મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .
કૃતજ્ઞતા
"કૃતજ્ઞતા " નો અર્થ છે - "કરેલા ઉપકારનો સ્વીકાર કરવો ". "કૃતજ્ઞ" રહેવું એટલે મારુ છે , મારા લીધે છે એ ભાવનાની ઉપર ઉઠવું , સામેવાળાએ કરેલા ઉપકારની કદર કરવી ,ધન્યવાદ કરવો , આભાર પ્રગટ કરવો . અંગ્રેજીમાં એને "Gratitude" કહે છે .
સનાતન સંસ્કૃતિમાં"કૃતજ્ઞતા"છલકતી જોવા મળે છે. જેમકે"પંચ મહાયજ્ઞ” ની પાંચ શ્રેણી પ્રમાણે પ્રકૃતિ અને પ્રાણીઓનો કલ્યાણપૂર્વક વિચાર કરવામાં આવ્યો છે. એ શ્રેણી પ્રમાણે આપણે રોજીંદા જીવનમાં કૃતજ્ઞ બનવું જોઈએ .
જેમાં ,
જ્ઞાન યજ્ઞ :-પ્રાચીન ઋષિઓ, ગુરુ, શિક્ષક જેમણે જ્ઞાન અને માર્ગદર્શન આપ્યું એમનું સન્માન કરી, સારું વેતન આપી આભારી બનવું .
દેવ યજ્ઞ :-
બ્રહ્માંડનું પ્રબંધન અને પ્રકૃતિનું નિયમન કરનાર દેવતાઓને હવન, પૂજન, અગ્નિને ઘી અર્પણ કરી પર્યાવરણ શુદ્ધ કરી
આભાર પ્રગટ કરવો .
પિતૃયજ્ઞ :-
આપણા માતા પિતા, વડીલો પ્રત્યે આદર,તેમજ મૃત પામેલા આપણા વડવાઓનું શ્રાદ્વ અને તર્પણ કરી એમના પ્રત્યે "કૃતજ્ઞતા પ્રગટ કરવી.
ભૂત યજ્ઞ :-
પ્રાણીઓ, પક્ષીઓ ,કીટકો ને ભોજનનો ભાગ નિત્ય આપવો.
મનુષ્ય યજ્ઞ :-
માનવતાની કોઈપણ જાતની સેવા તેમજ પરોપકારના કાર્ય કરવા,તેમજ મૃત પામેલા આપણા વડવાઓનું શ્રાદ્વ અને તર્પણ કરી એમના પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવી.
આ સિવાય સવારે વહેલા ઉઠી કરદર્શન કરી "કરાગ્રે વસતે લક્ષ્મી " શ્લોક બોલવો , સવારે ઉઠી જમીન પર પગ મૂકે ત્યારે "સમુદ્ર વસને દેવી " શ્લોક બોલી ધરતીમાતાને પ્રણામ કરવા , સ્નાન કરતી વખતે "ગંગા ,સિંધુ સરસ્વતી " શ્લોક બોલવો, ભોજન સમયે "અન્ન દાતા સુખી ભવઃ " બોલી આભાર માનવો .
તહેવારોમાં આપણી કૃતજ્ઞતા દેખાય છે . એ સિવાય પર્યાવરણ જે આપણી રક્ષણ પ્રણાલી છે એટલે આપણે વૃક્ષો , નદી , પર્વત ,મહાસાગર ની સંભાળ રાખી આભાર પ્રગટ કરીએ છીએ .
કૃતજ્ઞ રહેવું એટલે ફક્ત આભાર માનવો , Thank you બોલવું એટલું જ નહિ પણ ભગવાને તમને આપેલી દરેક ક્ષણને અણમોલ ભેંટ તરીકે જોવું . ઘણાંખરા બધું મળેલું હોવા છતાં સતત અભાવમાં જીવતા હોય છે અને ફરિયાદ કરતા રહે છે .એમની જરૂરિયાતોનો કોઈ અંત નથી માટે દુઃખી રહ્યા કરે છે.આવા કહેવાતા દુઃખી લોકોએ એકવાર તો અનાથાશ્રમ,
વૃદ્ધાશ્રમ,મેન્ટલ હોસ્પિટલ,અને દિવ્યાંગોની શાળા ની મુલાકાત જરૂર લેવી જોઈએ જેથી ખબર પડે કે તેઓ કેટલા નસીબદાર છે .
જયારે તમે કૃતજ્ઞ બનો છો ત્યારે તમે વધારે મેળવો છો. આભારી જીવન જીવવાની એક રીત છે જે આપણને એવી વસ્તુઓ તરફ ધ્યાન લઈ જવા કરે છે જે પહેલેથી હાજર છે અને વિપુલ પ્રમાણમાં છે .
કૃતજ્ઞતાને રોજીંદા જીવનની એક આદત બનાવવી જોઈએ.આપણે દરેક વસ્તુને શોધવાને બદલે અથવા અભાવમાં જીવવાને બદલે આપણી પાસે જે કાંઈ છે એમાં સંતોષની ભાવના કેળવી, અભાવમાંથી વિપુલતા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આમપણ જેના તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ એ વધે છે .
કૃતજ્ઞ બનવાથી આપણે સ્વીકારીએ છીએ કે આપણા જીવનમાં શું સારું છે અને નકારાત્મકતા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું બંધ કરીએ છીએ .
તમારે કોના અને કઈ બાબતો પ્રત્યે કૃતજ્ઞ હોવું જોઈએ?
જવાબ છે-- તમારા શ્વાસ માટે, તમારા શરીર માટે, તમારી પાંચેય ઈન્દ્રિયો માટે, તમારા ઘર, તમારા વસ્ત્રો, અન્ન માટે , તેમજ તમારા માતાપિતા , કુટુંબીજનો , સગા , સંબંધી , મિત્રો , પડોશી , શિક્ષક , ડૉક્ટર , ઇલેકટ્રીશ્યન ,તમારા કામવાળા , ઇસ્ત્રીવાળા ........યાદી ઘણી ઘણી લાંબી છે .
કૃતજ્ઞ જીવન સમ્માન, જવાબદારી અને ઉદારતાના મૂલ્યો પર આધારિત છે. જેમ જંગલના વૃક્ષો ઉપરથી અલગ દેખાય છે પણ એના મૂળ જમીનમાં જોડાયેલા છે એ રીતે આપણે પણ બધાં એકબીજા સાથે જોડાયેલા છે. આમ જોડાયેલા રહેવાની ભાવના કેળવવાથી તેમજ કૃતજ્ઞ બનવાથી જીવનમાં ચમત્કાર થતા જાય છે, પ્રભુની અસીમ કૃપા સતત મળતી રહે છે.તમારું હ્ર્દય હળવું ફૂલ બની જાય છે. તમારી આસપાસ સુખની લહેરો અને સકારાત્મકતાના તરંગો વહ્યા કરે છે. તમારા જીવનનો અનુભવ વ્યક્તિગત સીમાઓથી ઉપર ઉઠે છે અને તમને ધ્યાનમાં આવે છે કે તમારા જીવનને સુંદર બનાવવા કેટલાયે પરિબળો એકસાથે કામકરી રહ્યા છે .