મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .
આજે ચિનમ્માને પહેલીવાર કંટાળો આવ્યો. ફુટપાથની કોર્નરમાં આવેલી નાનકડી ઝુંપડીથી થોડે દૂર એક ચોતરો હતો. સવારના કુણાં તડકામાં એ પૉરો ખાવા બેઠી. બાજુની લારીવાળો એટલે કે ચા ની ટપરીવાળો મુન્નો પણ આશ્ચર્ય પામ્યો કે, આજે ચિનમ્મા આરામથી કેમ બેઠી છે? નહિ તો ચિનમ્મા એટલે નિરંતર ચાલતી ઘડિયાળ. કંઈ ને કંઈ કામમાં પરોવાયેલી જ હોય. મુન્નાએ પૂછ્યું , “ ચિનમ્મા આજે કામે નથી જવાનું ?” ચિનમ્મા હસીને બોલી , “ મુન્ના બેટા, આજે ખબર નહિ પણ ખુબ થાક લાગ્યો છે.” મુન્નો બોલ્યો, “ કરો કરો આરામ કરો .”
પચાસ-બાવન વર્ષની ચિનમ્મા. કચરો વીણવાવાળી. ગજબનાક એનર્જી ધરાવતી, હસમુખી, મદદરુપ. એનો વાન કાળો પણ ચમકતો, કાનમાં, હાથમાં અને
ગળામાં ઈમીટેશન ઘરેણાં પહેરતી, અંબોડો વાળતી. સાદી પણ ઘણી ચોખ્ખી. રોજ સવારે નિત્યક્રમ પતાવી ખભે સફેદ પ્લાસ્ટિકનો મોટો થેલો લટકાવી અને એક હાથમાં પાતળો લોખંડનો વળેલો સળિયો લઈ કચરો વીણવા નીકળતી. કચરામાંથી એ પ્લાસ્ટિક , પેપર, લોખંડ તેમજ ટીનના ડબ્બા વગેરે છૂટાં પાડી , એ ભંગાર રિસાયકલ માટે મુરલીકાકાને વેચતી. રોજના 100 રુપિયા કમાતી.
ચિનમ્મા આજે તંદ્રીમાં હતી. એ જુની યાદોમાં ખોવાઈ ગઈ. એને આજે મોહનની ખુબ યાદ આવતી હતી. ધીમે ધીમે એ પોતાના ગામની યાદોમાં પહોંચી ગઈ. ખુબ ગરીબીમાં પણ આનંદમાં પોતાના મા-બાપ સાથે રહેતી. 17-18 વર્ષે એકવાર એના ગામમાં પૂર આવ્યુ. એના મા-બાપ એણે ગુમાવ્યા. ગામવાળાઓએ થોડા દિવસ રાખી પણ એલોકો પણ ખુબ ગરીબ હતા એટલે ચિનમ્મા એલોકો ને બોજ બનવા નહતી માંગતી. એણ મુંબઈ શહેર વિશે ઘણું સાંભળેલું . એક નિર્ણય કર્યો , ગામવાસીઓને જણાવ્યું અને ચિંતા નહીં કરવાનું જણાવી , પોતાનો થોડો સામાન , બચત લઈ સ્ટેશન પહોંચી . પૂછપરછ કરી મુંબઈ જવાની ટ્રેનમાં બેસી અને બીજા દિવસે વહેલી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને આવી ગઈ.
એને થોડી હિંદી ભાષા આવડતી, પૂછપરછ કરી. એક જણે એને ઝુંપડ પટ્ટી તરફ ઈશારો કર્યો . એ થોડું ફરી એક ફુટપાથ પર સુરક્ષિત જગ્યાએ બેઠી . થોડે દૂર એક બીજુ ઝુંપડું હતુ. એણે જોયું કે એના જાતની લાગતી એક બાઈ એમાં બેઠી હતી. એણે એની ભાષામાં એ બાઈની મદદ માંગી. ચિન્નમાને રાહત ત્યારે થઈ જ્યારે એને ખબર પડી કે ,આ બેન જેનું નામ મીનામ્મા હતું એ એના બાજુના ગામની વતની હતી પણ એલોકો ક્યારેય મળ્યા નહતાં . મીનામ્માએ એને કહ્યું , “ તું અહીં બાજુમાં જ ઝૂંપડી બનાવી લે અને મારી સાથે કચરો વીણવાનું કામ કર.” પોતાની સાથે લાવેલ સામાન અને ચાદરથી એણે નાનું ઝુંપડું બનાવી દીધું .. મીનામ્માએ એને નહાવા-ધોવા માટે સુલભઘરની માહિતી આપી . પહેલા જ દિવસે મીનમ્મા સાથે ચિનમ્મા કચરો વીણવા ગઈ ,પછી ભંગાર વેચવા માટે મુરલીકાકા પાસે લઈ ગઈ અને 30 રુપિયા કમાઈ.
