલું પુરાણુ છે. જોકે, આ મંદિર ક્યારેય પૂરું ન થઈ શક્યું. આ મંદિરનો સ્થાપત્ય કલાનો બેનમૂન નમૂનો એટલે અહીંનો “સ્વર્ગ મંડપ” જે ખરેખર જોવા જેવો છે. 48 થાંભલાથી બનેલ પણ વચ્ચેનો ગોળાકાર ભાગ ખુલ્લો જેમાંથી આકાશ દેખાય.14 ફૂટ વ્યાસ ધરાવતો આ ગોળાકાર પથ્થર અખંડ છે. કાર્તિકી પૂર્ણિમાએ ચંદ્ર બરાબર આ સ્વર્ગ મંડપ ની મધ્યમાં આવે છે ત્યારે અપ્રતિમ દ્રશ્ય એવું લાગે કે, સ્વર્ગ આ મંડપ માં આવી ગયું. એ સમયના ઈજનેરોને સલામ.

આ મંદિર વિશે એક કથા એવી છે કે, શિવજીને એમના સસરા દક્ષે યજ્ઞમાં નિમંત્રણ નહતું આપ્યું. પિતાને ત્યાં જવા તેડાની શી જરૂર? એમ માની સતી પતિ સહિત એ યજ્ઞમાં ગયા પણ એમને યોગ્ય માન ન મળ્યું એટલે સતીએ યજ્ઞમાં જ કૂદી પ્રાણ ત્યજી દીધાં. આથી શંકર ભગવાન ખુબ ક્રોધિત થયાં. તેમણે દક્ષ રાજાનું માથું ધડથી અલગ કરી દીધું. આખી દુનિયામાં હાહાકાર થતો અટકાવવા ભગવાન વિષ્ણુ શંકરને શાંત પાડવા અહીં લાવ્યા હતાં. બાદમાં કૈલાસવાસી થયાં.દક્ષ રાજાને એમણે બકરાનું માથુ લગાવી દીધું. માટે અહીં નંદી બિરાજમાન નથી અને વિષ્ણુ અહીં લિંગ સ્વરૂપે છે અને એજ આ શિવાલયની વિશિષ્ટતા છે.

અહીં દરેક થાંભલા, દિવાલ પર આવેલી દેવી દેવતાઓ અને હાથીઓની મૂર્તિ ખંડિત છે. કહેવાય છે કે બીજાપુરના આદિલશાહના આદેશથી આ હિંદુ મંદિરો ખંડિત કરવામાં આવેલ. ત્યારે આપણું હૃદય તૂટી જાય કે આટલી અદભુત મૂર્તિઓ અને કોતરકામને ખંડિત કરવા એ એક પ્રકારની વિકૃતિ જ કહેવાય.

અમે એ સુંદર મંદિરના ફોટા લઈ રવાના થયા.

2)નરસોબાચી વાડી ( શ્રીક્ષેત્ર નૃસિંહવાડી )

કૃષ્ણા અને પંચગંગા નદીના સંગમે આવેલ આ સ્થળ દત્તક્ષેત્ર કહેવાય છે. ભગવાન દત્તાત્રેયના અવતાર જ મનાતા શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજની પાદુકા અહીં છે.

એમ કહેવાય છે કે, બીજાપુરના આદિલશાહની પુત્રી અંધ હતી એ સમયે દત્તમહારાજનું આ સ્થળ ખુબ જ પવિત્ર અને જાગૃત હોવાની વાત એમના કાને આવી. પોતાની અંધ પુત્રીને માટે તેઓ કંઈપણ કરવા તૈયાર હતાં. મુસલમાન હોવાં છતાં તેઓ શ્રી ક્ષેત્રમાં આવ્યા અને પોતાની અને પોતાની પુત્રીની દ્રષ્ટિ માંગી. આ સ્થળે જ્યાં પાદુકા છે ત્યાં આ પુત્રીએ માથુ ટેકાવ્યું અને એને દ્રષ્ટિ પાછી મળી.

આથી ખુશ થઈ આદિલશાહે મંદિરનું બાંધકામ કરાવ્યું પણ એ મસ્જિદ જેવું કર્યું એટલે આ મંદિરને કળશ નથી. બે નદીના સંગમે વસેલું આ મંદિર ખુબ સુંદર લાગે છે.

