મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .

સમયની ભીતરમાં

શ્રી બી. આર. ચોપરા સાહેબે બનાવેલ “મહાભારત” ધારાવહિકના દરેક ભાગની શરૂઆતમાં એક સમયચક બતાવવમાં આવતું જેનું પ્રખ્યાત વાક્ય હતું “ મૈં સમય હૂં”.

હકીકતમાં,સમયને કોઈ નક્કર સ્વરૂપ નથી, એને ન તો જોઈ શકાય છે ન તો સાંભળી શકાય છે. આપણે એને આપણી અંત:પ્રેરણા અને વૃત્તિથી અનુભવ કરી શકીએ છે.

સમય એટલે સરળ ભાષામાં બે ઘટનાઓ વચ્ચેનો ગાળો. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં બનતી ઘટનાઓનો નિરંતર ક્ર્મ. સમય રોકાતો નથી, પાછો વળતો નથી, એમાં આગળ જવાતું નથી કે પાછળ પણ નથી જવાતું. સમય માત્ર વર્તમાન જ છે એમ કહી શકાય. માટે જ એક કહેવત છે “Carpe Diem “ – Catch the time – સમયને પકડી રાખો.

જયારે બિગ બેંગની ઘટના બની ત્યારથી જ સમય અને અવકાશની શરૂઆત થઈ એમ કહી શકાય એટલે કે સમય નો જન્મ. આજે સમયની ઉંમર 13.7 અબજ વર્ષ છે.

સામાન્ય રીતે આપણે સમય એટલે એમ કહીએ કે,

1 મિનિટની 60 સેકન્ડસ,

60 મિનિટનો એક કલાક,

24 કલાકનો એક દિવસ,

365 દિવસ એટલે 1 વર્ષ.

પણ જયારે આ પદ્ધતિ નહતી ત્યારે આપણા પૂર્વજો અને બીજા અનેક દેશના લોકો સૂર્યોદય, સૂર્યાસ્ત, નભના તારાઓ, સૂર્ય ચંદ્ર ની ઉગવા અને આથમવાની કળા પરથી, પક્ષીઓના કલરવ પરથી, ઋતુચક્ર પરથી...અને પડછાયા પરથી..સમય જાણતા. ભારતનું પ્રખ્યાત પ્રાચીન સૂર્યમંદિર કોણાર્ક એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

અમેરિકા અને રશિયા જેવા દેશોમાં જુદા જુદા ટાઈમ ઝોન છે. એનું કારણ છે સૂર્ય ની સ્થિતિ અનુસાર સમય નક્કી કરવામાં આવે છે. અમેરિકામાં તો “Day light Saving” અનુસાર સમય નક્કી કરવામાં આવે છે.

સમય આપણા જીવનની ગતિનો માપદંડ છે. વિજ્ઞાનમાં..ધર્મમાં…તેમજ વિવિધ સંસ્કૃતિઓમાં સમયની વ્યાખ્યા જુદી જુદી છે.

વૈદિક બ્રહ્માંડ શાસ્ત્ર અનુસાર, કલ્પ એ બ્રહ્માનો એક દિવસ છે. એ એક દિવસમાં ચાર યુગો સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને કલિયુગ છે.

આપણી સંસ્કૃતિમાં, “ પ્રહર” એક સંસ્કૃત શબ્દ છે જે સમયના એકમ તરીકે અથવા દિવસના પેટા ભાગ તરીકે જાણીતો છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે એક દિવસમાં કુલ 8 પ્રહરની વાત છે. એક પ્રહર લગભગ 3 કલાકનો હોય છે. ભારતમાં પંચાંગ પદ્ધતિ -તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કર્ણ એમ પાંચ અંગોથી બનેલ છે. આ પદ્ધતિ સૂર્યગ્રહણ, ચંદ્ર ગ્રહણ, ભરતી, ઓટ નો સટીક સમય બતાવે છે.આજે પણ ભારતમાં ઘણાં લોકો પંચાંગ વસાવે છે.

સમયનો ખ્યાલ દરેક માટે અલગ હોય છે. આલબર્ટ આઈન્સ્ટાઈન ના સાપેક્ષવાદને સરળ રીતે સમજીએ તો સમય ગુરુત્વાકર્ષણથી પ્રભાવિત થાય છે. સ્થિર નિરીક્ષકની સરખામણીમાં ગતિમાં રહેલાં પદાર્થો માટે સમય ધીમો થતો જાય છે. આને એમ સમજાવી શકાય કે,ધારોકે બે વ્યક્તિઓ ની ઉંમર સરખી છે. એક પૃથ્વી પર અને બીજો સમયની ગતિએ ઊડતા યાનમાં બેસી અવકાશમાં ગયો . જયારે બીજો અવકાશમાંથી પાછો આવે ત્યારે એની ઉંમર પહેલાં કરતાં નાની હશે કારણકે તેની માટે અવકાશમાં સમય ધીમો હતો. જો તમે પ્રકાશની ગતિ કરતાં વધારે ઝડપે જાઓ તો સમય તમારા માટે ધીમો પડી જાય છે.

