મોબાઈલ થી સાઇટ જોનાર પ્લીઝ હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .
"શિક્ષા” નામની 50 જેટલી વિદ્યાર્થીનીઓની એક એન.જી.ઓ. દ્વારા ચલાવાતી શાળામાં મધુરી શિક્ષિકા હતી. આખા દિવસમાં ફક્ત બે કલાક મધુરી ભણાવતી પણ એનો બાકીનો સમય- એ સ્લમ એરીયામાં રહેતી છોકરીઓને શિક્ષણનું મહત્વ સમજાવવામાં,સ્વચ્છતાની કેળવણી આપવામાં, અને એલોકોને નડતી સમસ્યાઓનું નિરાકારણ કરવામાં બીજા બે કલાક નીકળી જતાં .
મધુરી બપોર સુધીમાં ઘરે આવી જતી. ઘરે આવી બધીયે વાતો પોતાના પતિ, સાસુ તેમજ પિયરવાળાઓને પણ કરતી. મધુરીનું માનવું હતું કે, “ ભગવાને આપણને ઘણી જ સારી પરિસ્થિતિમાં રાખ્યા છે. રોજરોજ એના જાણમાં આવતી ભયાનક ગંદકીમાં ખદબદતી જિંદગીના અનુભવોથી એને કાંઈક હજુ વધારે મદદરુપ બનવુ એવું સતત લાગતુ.
એની નાનકડી “શિક્ષા” કાર્યશાળામાં લગભગ 15 વર્ષ અને એથી મોટી સ્ત્રીઓ પણ આવતી. મધુરી શરુઆતમાં તો એમને જાણે કે પકડી પકડી શોધી લાવી શિક્ષણનું મહત્વ સમજાવતી. પછીથી એણે પોતાની એન.જી.ઓ. ટીમને વિનંતી કરી અને રોજ સવારે બિસ્કીટના પેકેટ્સ આપવા કહ્યું . આ લાલચથી ઘણી વિદ્યાર્થીનીઓ ભણવા આવતી.
મધુરીએ ઘણીવાર નોંધ્યુ કે કેટલીક વિદ્યાર્થીનીઓ મહિનામા સળંગ ત્રણચાર દિવસ ન આવતી. મધુરી બધાની ફેવરીટ ટીચર બની ગઈ હતી. બધી જ વિદ્યાર્થીનીઓ ભણવામાં રસ પણ લેતી અને રેગ્યુલર આવવા લાગી હતી. પરંતુ વચ્ચે વચ્ચે આમ સળંગ ત્રણચાર દિવસ ન આવવાનું જ્યારે એણે કારણ જાણ્યું તો એ દંગ જ રહી ગઈ.
એ કારણ હતું દર મહિને થતી સ્ત્રીઓની સમસ્યા. એની વિદ્યાર્થીનીઓએ કહ્યું કે , એલોકો એટલા ગરીબ છે કે એમની પાસે રોજના પહેરવાના પૂરતાં કપડાં નથી તો આવા સમયે ઘરે રહેવું વધારે સારુ.એમાંની કેટલીયે સ્ત્રીઓ તો કાળી મજુરી કરનારી, કચરો વીણનારી હતી.
મધુરી ખુબ બેચેન હતી. કોઈપણ હિસાબે હવે આ સમસ્યાનું નિરાકરણ કરવાનું એણે નક્કી કર્યુ. એણે પોતાના ઘરે, એન.જી.ઓ., સોસાયટી બધે મિટીંગ ભરી આ માટે સહકાર માંગ્યો. એન.જી.ઓ. પાસે પણ એટલુ ભંડોળ નહતુ. મધુરીએ આ મિટીંગમા બઘી બહેનોને કહ્યું કે જે નકામી કોટનની સાડી હોય એનું દાન કરી દે. એણે સાડીની દુકાનોમાં જઈને પણ આ રીતના દાન માટે સહભાગી થવા કહ્યું .
