મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .

મહેનત રંગ લાવી

સારિકાબેન “વૃંદાવન” સોસાયટીમાં ગ્રાઉંડ ફ્લોરમાં રહેતા. એમનું ઘર એ સ્થળનુ લેંડમાર્ક બની ગયું હતું . સારિકાબેનના કુકિંગ , ચોકલેટ, કેક બનાવવાના ક્લાસીસ, મહેંદી તેમજ તોરણ અને કેંડલ મેકિંગના ક્લાસીસ સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી તેમજ બપોરે ૩ થી 6 વાગ્યા સુધી. સોમવારથી શનિવાર સુધી. આજથી લગભગ 18 વર્ષ પહેલાં કલાસીસ શરૂ કર્યા હતાં. પોતાના ઘરે ક્લાસ હોવાથી સોસાયટીનુ મેઈંટેનન્સ થોડું વધારે ભરતાં. સારિકાબેન જાણે હોમ સાયન્સના જીવતા જાગતા ઈન્સ્ટીટયુટ .

સારિકાબેનને 58 વર્ષ થયા છતાં પણ એમની તાજગી અને ઉર્જા કોઈ યુવતીને શરમાવે એવી હતી. સારિકાબેનનો એક ખૂબ સારો ગુણ હતો કે એ હંમેશા કોઈને પણ મદદરૂપ બનતા. એમના પતિ કિશોરભાઈ પણ એમને સહકાર આપતા. તેઓ ગવર્નમેંટ સર્વન્ટ હતા. બે છોકરા આજે ભણી ગણી સારા પગારે સારી નોકરીમાં ઉચ્ચા હોદ્દે હતા.

બાજુમાં રહેતા કમલબેન અને સ્મિતાબેન એમને વર્ષોથી પ્રવૃતિમય જ જોતાં અને પૂછતાં તમે ક્યારેય થાકતાં જ નથી. ત્યારે સારિકાબેન હસીને કહેતાં “મનગમતી પ્રવૃતિ કરવામાં થાક શેનો? વળી ઘેર બેઠા કમાણી પણ થાય અને ઘરનું પણ ધ્યાન રખાય.”

એમના એરિયામાં એક અનાથાશ્રમ હતો જેમાં એકલી રહેતી , ત્યકતા બહેનોને આશ્રય આપવામાં આવતો. મનિષાબેન આશ્રમના મુખ્ય સંચાલિકા હતા. આશ્રમ નાનો હતો અને ટ્ર્સ્ટથી ચાલતો. લગભગ દસેક બહેનો હતી અને સિલાઈ, ગોદડી બનાવવી , રૂની દિવેટ બનાવવી તેમજ મસાલા બનાવવાની પ્રવૃતિઓ શીખવવામાં આવતી અને એમને આત્મનિર્ભર બનાવવાના પ્રયત્ન થતાં પણ મોટાપાયે નહિ . સારિકાબેનની ઇચ્છા હતી કે આ યુવતીઓને પણ પોતાના ક્લાસીસમાં શીખવી પગભર બનાવે. પરંતુ એકલે હાથે સંભવ નહતું અને થોડાં વર્ષ તો એમણે પોતાના છોકરાઓને સારું ભણતર આપવા મૂડી જમા કરવી હતી. જેમ દિકરાઓ ભણી કમાતા થયાં તેમ તેમ પરિવારની પ્રગતિ સારી થઈ.

મોટા દિકરા અખિલના લગ્ન પણ આ વર્ષે નક્કી થયા એટલે સારિકાબેન એમનાજ ફ્લોર પર પરિવારની સંમતિથી એક ફ્લેટ લીધો .હવે એમના મનમાં આ અનાથાશ્રમની બહેનોને માટે કઈ સારું કરવાની ભાવના પ્રબળ થતી ગઈ. એમણે આશ્રમમાંથી થોડી માહિતી મેળવી કે આશ્રમની જગ્યા પણ મોટી છે અને બહેનોની સંખ્યા પણ વધી છે અને આ બધી બહેનો ભણેલી ગણેલી ન હોવાથી નોકરી કરી શકે એમ નહતી .

ડિસેમ્બરમાં અખિલના લગ્ન ઋતુ સાથે થયાં. ઋતુ એમ.બી .એ. થયેલી અને ઘણા શ્રીમંત પરિવારની પુત્રી હતી. એના ઘરમાં પગલાં પડતાની સાથે જ સારિકાબેને કહ્યું કે, “ જો બેટા , મારે કોઈ દિકરી નથી એટલે આજથી મારા ઘરમાં આવનાર લક્ષ્મીને જ મારી દિકરી તરીકે રાખીશ”. સાસુજીનો આવો આવકાર મળતાં ઋતુ પણ ખુશ થઈ ગઈ અને કહ્યું કે , “ મમ્મી, આજથી હું પણ તમને મારી મમ્મી તરીકે અને પપ્પાને પણ મારા પપ્પા તરીકે ગણીશ.”