એક બીજો દાખલો- તમે મનગમતા વ્યક્તિ સાથે વિતાવેલો એક કલાક પણ એક મિનિટ જેટલો લાગે જયારે ન ગમતી વ્યક્તિ સાથે વિતાવેલી એક મિનિટ પણ એક કલાક જેટલી લાગે.

પૃથ્વીનો એક દિવસ 24 કલાક નો છે જેમાં રાત અને દિવસ બંનેનો સમાવેશ છે. પરંતુ સૌરમંડળના અન્ય ગ્રહો પર એક દિવસ એટલો લાંબો કે ટૂંકો હોય છે કે નવાઈ લાગે છે. આમ સમય ત્યાં બદલાઈ ગયેલો લાગે છે.હિંદુ શાસ્ત્ર પ્રમાણે પિતૃલોકનો એક દિવસ એટલે માનવો નું એક વર્ષ. કેટલું અદ્ભૂત!

એક રોચક વાત છે “ટાઈમ ટ્રાવેલ”. વૈજ્ઞાનિકો આ વિષય પર સંશોધન કરી જ રહ્યા છે. એક વૈજ્ઞાનિક નિકોલા ટેસલા હંમેશા સમયથી આગળ વિચારતા. “ટાઈમ ટ્રાવેલ” ની શક્યતા નકારી શકાય એમ નથી. આપણા પૂરાણોમાં તેમજ મહાભારત પ્રમાણે આ શક્ય હતું. એક લોકવાયકા પ્રમાણે, ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓની રાસલીલા 6 મહિના સુધી ચાલી. જયારે આ રાસલીલા પૂરી થઈ ત્યારે ગોપીઓ જે સમયે ઘરેથી નીકળી ત્યારથી જ સમય ફરી શરૂ થયો. આમ ગોપીઓ 6 મહિનાના સમય યાત્રામાંથી પરત થતા (વાછરડા બાંધતા હોય કે ) એમના નિત્ય કાર્ય કરતાં હોય એ કામમાં પરત આવી જતાં...

ઓમ સ્વામી નામના એક યુવાન સંત, એક you tube video માં સમય વિશે સમજાવે છે કે,આધુનિક વિજ્ઞાન સમયને સુરેખ ધારે છે. આપણે પણ સમયને ક્રમિક માનીએ છે કે - જે થયું એ ભૂત કાળ, હમણાં છે એ વર્તમાન અને આવનાર ઘડી ભવિષ્ય કાળ છે -પણ આ સાચું નથી. વાસ્તવમાં સમય સમાંતર અને સાપેક્ષ છે. તેઓ સમજાવે છે કે, સૂર્યનું એક કિરણ લગભગ આઠ મિનિટ પછી ધરતી પર પહોંચે છે. એનો અર્થ એમ થાય કે અત્યારે આપણે જે સૂર્યને જોઈ રહ્યા છે એ હકીકતમાં આઠ મિનિટ જૂનો ભૂતકાળ છે, પણ માનવજાત માટે ચાલુ વર્તમાન છે. જો સૂર્ય અચાનક અત્યારે ચમકવાનો બંધ થઈ જાય તો પણ પૃથ્વીવાસીઓને આવનારી આઠ મિનિટ સુધી ખબર જ ન પડે. જે ખરેખર અદ્ભૂત લીલા છે. આનો સાર એ થયો કે,આપણે ખરેખર તો ભૂતકાળ,વર્તમાનકાળ અને ભવિષ્યકાળને સમાંતરે નિહાળી રહ્યા છે.

અંતમાં,સમય યુગ યુગોથી.. માનવ કલ્પનાને મોહિત કરી છે. સમય માટે એટલું કહી શકાય કે એ આપણા અસ્તિત્વનો માપદંડ છે.એ સતત સરકતો રહે છે. એને બાંધી શકાતો નથી. કોઈ એને બાંધી શક્યું નથી.આમ સમયને ઘણાં અર્થમાં મૂલવી શકાય. મારા મતે, “આપણને મળેલો સમય જ આપણું જીવન છે”.