મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .
માહીનાં પગલાં
"નારી તું નારાયણી " આરોહી વિચારી રહી હતી કે શું સાચેજ એવું હશે કે નારીને નારાયણી તરીકે પૂજાય છે ? આરોહી પોતાની પાંચ વરસની વ્હાલી માહીની તસ્વીર જોઈ હસી પડી.
આરોહી આજે એક દસકા પહેલાની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિનો તફાવત વિશે વિચારવા લાગી.પોતે મૂળ તો મુંબઈની મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મેલી , કોમ્પ્યુટર એંજીન્યરીંગની ડીગ્રી મેળવી અને નાની ઉમરમાં સર્વિસે લાગી ગઈ. નાની વયે “સિસ્ટમ એનલિસ્ટ”ની જવાબદારીભરી નોકરી સાથે પગાર પણ ખાસ્સો હતો. મમ્મી, પપ્પા અને એક ભાઈ સાથે ખૂબ સુખી હતી.
દર શનિવાર રવિવારે રજાઓમાં ફરવા જવુ એને ખૂબ ગમતું , એ પણ સખી મિત્રો સાથે નહીં પણ પોતાના ભાઈ, મમ્મી, પપ્પા સાથે.
આરોહીનો પરિચય સાથે જ ઓફિસમાં મેનેજર , ખુબ જ હોંશિયાર અને સોહામણા યુવક અનુજ સાથે થયો. આરોહી પ્રથમ નજરે જ અનુજને જોતા એના પ્રેમમાં પડી ગઈ. પરંતુ અનુજ ખુબ જ પૈસાદાર લાગતો હોવાથી આરોહીએ પોતાના પ્રેમ ના વિચારોને અહીજ પૂર્ણવિરામ મૂકી દેવાનુ નક્કી કર્યું .
આરોહીને જ્યારે પણ કોઈ પ્રોજેક્ટ્ માટે ઓફિસમાં મોડે સુધી બેસવાનું હોય ત્યારે અનુજ હંમેશા તકેદારી રાખતો કે, ઓફિસનો બીજો સ્ટાફ પણ હાજર હોય અને જો આરોહી એકલી હોય તો એને જવાબદારીપૂર્વક ઘર સુધી પહોંચાડતો.
આરોહીના કામના મેનેજમેંટમા પણ વખાણ થવા લાગ્યા, લગભગ બે વરસ ની અંદર આરોહીને પ્રમોશન આપવાની પણ ચર્ચા થવા લાગી.
અનુજને પણ ધીમે ધીમે આરોહીની હોંશિયારી,ચીવટાઈ અને કામ પ્રત્યેની સમર્પણની ભાવના તેમજ સારા સંસ્કારોણે લીધે આકર્ષણ થવા લાગ્યું . અને એક દિવસ એણે ચોખ્ખા શબ્દોમાં આરોહીને કહ્યું , ” આરોહી, હું તારી સાથે લગ્ન કરવા માંગું છું ”. આરોહી તો જાણે સપનામાં હોય એમ વિચારોમાં ગુમ થઈ ગઈ અને શું જવાબ આપવો એ ન સુજ્યું અને શરમાઈને જતી રહી.
આરોહી બીજા દિવસે ઓફિસમાં ન આવી. તેથી અનુજ સીધો આરોહીના ઘરે પહોંચી ગયો. આરોહી તેના ઘરે એકલી જ હતી અને એ ખૂબ જ ખુશ થઈ ગઈ. એના માટે આ એક સુંદર સરપ્રાઈઝ હતી.
આરોહી તો દરેક રીતે અનુજ સાથે લગ્ન કરવા રાજી હતી. એણે ગઈકાલે જ આ વાત પોતાના ઘરવાળઓને કરી હતી. ફ્ક્ત અનુજ મારવાડી કુટુંબનો હતો એટલુજ. થોડીવારમાં આરોહીના મમ્મી,પપ્પા પણ આવી ગયા, આરોહી એ અનુજ ની ઓળખાણ કરાવી. અનુજે થોડીઘણી વાતચીત પછી સીધું પૂછી લીધું કે , "હું તમારી આરોહી સાથે લગ્ન કરવા માંગુ છુ.” આરોહી ના મમ્મી, પપ્પાએ કહ્યું કે એલોકો અરોહીની ખુશીમાં જ ખુશ છે . એમણે સંમતિ આપી .
અનુજે પોતાના મમ્મી, પપ્પાને આરોહી વિષે વાત કરી. આરોહીના મમ્મી, પપ્પાને અનુજનું આ પગલું ન ગમ્યું . પરંતુ અનુજ એક નો બે ન થયો. અને એણે કહી દીધું કે, એ લગ્ન કરશે તો ફક્ત આરોહી સાથે અન્યથા નહીં. છેવટે એમણે નમતું જોખ્યું અને લગ્ન નક્કી થયા.
આરોહી નવવધુ બની ને આવી ત્યારથી એને અનુજ સિવાય કોઈ પણ સભ્ય સાસુ,સસરા, જેઠ, જેઠાણીના વ્યવહારમાં ઉત્સાહ ન દેખાયો. ફક્ત એના જેઠ નો બે વરસનો દીકરો આરવ એને ખૂબ વ્હાલ કરતો.