મધુરીને સૌથી પહેલા તો એના પતિ તરફથી તેમજ સાસર અને પિયર પક્ષ તરફથી મદદ મળવાની શરુઆત થઈ. લગભગ 100 થી વધારે સાડીઓનું દાન મળ્યુ. મધુરી , એના પરિવાર તેમજ એની એન.જી.ઓ ની ટીમ મળી આ સાડીઓને સ્વચ્છ ધોઈ,ઈસ્ત્રી કરી, વ્યવસ્થિત કટીંગ કરી એની નાનકડી કીટ બનાવી જરુરિયાતમંદ બહેનોને વહેચવાનું નક્કી થયુ.
મધુરીની આ આઈડિયાને એટલો બધો પ્રતિસાદ મળ્યો કે હવે ન ઓળખનારી સ્ત્રીઓ પણ એને મદદરુપ બનતી અથવા આ પરથી પ્રેરણા લઈ એલોકો પોતાના એરિયામાં રહેતી ગરીબ બહેનોને આ રીતે બનાવેલી કીટ આપી આવતી.
મધુરીની “શિક્ષા”શાળાની વિદ્યાર્થીનીઓને મન તો એમને મધુરીના રુપમાં ભગવાન મળ્યા હોય એમ આભાર માનતી.
મધુરીની આ યુનિક પણ મદદરુપ એવી આઈડિયા માટે એના એન.જી.ઓ. એ “વુમન્સ ડે” પર એનુ સન્માન કરવાનુ નક્કી કર્યુ. એ દિવસે એના એરિયાના કોર્પોરેટર બહેન મુખ્ય મહેમાન હતા જેમને મધુરી વિશે ઘણું સાંભળવા મળ્યુ હતું . એમણે પણ આ સદ્કાર્યમાં 21,000/ રુ. આપ્યા. મધુરીના પરિવાર, સોસાયટીવાળા,એની વિદ્યાર્થીનીઓ, એની ટીમના સભ્યોએ મધુરીને તાળીઓના ગડગડાટથી સ્વાગત કરી નાનકડી સ્પીચ આપવા કહ્યું .
મધુરીએ શરુઆત કરી,
“ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, મારા સન્માન બદલ ખુબ જ આભાર. હું સારી વક્તા નથી પણ મારે આજે કાંઈક વિશેષ કહેવું છે . સ્ત્રીઓને થતા અત્યાચાર કે અધિકાર વિશે મારે વાતો નથી કહેવી પણ મારેતો એ કહેવું છે કે સ્ત્રી હોય કે પુરુષ , માનવતાની દ્રષ્ટિએ કોઈપણ સમસ્યા હલ કરવાનુ નક્કી કરે તો એનું નિરાકરણ જલ્દી આવે છે.
મારા આ કાર્યને સહકાર આપવામાં ફક્ત સ્ત્રીઓ જ નહિ પુરુષ વર્ગ પણ આગળ આવ્યો છે. આ વિચાર અમલમાં મૂક્યો ત્યારથી આજદિન સુધી મદદનો અવિરત પ્રવાહ ચાલુ જ છે. ઘણી સેનેટરી નેપ્કીંસ બનાવતી કંપનીઓએ પણ મદદ કરવાની તૈયારી બતાવી છે.
મારી આ “શિક્ષા” ની પ્રવૃતિને લીધે મે અનુભવ્યું છે કે સ્ત્રી ગરીબ હોય કે પૈસાદાર એને ખોટું મહત્વ નથી જોઈતું પણ એને અને એની સમસ્યાને સમજે તો એને જાણે કે બધું જ સુખ મળી ગયુ.
મેં પણ અનુભવ્યું છે કે, સ્ત્રીઓની સફળતામાં ફક્ત એનો જ નહિ એના પરિવારમાં પિતા, પતિ, ભાઈ, દિકરો એમ ઘણાં પુરુષોનો પણ ફાળો હોય છે. મારા આજના સન્માનના ખરા હકદાર પણ મારા પતિ અને મારો દિકરો છે. થેંક્યુ એ બંનેને તેમજ અહીં હાજર બધાંયને - આજના આ દિનને મારો “ હેપ્પીએસ્ટ વુમન્સ ડે” બનાવવા બદલ.