મોબાઈલ થી સાઇટ જોનાર પ્લીઝ હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .
નીલાબેનને પોતાની પુત્રીના ફોટાને જોઈ ડુસકું આવી ગયું પણ ધીરેનભાઈ પાછા વધારે નિરાશ ન થાય એટલે પોતાની જાતને સાચવી લીધી. આજે બે વર્ષ થયાં, અન્વિતાના મૃત્યુને. નીલાબેને ન તો એ માટે છાપામાં આપ્યું કે ન કોઈની સાથે વધારે ચર્ચા કરી. એટલામાં ધીરેનભાઈએ નીલાબેનને દરવાજો ખોલવા બોલાવ્યાં.
દરવાજામાં નાનકડો સુંદરમ એના મમ્મી-પપ્પા સાથે તેમજ મનસ્વી એના મમ્મી-પપ્પા સાથે, અચાનક સરપ્રાઈઝ વિઝીટે આવ્યાં. નીલાબેને બધાંને આવકાર્યા અને હોલમાં બેસાડ્યાં અને ધીરેનભાઈને પણ બોલાવ્યાં. બધાંને જોઈ ધીરેનભાઈ પણ ખુશ થઈ ગયાં. કારણ આજે તો સુંદરમ સાથે અન્વિતાનું હૃદય અને મનસ્વી સાથે અન્વિતાની આંખો પણ આવી હતી. ધીરેનભાઈ અને નીલાબેને સુંદરમ અને મનસ્વીને ગળે લગાડ્યાં અને બધાંની આંખોમાં મિશ્રીત લાગણી સાથે અશ્રુ આવી ગયાં.
આજથી બરાબર બે વર્ષ પહેલાં અન્વિતા મૃત્યુની નજીક હતી,
“ બ્રેઈન ડેડ”, એટલે કે એનું મગજ કામ ન હતું કરતું પણ હૃદય ધબકતું હતું. ડોક્ટર મેહરા અને એમની ટીમ અન્વિતાના હૃદય અને આંખો ને દાન આપવા માટે અન્વિતાના મા-બાપને સમજાવવામાં સફળ રહ્યાં. આ વર્ષો દરમિયાન સુંદરમનું વેઈટીંગલિસ્ટમાં પહેલું નામ હતું એટલે જાતજાતના ટેસ્ટમાં પાસ થયાં પછી સુંદરમમાં અન્વિતાનું હૃદય અને મનસ્વી માટે અન્વિતાના આંખોના કોર્નિયાનું સફળ પ્રત્યારોપણ થયું. બંનેના મા-બાપ નીલાબેન અને ધીરેનભાઈના જાણે આજીવન ઉપકારમાં હતાં. દર મહિને એમને ફોન કરતા અને બાળકોની સાથે વાતો પણ કરાવતાં. બંને અલગ અલગ શહેરોમાં રહેતાં અને આજે તો અન્વિતાની બીજી મ્રુત્યુતિથિએ સરપ્રાઈઝ આપવા આવી પહોંચ્યાં કે તમારી અન્વિતા હજુ બીજા બે જીવોમાં વસે છે.
એમની આગતા સ્વાગતા કર્યા પછી નીલાબેને અન્વિતાની કેટલીયે વાતો કરી. નીલાબેન બોલ્યાં કે , “ મારી અન્વિતા બી.કોમ કરી નોકરીની શોધમાં હતી. એ સામાન્ય હતી દરેક રીતે , દેખાવ ,સ્માર્ટનેસ કે રસોઈ બધામાં સામાન્ય. પણ એ બધાં માટે ખુબ લકી હતી. તમે સાચું નહિ માનો પણ એના પપ્પાના કુટુંબ કે મારા પિયર ,બંને પક્ષે એના જન્મ પછી ખુબ પ્રગતિ થઈ . અમારા ઘરનું વાતાવરણ પણ ખુબ સકારાત્મક હતું . અમે અન્વિતાને કહેતાં કે તું અમારી લકી ચાર્મ છે તો સામે એ એમ કહેતી કે મારા લકી ચાર્મ તો તમે છો.
અમારા અડોશ પડોશમાં પણ એ બધાંની ખુબ લાડલી હતી. એલોકો કંઈ પણ શુભ પ્રસંગ હોય તો અન્વિતાના હાથે એ કાર્ય કરાવતાં. અન્વિતાને આ બધી બાબતો થી કોઈ પણ પ્રકારનું અભિમાન નહતું. એ હંમેશા પોતાનાથી નાના બાળકો તેમજ મોટા વડીલોને ખુબ માનથી બોલાવતી. એનાં મૃત્યુ પહેલાંનો જન્મદિવસ અમે અનાથાશ્રમમાં મનાવેલો. એના મૃત્યુનાં સમાચાર બધાં માટે આઘાતજનક હતાં. એની સ્મશાન યાત્રામાં એના સ્કૂલ , કોલેજના મિત્રો, એના શિક્ષકો , સગા, પડોશીઓએ એને અનોખી શ્રધ્ધાંજલિ આપી હતી કારણ એ મરતાં મરતાં પણ બે અજાણ્યાં માટે લકી ચાર્મ બની ગઈ હતી. બધાં નીલાબેનની વાતો ધ્યાનથી સાંભળતા રહ્યાં.
સુંદરમ અને મનસ્વીના માતા-પિતા બધાંએ સાંજે નીલાબેન અને ધીરેનભાઈની વિદાય લીધી. જતાં જતાં તેઓએ અન્વિતાના ફોટા પાસે જઈ હૃદયથી આભાર વ્યકત કર્યો. લકી ચાર્મ અન્વિતા પણ તસ્વીરમાંથી મલકાતી હતી.