આરોહી ગુજરાતી હોવા છતાં ધીમે ધીમે મારવાડી રીતરિવાજ પ્રમાણે એડજસ્ટ થવા માંડી, પરંતુ એણે અનુભવ્યું કે, અનુજ સિવાય કોઇ પણ સભ્ય એને એડજસ્ટ થતાં નહતાં. આરોહીને નોકરી કરવી હતી. અનુજ નો પણ સહકાર હતો પણ સાસુ, સસરાના ડરને કારણે એણે નોકરી ને તિલાંજલિ આપી દીધી,
લગ્નને એક વર્ષ થઈ ગયું . હજુ સુધી આરોહી અને અનુજ ના બાળક આવવાના સમાચાર ન હતા. આરોહી અને અનુજે હવે નક્કી કર્યું કે કોઈ સારા ડોક્ટર ને મળી આવતી લગ્નની વર્ષગાંઠ પહેલા બાળકનું આગમન થઈ જવું જોઈએ.
ઘણા રિપોર્ટ, ઘણા ટેસ્ટ બન્ને એ કરાવ્યા છતાં આરોહીને સારા દિવસ જતા નહતાં. આરોહીની સાસુ, જેઠાણી બંને જણા મહેણાં મારવાનુ ચુકતા નહી. આરોહીને ત્યારે ખુબ જ દુ:ખ થતુ. પરંતુ અનુજ એને ખુબ સાચવતો અને ખુબ સાંત્વન આપતો. અનુજનું ભાવનાત્મક પીઠબળ અરોહીને હંમેશા એક રક્ષાકવચ બની રહેતું . આરોહીને ફરી નોકરી શરુ કરવા અનુજે કહ્યુ જેથી કરીને આરોહીનુ મન ઓફિસમાં પરોવાયેલુ રહે. આરોહીના મમ્મી પપ્પાને પણ આરોહીણે ત્યાં પારણું ક્યારે બંધાય એ ચિંતા રહેતી.
એકવાર આરોહી અને અનુજ પોતાના વતન જયપુર જઈ રહ્યાં હતાં . રાત્રે અચનાક બાજુના કમ્પાર્ટમેંટમાંથી એક નાના બાળક ના સતત રડવાનો અવાજ આવતો હતો. એલોકો અને બીજા પ્રવાસીઓ ભેગાં થઈ ગયા અને લાઈટ ચાલુ કરી જોયું તો દરવાજા પાસે લગભગ બે વર્ષની બાળકી હતી.એને પૂછ્યું કે, તારી સાથે કોણ છે? છોકરી એ રડતાંરડતાં જવાબ આપ્યો કે મમ્મી, પપ્પા , પણ ક્યાં છે એ ખબર નથી. અનુજને એક પ્લાસ્ટિક્ની થેલી ઉપર એક ચિઠ્ઠીવાળું કવર મળ્યુ. જેમાં લખેલું હતું કે, “ આ અમારી દિકરી માહી છે. અમે એના મમ્મી, પપ્પા છીએ અને અમને બંનેને જીવલેણ રોગ એઈડ્સ થયો છે અને અમે વધારે જીવવાના નથી તેમજ જેની સારવાર નો ખર્ચ અમારાથી થઈ શકે એમ નથી. તેથી અમે માહીથી દૂર હંમેશ માટે જઈ રહ્યા છે. માહીની જન્મ તારીખ અમે લખી છે જેથી અગવડ નપડે. અમારી શોધખોળ કરતાં નહી. બની શકે તો અમને માફ કરશો. અને હા છેલ્લે, અમારી માહી એકદમ તંદુરસ્ત છે . એનુ ધ્યાન રાખજો.
અનુજે આ ચિઠ્ઠી આરોહીને આપી. બીજા પ્રવાસીઓની મદદથી પોલિસ સ્ટેશન આ બાળકીને લઈને ગયા. અને છેલ્લે એમ પણ કહ્યું કે જો કાયદા પ્રમાણે મન્જૂરી હોય તો અમે માહીને દત્તક લેવા તૈયાર છીએ.
અનુજ અને આરોહી થોડા વખતમાં કાયદેસર માહીના માતા પિતા બની ગયા. અને અનુજ તો જાણે આ કન્યા રત્ન પામી ધન્ય થઈ ગયો. માહીની તો દુનિયા જ બદલાઈ ગઈ. શરુઆતમાં સાસુ, સસરા, જેઠ, જેઠાણી એ વિરોધ કર્યો પરંતુ પછીથી તેઓ પણ રાજી થઈ ગયા.
માહી તો આ ઘરમાં એટલી ભળી ગઈ કે આખું ઘર કિલ્લોલ કરતું થઈ ગયું . માહી અને આરવ પણ એક બીજા સાથે ખુબ રમતા. અને આ રક્ષાબંધનમાં તો માહીએ આરવ ને રાખડી બાંધી. આ બંને ભાઈ બહેન ને જોઈ દાદા દાદી પણ રાજી થતા. માહી તો સ્કૂલમાં પણ સૌથી સ્માર્ટ બની બધા ટીચરોની લાડલી બની ગઈ.
માહી ના પગલા ઘરમાં પડતાં જ જાણે આખા કુટુંબમાં ખુશાલી વ્યાપી ગઈ. અનુજ ની પણ ખુબ પ્રગતિ થઈ. આરોહી ના જેઠ અને સસરાને વેપારમાં ખુબ નફો થયો. અને એલોકો આ જશ માહીને આપતા.
અને સૌથી ખુશી તો ત્યારે થઈ કે આરોહીને સારા દિવસો રહ્યા.
આરોહી વિચારી રહી કે અનુજ નો આરોહી પ્રત્યેનો પ્રેમ અને સન્માન તેમજ માહી પ્રત્યેનો લગાવ આ બધાને લીધે આજે અનુભવ્યું કે , માહી જ નારાયણી સ્વરૂપે સુખ લાવી છે .આમ વિચારી મનોમન નાનકડી માહી ને અંતર ના આશિર્વાદ આપી રહી અને પોતાના ફેમિલિ આલ્બમ માહી સાથે જોવા લાગી.