અહીંના બાસુંદી, કંદી પેંડા વખણાય છે.

3) રામલિંગ :-

કોલ્હાપુરમાં હાતકણંગલે તાલુકામાં આળતે ગામની પાછળ એક નાનકડા ડુંગર પર વનરાઈમાં વસેલું આ સ્થળ. અહીં એક પ્રાચીન શિવમંદિર અને ગુફા છે.

આ મંદિર માટે એવું લોકવાયકા છે કે,વનવાસ દરમ્યાન રામ અહીં આવેલાં. શંકર ભગવાનની આરાધના કરેલી અને અભિષેક માટે બાણ મારી પાણીનો ઝરો કાઢેલો. મંદિરની બહાર ગોમુખમાંથી સતત પાણીની ધાર પડ્યા કરે છે. આખું વરસ પાણીનો શુદ્ધ પ્રવાહ વહેતો રહે છે.

આ મંદિરના પરિસરમાં અનેક નાના મંદિરો અને પાણીના કુંડ છે.

અહીં એક ધૂણી પણ વરસોથી પ્રજ્જવલિત છે.

4) શ્રી અંબાબાઈ (મહાલક્ષ્મી મંદિર )

શ્રી કરવીર નિવાસીની અંબાબાઈ મહાલક્ષ્મીધામનો ઉલ્લેખ શ્રીમદ દેવી ભાગવતમાં વર્ણવેલ 108 શક્તિપીઠમાં મળે છે.

કહેવાય છે કે, દેવી સતીના ખંડિત વિગ્રહનું ત્રીજું નેત્ર આજ ભૂમિ પર પડ્યું હતું.

મહારાષ્ટ્રની સાડા ત્રણ શક્તિપીઠમાં પણ કોલ્હાપુર શક્તિપીઠ પ્રથમ સ્થાન ધરાવે છે. દેવીની સુંદર અને આકર્ષક મૂર્તિ એમની સાક્ષાત અનુભૂતિ કરાવે છે.

દંતકથા એવી છે કે, કેશી દૈત્યના પુત્ર કોલ્હાસૂરે ત્રાહિમામ પોકરાવી દીધેલ. દેવતાઓ મહાલક્ષ્મીના શરણે ગયા. મહાલક્ષ્મીએ દુર્ગાનું રૂપ ધારણ કર્યું અને કોલ્હાસુર સાથે યુદ્ધ કર્યું. આ ભયંકર યુદ્ધ દરમ્યાન કોલ્હાસુરને પોતાની ભૂલ સમજાઈ અને તેને લાગ્યું કે તે બચી નહીં શકે એટલે એણે દેવીને પોતાનો વધ કરી ઉધ્ધાર કરવા કહ્યું અને વરદાન પણ આપવા કહ્યું કે, દેવીના ચરણોથી પાવન થયેલી ભૂમિ એના નામથી ઓળખાતી રહે. મહાલક્ષ્મીએ આશીર્વાદ આપી એનો ઉધ્ધાર કર્યો અને દેવી અહીજ સ્થિત થયાં. કોલ્હાસુરને વરદાન આપેલ કરવીર ક્ષેત્ર “ કોલ્હાપુર” નામથી પ્રસિધ્ધ થયું.

દેવીના દર્શન માટે અહીં ભાવિકો સતત આવતાં રહે છે. સ્ત્રીઓ દેવીની ઓટી ભરે છે. અમે દેવીના દર્શન કરી ધન્ય બન્યા. મહાલક્ષ્મી માતાની મૂર્તિ ખુબ જ આકર્ષક અને જાજરમાન લગતી હતી.

5) બાળુમામા સમાધિ સ્થળ :-

સંત બાળુમામાનું સમાધિ સ્થળ, આદમાપુરમાં આવ્યું છે જે કોલ્હાપુરથી લગભગ 60-65 કિમી. દૂર છે.

સંત બાળુમામા ધનગર જાતિના હતાં. એમનો જન્મ બેલગામના અકકોલમાં થયો હતો.તેઓ બાળપણમાં ખુબ ધ્યાન ધરતા. એમનામાં એક દૈવી શક્તિ હતી. અનેક લોકોના જીવનમાં ચમત્કારો સર્જયા.