ચિનમ્મા જુવાન હતી પણ ખુબ નીડર અને સારા સંસ્કાર ધરાવતી. મીનામ્માની ઓળખાણને લીધે ચિનમ્માને કોઈ ઉની આંચ આવે એમ નહતું . ચિનમ્મા મીનામ્માનો ખુબ ઉપકાર માનતી. એ જાણે કે એના માટે ભગવાન હતી. મીનમ્મા ૬ મહિનામાં એના ગામમાં ચાલી ગઈ. હવે ચિનમ્માએ પોતાનુ ગાડુ પોતે જ હાંકવાનુ હતુ. એકાદ વર્ષમાં ચિનમ્માની ઓળખાણ પ્રસન્ના નામના મજુર સાથે થઈ. એ ખુબ મદદરૂપ બન્યો . બંનેએ લગ્ન કરી લીધા. પ્રસન્ના પણ અનાથ અને ગરીબ હતો. ચિનમ્મા જ્યાં રહેતી પ્રસન્ના પણ ત્યાંજ આવી ગયો. બંને ખુબ ખુશ હતાં. ચિનમ્મા પોતાનું કામ સવારે છ વાગ્યે શરુ કરી બાર વાગ્યા સુધી કરે. પછી રસોઈ બનાવી બંને સાથે જમી ફરી કામે લાગી જતાં. ચિનમ્મા મુરલીકાકાને ભંગાર વેચી આવતી..મુરલીકાકા લગભગ 60 ની આસપાસના સજ્જન હતાં. મુરલીકાકાને ચિનમ્માની પ્રમાણિકતા અને ખુમારી સ્પર્શી ગઈ હતી. એમણે ચિનમ્માને કહ્યું હતું કે , "તને ક્યારે પણ પૈસાની જરુર પડે તો મારાથી બનતી મદદ હું કરીશ." પણ ચિનમ્મા ખુબ સ્વમાની હતી. એનુ અને પ્રસન્નાનુ ગુજરાન થઈ રહેતુ, હવે થોડી બચત પણ થતી.
ચિનમ્માને સારા દિવસ રહ્યા હતા. પણ એની તબિયત સારી ન રહેતી. પ્રસન્ના એનું ખુબ ધ્યાન રાખતો. એ કામે ન જઈ શકતી તેથી પ્રસન્નાની જવાબદારી વધી ગઈ હતી. એ વધારે મહેનત કરતો. છેવટે નવમા મહિને ચિનમ્માએ એક બાળકને જન્મ આપ્યો. પરન્તુ એ બાળક “ એબનોર્મલ” હતુ. પ્રસન્ના થોડો નિરાશ થયો એણે એ વાત ચિનમ્માને ન કરી. બીજા દિવસે એને ખબર પડી તો એ ખુબ રડી.
ચાર દિવસ પછી એ બાળકને લઈ ઘરે આવી ગઈ. બાળકનુ નામ એમણે “મોહન” રાખ્યુ. એટલો હસમુખો પણ બિચારો શારિરીક અને માનસિક રીતે સક્ષમ નહતો. ચિનમ્મા વ્યથીત થઈ જતી. ત્યારે પ્રસન્ના સમજાવતો, “ આ તો પ્રભુએ આપણને આપેલી નિર્દોષ ભેંટ છે. કદાચ આપણા પાછલા જન્મના કર્મોનો હિસાબ છે.” ચિનમ્માને પ્રસન્ના પ્રત્યે ગર્વ થતો કે કેટલો સારો પતિ અને પિતા છે.