ઋતુએ વિચાર્યુ કે નોકરી કરવા કરતાં સાસુમાએ સેટ કરેલા આ ક્લાસીસ ને એક “પ્રોફશનલ ટચ” આપી બિઝનેસમાં ફેરવીએ. દરેક ચોકલેટ અને કેક આઈટ્મસને તેમજ ડેકોરેટિવ કેંડલસને આપણે “ઈન્ટરનેટ” પર વેચાણ માટે મૂકીએ. કૂકિંગ રેસિપિ પણ “ઓનલાઈન” પબ્લિશ કરીએ.

આ વિચાર એણે સારિકાબેનને કહ્યો અને સરળ સારિકાબેન તો વહુની નવી ટેક્નોલોજીની વાતથી અંજાઈ ગયા અને સહમત થઈ ગયા. ઋતુએ ત્રણ મહિના ખુબ જ મહેનત કરી. સારિકાબેન પાસે રાતદિવસ મહેનત કરી બધુ પોતે પણ શીખી લીધુ. અને પછી પોતાનો “ ઓનલાઈન બિઝનેસ” કેમ આગળ વધારવો એ યોજનામા લાગી ગઈ. પોતાનુ ભણતર કામ લાગ્યુ. નાણાની વ્યવસ્થા, યોગ્ય ઓનલાઈન સ્ટોર્સ, હોમ ડિલિવરી કરવા બે માણસો , એક ભાડેની રક્ષા તેમજ નેટ બિઝનેસની કાયદાકીય સલાહ વગેરે તૈયારી કરી.

અને કમાલ થઈ ગઈ. 6 મહિનામાં તો ક્લાસીસનો પાંચગણો નફો થયો. સાસુ વહુની જોડી તો એકદમ ફોર્મમાં હતી. નાનાપાયે શરૂ કરેલા આ બિઝનેસને પણ ખુબ સફળતા મળી. હવે બે જણાથી બધે પહોંચી વળાતુ નહતું તેથી એમણે ભાડેથી મોટી જગ્યા લીધી અને પોતાના ક્લાસીસમાંથી માર્ગદર્શન લઈ ચૂકેલી ત્રણ બહેનો ને નોકરીએ રાખી. બે કામવાળી બાઈઓને રાખી. હવે એમનો ટોટલ સટાફ 10 થઈ ગયો.

કિશોરભાઈ, અખિલ , નાનો ગૌરવ પોતાના ઘરની લક્ષ્મીઓને ખુબ માન આપતા. એમનું કુટુંબ પણ શ્રીમંત બન્યું . હવે સારિકાબેને પોતાની વર્ષોની ઈચ્છા જાહેર કરી કે, પોતે અનાથ આશ્રમ ની બહેનો ને પગભર બનાવવા પોતાન ત્યાં ક્લાસીસમાં મફત શીખવશે તેમજ અન્ય કોઈ ગરીબ , અસહાય બહેનોને જરૂર પડ્યે નાણાકીય મદદ પણ કરશે.

ઋતુએ પણ આ વિચાર વધાવી લીધો અને આશ્રમના સંચાલિકા મનીષાબેન ને મળ્યા. અને એક જ અઠવાડિયામાં એક સ્પેશિયલ બેચમાં આશ્રમ ની બહેનો રોજના ત્રણ કલાક શીખતી. છ મહિના પછી બધાયેને “ સર્ટિફિકેટ” પણ મળ્યુ. એમાની કેટલીય બહેનોને તો રોજગારી પણ થોડા જ વખતમાં મળી ગઈ. અને આશ્રમ ની અમુક બહેનોએ પણ ક્લાસીસ શરૂ કર્યા. એક બહેન તો ટીવીના શોમાં પણ આવી સ્પર્ધા જીતી લીધી .

મનીષાબહેન તો પોતાના આશ્રમની બહેનોની પ્રગતિ જોઈ ભાવવિભોર બની ગયા . આશ્રમના ટ્રસ્ટીઓ અને મનીષાબેન તેમજ આશ્રિત બહેનોએ સારિકાબેન અને ઋતુનો આભાર માનવા એક સત્કાર સમારંભ યોજ્યો અને એમને વિનંતી કરી કે એમના તરફથી એક રકમ ગુરુદક્ષિણા તરીકે લે ત્યારે સારિકાબેને અને ઋતુએ નમ્રતાથી ના પાડી અને કહ્યું કે , “ તમારી આ કળા ઓછામાં ઓછી એક જણ જે જરુરિયાતમંદ હોય એને શીખવજો. એજ અમારી ફી”.

પોતાની પ્રગતિની અધિક ખુશી ત્યારે થાય છે જયારે તમે એ માટે બીજાને સહકાર આપી એમને આત્મનિર્ભર બનાવવામાં મહત્વનો ફાળો આપો છો આ વાતનો પરમ આનંદ સારિકાબેન અને ઋતુએ અનુભવ્યો અને આગળ જતાં પણ આ જ ભાવના સાથે અન્ય સંસ્થાને સંપર્ક કરવાનું શરુ કર્યું .