સાદું જીવન જીવતાં હોવા છતાં તેમણે મહારાષ્ટ્ર, કર્ણાટક, અને આંધ્રપ્રદેશમાં લાખો ભક્તોના મનમાં સંતનું સ્થાન મેળવ્યું. એમના સહવાસમાં રહીને કેટલાંયે લોકોના જીવનમાં મોટો બદલાવ આવ્યો.

એમની સમાધિ ના દર્શન કરી ધન્યતા અનુભવી. અહીં એમને ચઢાવેલ હળદર ભક્તોના કપાળ પર લગાવવામાં આવે છે. ત્યાં બધાં લોકો એમની જય બોલાવતા હતાં કે, “બાળુમામાચે નાવાને ચાંગભલં”

6) જ્યોતિબા :-

દેવી મહલક્ષ્મીના ભાઈ કહેવાતા જ્યોતિબાનું આ મંદિર કોલ્હાપુર જિલ્લાના “ વાડી રત્નાગિરી” નજીક આવેલું હિંદુ ધર્મનું એક પવિત્ર સ્થળ.

સમુદ્રની સપાટીથી 3,124 ફૂટ ઉપર આવેલું છે.

ઈ. સ.1730માં રાણોજી શિંદેએ હાલનું જ્યોતિબા મંદિર બનાવડાવ્યું હતું. આ મંદિર કેદર તરીકે ઓળખાતા કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું હતું. જેઓ તેમની શિલ્પો ( હેમાડપંતી )માટે જાણીતા હતાં. શાસ્ત્રોનુસાર, આ મંદિર માં બારીક કાળા બેસાલ્ટ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જ્યોતિબા અથવા કેદારેશ્વર એ બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું સંયુક્ત સ્વરૂપ છે.

જ્યોતિબાએ અંબાબાઈને રાક્ષસો સાથેના યુદ્ધમાં મદદ કરી હતી. તેમણે રક્તભોજ રાક્ષસ અને રત્નાસુર રાક્ષસનો નાશ કર્યો હતો.

એમ કહેવાય છે કે, યાત્રીઓએ પહેલાં મહાલક્ષ્મીના દર્શન કર્યા પછી અહીં આવવું જ જોઈએ. અહીં લોકો એમની જય બોલાવતા હતાં કે “ જ્યોતિબાચ્યાં નાવનં ચાંગભલં”.બધાં ભક્તો જાંબલી કલરનો ગુલાલ કપાળ પર લગાવી એમને વંદન કરતાં હતાં. પર્વત પર આવેલ આ મંદિર પણ ગુલાલથી રંગાયેલ હોઈ ખુબ સુંદર લાગતું હતું.

અહીં દર રવિવારે ગર્દી હોય છે.

7) છત્રપતિ શાહુ મહારાજ મહેલ અને મ્યુઝિયમ :-

મરાઠા સામ્રાજ્યના ગૌરવવંતો ઇતિહાસ તેમજ છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ શાહૂ મહારાજના વંશજોના વૈભવની સાક્ષી આપતું આ મ્યુઝિયમ જોવા જેવું છે.

કોલ્હાપુર ના પવિત્ર મંદિરો અને અન્ય સ્થળોની મુલાકાત, કોલ્હાપુરી ચપ્પલ, નાનકડી પથ્થરની ઘરઘંટી, કોલ્હાપુર એરપોર્ટ, શેરડીના ખેતરો, ફડતરેની પ્રખ્યાત મિસળ, ત્યાંનું ખુશનુમા વાતાવરણ, ત્યાંના મળતાવડા લોકો, સયાજી હોટેલ આ બધું યાદગાર રહેશે. એકંદરે, દરેક ભારતીયે કોલ્હાપુર જોવા અને માણવા જેવું.

અમારી ૩ દિવસના પ્રવાસે અમને નવા અનુભવો જ નહી પણ સંસ્કૃતિ , કલા અને પ્રકૃતિના સાનિધ્યનો આનંદ આપ્યો . કોલ્હાપુરથી મુંબઈ અમે "ઈન્ડીગો " પ્લેનમાં બેઠાં અને સુંદર યાદોને મમળાવતા , વાતો કરતાં મોડી રાત્રે ઘેર પહોંચ્યા .

સાહિત્ય

ગુજરાતી વાર્તાઓ, કવિતા અને પ્રેરણાત્મક લેખો.

સંસ્મરણ

મારુ ઈમેલ mamtanaik24@gmail.com

© 2025. All rights reserved.