જેમ જેમ મોહન મોટો થતો ગયો એમ એમ એનું વધારે ધ્યાન રાખવા પડતું હતું . એનો દવાનો પણ ઘણો ખર્ચ થતો. પ્રસન્ના બિચારો ખુબ મહેનત કરતો અને પોતાની પત્ની અને મોહનને હંમેશા રાજી રાખવા પ્રયત્ન કરતો. ગમે એવો કામેથી થાકીને આવે તોયે મોહનને ઉંચકીને ફરવા લઈ જતો અને ખુબ રમાડતો.
મોહનના કારણે ચિનમ્મા કામે ન જઈ શકતી. એમની બાજુમાં ચાની ટપરી ચલાવતા બાબુકાકા અને એની પત્ની તથા એમના છોકરા મુન્ના સાથે આલોકોને સારો સંબંધ હતો. ચિનમ્મા એલોકોને ખુબ મદદરુપ બનતી. ઘણીવાર મુન્નાને પણ જમાડતી. ચિનમ્મા મોહનનુ દુ:ખ ભુલી જતી. બંને પતિ-પત્ની ક્યારેય પોતાને દુ:ખી ન સમજતા અને ખુમારીથી જીવતા. એવામાં એક દિવસ ચિનમ્મને માથે જાણે આભ તુટી પડ્યુ. પ્રસન્નાનુ એક અકસ્માતમાં મૃત્યુ થયુ. હવે કેમ જીવાશે? એક તો મ-બાપ પછીની સૌથી સારી વ્યક્તિની અચાનક આવી અણધારી મોત અને મોહનની જવાબદારી. એને થયું કે ભગવાને એની સાથે એમ કેમ કર્યું? મોહન એ સમયે લગભગ 7-8 વર્ષનો હશે. પ્રસન્નાની અંતિમ ક્રિયા પતાવી એ રાત્રે એણે એક નિર્ણય કર્યો. મોહનને લઈ રેલ્વે ટ્રેક પર ગઈ . એને સુવડાવ્યો અને પોતે સૂઈ ગઈ. પણ પછી મોહનને જોઈ અચાનક એ ઉભી થઈ અને પોતાનો નિર્ણય બદલી નાખ્યો. ઘેર આવી પ્રસન્નાના ફોટા પાસે જઈ નિશ્ચય કર્યો કે હવે પછી ક્યારેય આવુ પગલું નહિ ભરે.
ચિનમ્મા બીજા દિવસે મુરલીકાકાને મળી ફરી કામે લગાડવા વિનંતી કરી અને મુરલીકાકાએ એને હા પાડી.
બે દિવસ પછી એ બાબુકાકા અને એની પત્નીને મળવા ગઈ અને કહ્યુ, “ આવતીકાલથી મારુ જુનું કચરો વીણવાનુ કામ હું પાછું શરુ કરવાની છું . તમને એક વિનંતી છે કે હુ મોહનનું બધું તૈયાર કરીને જઈશ પણ તમે ફક્ત એ રોડ સુધી ઘસડાતો ન આવી જાય એ ધ્યાન રાખજો. કારણ હું કામે ન જાઉં તો અમારો જીવન-નિર્વાહ કેમ ચાલશે ? “ બાબુલાલ અને એની પત્ની ખુબ સજ્જ્ન હતા. એમણે કહ્યું , “ તુ જરાયે ચિંતા ન કરતી. અમે મોહનનું ધ્યાન રાખશુ. આ તો પૂણ્યનું કામ છે.”
ચિનમ્મા કામે લાગી ગઈ. બાબુલાલ અને એની પત્ની મોહનનુ ધ્યાન રાખતાં. એમનો દીકરો મુન્નો મોહનની બાજુમાં બેસી રહેતો . એની બપોરની સ્કૂલ હોવાથી મોહનને સારી કંપની મળતી. બારેક વાગ્યે ચિનમ્મા મોહનના બીજા કામ પતાવી રસોઈ કરી જમાડતી. ફરી પાછી ભંગાર વેચવા જતી અને ચાર વાગ્યા સુધીમાં ઘેર આવી બાકીનો સમય મોહન સાથે ગુજારતી.
