મોબાઈલ થી સાઇટ જોનાર પ્લીઝ હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .

આજથી લગભગ 25-30 વર્ષ પહેલાં ઘણાં લોકોના મોઢે સાંભળવા મળતું કે “કંટાળો” આવે છે સમય જ પસાર નથી થતો. આ કંટાળો દૂર કરવા એલોકો મિત્રો, પરિવાર સાથે ગપ્પા મારતાં, સુખ- દુઃખની વાતો કરતાં,પોતાના ગામડે જઈ વાડીમાં પ્રકૃતિ સાથે સમય પસાર કરતાં. લાઈબ્રેરી માં જઈ પુસ્તકો વાંચતા અને સર્જનાત્મક વિચારો પણ કેળવાતા. જાણે એ ખુબ જ કિંમતી સમય હતો.

હાલ સ્થિતિ એ છે કે કોઈ પાસે સમય જ નથી. બધાં નોકરી, ધંધો, પેકેજ,હોડ હરિફાઈ, ભાગદોડમાં ઘેરાયેલા છે. આ દોડાદોડી છે ભૌતિક સુખ પાછળની ઘેલછા. બધાને જાણે હવે 24 કલાક પણ ઓછા પડે છે. ઓછામાં પૂરું હવે કંટાળો આવે તો ઉપલબ્ધ છે ઘણાં વિકલ્પો. જરૂર કરતાં પણ સારી સગવડો. તદુપરાંત, મોબાઈલ, ઓટીટી પ્લેટફોર્મ્સ, સોશિયલ મીડિયા અને અન્ય મનોરંજન ના સાધનો -જેમાંથી માહિતીનો સતત મારો થતો રહે છે જે મગજમાં સતત ઉમેરાતી રહે છે પણ એમાંથી બિનજરૂરી માહિતી બહાર નીકળતી નથી , એમાં આવતી રિલ્સ સ્ક્રોલ કરવામાં સમયનો ખુબ વ્યય થાય છે એ જાણવા છતાં એના વ્યસની બની ગયા છે. આ બધુંથોડો વાર તો સારુ લાગે છે પણ માનસિક રીતે પુષ્કળ થાકવી નાખે છે અને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકશાન કરે છે. નવા સર્જનાત્મક વિચાર પણ નથી આવતાં.

ખેર, અહીં વાત છે પોતાના માટે આ વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢવાની. જેવી રીતે તમારા ફોનને રોજ ચાર્જિંગની જરૂર પડે છે, તમારા વાહનને સમય સમયે સર્વિસીંગ કરવાની જરૂર પડે એ રીતે તમારા શરીરને પણ ચાર્જિંગની જરૂર છે . આપણું શરીર, મન અને આત્મા આ ત્રણે એકબીજા સાથે જોડાયેલા છે તેથી એમનું સંતુલન જાળવવા થોડા વિશ્રામ ની જરૂર હોય છે.

શ્રી શ્રી રવિશંકરજી કહે છે કે, “ખુદ ખુદ મેં ખુદ કો પાઓ” એટલેકે તમારી જાતમાં રોકાણ કરો. તમે પોતે એક જીવતું જાગતું સર્જન છો. સુખની પાછળ દોડવામાં તમે થાકી જાઓ ત્યારે પૉરો લો. આ માટે કોઈ જંગલમાં જઈ એકલા રહેવાની જરૂર નથી.

જોકે, જાપાનના લોકો તો ખરેખર પોતાની જાત માટે સમય કાઢી “Shinrin yoku” એટલેકે “જંગલ સ્નાન” કરે છે. એલોકો જંગલમાં જઈ વૃક્ષોને ભેટવું, શુદ્ધ હવા અનુભવવી,આસપાસ પ્રકૃતિનું નિરીક્ષણ કરવું વગેરે કુદરત સાથે જોડાયેલ તમામ તત્વોને માણે છે. તેઓ માને છે કે,આ રીતે કુદરતી વાતાવરણમાં સમય પસાર કરવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે અને નવી શક્તિનો સંચાર થાય છે.

ભારતમાં હજુ પણ ઘણાં લોકો શહેરમાંથી પોતાના ગામડે જઈ તાજગીનો અનુભવ કરે છે. આ બધું ન કરી શકો તો થોડો સમય કાઢી તમારા ઘરની બાલ્કની અથવા ઘરની કોઈપણ બારી પાસે આરામખુરશી અથવા હીંચકા પર બેસી આકાશની અનંતતા નિહાળો, સાંજ હોય તો સૂર્યાસ્ત માણો, રાત હોય તો ટમટમતા તારાઓના પ્રકાશને અને ચંદ્રમાની સુંદરતા નિહાળો. વૃક્ષો, પર્ણો, વેલીઓ,એના ફળફૂલને નીરખો. તાજી હવા અને ફૂલોની મઘમઘતી સુગંધ માણો, રંગબેરંગી પતંગિયાઓની સુંદરતા જુઓ. તમને ગમતું ગીત ગાઓ.

બીજો પ્રયત્ન એવો કરી શકાય - થોડો વખત પોતાનું વર્તુળ નાનું કરી દેવું. કારણ વર્તુળ જેટલું મોટું હશે એટલા કેન્દ્રથી દૂર થશો એટલેકે તમારા આતમથી દૂર થતાં જશો. આપણે એવી ગ્રંથિમાં બંધાઈ ગયા છે કે મોટી મોટી ખુશીઓ અને આનંદ બહાર છે પણ સાચો આનંદ તો આપણી એકદમ નજીક છે અને શોધતાં તરત જડી જાય એવો છે પણ આપણે એને સમય અને મોકો જ નથી આપતાં.

આજના “Artificial Intelligence” અને “technology” ની દુનિયામાં તમે પોતાના માટે ફક્ત એક કલાક ગાળો તોયે તમે નવી શક્તિ નો સંચાર અનુભવશો. જેમાં તમે યોગ, વ્યાયામ, મૌન,ધ્યાન, પ્રાણાયામ કરવું,પ્રાર્થના કરવી,તેમજ મનગમતું સંગીત સાંભળવું , મિત્રો પરિવાર સાથે ગપ્પા મારવા વગેરે. પણ આબધું ફરજીયાત બનાવો. થોડા જ સમયમાં તમે પામશો તમારા એક નવા સ્વરૂપને જેનું વ્યક્તિત્વ ખીલેલું અને ઉર્જાથી ભરપૂર હશે. શરત એટલી જ કે આ નિયમીત કરશો. કોઈવાર બાળકો સાથે રમો, કૂદો, ખડખડાટ હસો અને હસાવો. બની શકે તો રજાના દિવસે “સોશિયલ મીડિયા”નો ઉપવાસ કરો. નવા છોડ ઉગાડો, ખુલ્લા પગે બગીચામાં ચાલો. અને બની જાઓ એકદમ હળવા. તમને લાગશે કે જીવન તો કેટલું સરળ અને સુંદર છે ફક્ત તમારી જીવનની દરેક પળને ઉલ્લાસ થી માણજો કારણ જીવન તમને મળેલી ઉત્તમ ભેંટ છે. તમે આ રીતે પોતાને ગુણવત્તા ભરેલો સમય આપશો તો તમે ગર્વથી કહી શકશો કે “જીવન તો મેં જીવી જાણ્યું”.

a hammock hanging from a tree next to a body of water
a hammock hanging from a tree next to a body of water
a person holding a pink sticker that says enjoy every moment
a person holding a pink sticker that says enjoy every moment