મોહન લગભગ 10 વર્ષ નો થયો. મોહન બીજો કોઈ ત્રાસ ન આપતો ,ખુબ શાંત અને એક જગાએ બેસી રહેતો . પણ સુરક્ષિતતા માટે ચિનમ્મા મોહન માટે એક લાંબી સાંકળ લઈ આવી. ઝુંપડાની બહાર રેલિંગસ સાથે મોહનના પગમાં એ સાંકળ ભેરવી બાંધી દેતી. તેથી મોહન વધારે દુર ન જઈ શકે. બાબુલાલ અને અન્ય લોકોને એ વધારે ટેંશન આપવા નહતી માંગતી. સાંકળ લાંબી હોવાથી મોહન થોડે ફરી શકતો અને ચિનમ્માને પણ એટલી ચિંતા ઓછી રહેતી.
ચિનમ્મા મનોમન ભગવાનનો પાડ માનતી કે ,મુંબઈ શહેરે એને કેટલા સારા લોકોંનો ભેટો કરાવ્યો, સૌથી પહેલાં તો મીનામ્મા, પછી પ્રસન્ના, મુરલીકાકા, બાબુલાલ , એની પત્ની , મુન્નો. ખરેખર! એલોકો ન હોત તો એ કેવી રીતે જીવી શકતે ? મોહનનુ શું થાત ?
કોઈવાર ચિનમ્માને મોહનનુ દુ:ખ ન જોવાતુ. લગભગ 15 વર્ષ નો છોકરો પણ બિચારો અણસમજ અને અબોલ. એ વિચારતી કે પોતાને કંઈ થઈ ગયું તો મોહનનુ કોણ ? એ ભગવાનને ન ઈચ્છવા છ્તાં પ્રાર્થના કરતી કે ભગવાન મારા કરતાં પહેલાં મોહનને લઈ લેજે. ખુબ રડવુ આવતું પણ પછી પ્રસન્નના શબ્દો અને જુની યાદો વાગોળી સ્વસ્થતા જાળવતી.
આજે સવારે ચિનમ્મા મોહનને નવડાવી ધોવડાવી કામે જવા તૈયાર થઈ. મોહનને બે દિવસથી તાવ હતો એટલે એ કામે નહતી ગઈ. આજે ન જાય તો વળી પાછી ગરીબી. એટલે ન છુટકે આજે કામે જવા નીકળી. કામે જતાં પહેલા એણે મોહનને ખુબ વ્હાલ કર્યુ. માથા પર હાથ ફેરવ્યો. મોહન પણ બિચારો માતાના વ્હાલનો પ્રતિસાદ આપતો અને એનો હાથ ચુમી લેતો. ચિનમ્માના આંખમાં ઝળઝળિયાં આવી ગયા. એ કઠણ મને કામે જવા નીકળી.
બાબુલાલ , એની પત્ની અને મુન્નો આજે મોહનનું વધારે ધ્યાન રાખતા હતા. મોહનનો તાવ ઉતરી ગયો હતો પણ એને કોઈ બેચેની થઈ રહી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. બાબુલાલ ડોક્ટરને બોલાવવા ગયો. 12 વાગ્યે ચિનમ્મા આવી ગઈ. એણે જોયું તો મોહનનો શ્વાસ ખુબ ધીમો ચાલી રહ્યો હતો. એણે મોહનને પોતાના ખોળામાં માથુ મૂકી સુવડાવ્યો. ચિનમ્માને જોઈ મોહન હસ્યો પણ એની આંખો બંધ થઈ ગઈ. ડોક્ટર સાહેબ આવી ગયા. તપાસતાં જણાવ્યુ કે, મોહનના શરીરમાં હવે જીવ નથી. ચિનમ્માને ખુબ રડવુ આવ્યુ. એને પસ્તાવો થયો કે આજે એનુ મન નહતું છતાંયે એ શેના માટે કામે ગઈ?
મોહનની અંતિમક્રિયા પતાવી. બાબુલાલનું કુટુંબ પણ દુ:ખમાં હતુ. નિર્દોષ મોહનનું સ્મિત એમને ભુલાતું નહતું . ચિનમ્મા સ્તબ્ધ હતી.બે દિવસથી ચા સિવાય કઈ ખાતીપીતી નહતી. હસમુખી ચિનમ્મા ખુબ ગમગીન હતી.
હવે ચિનમ્મા કામે જતી. કોઈ સાથે વધારે વાત ન કરતી. ઝુંપડીમાં બેસી એના મા-બાપ, પ્રસન્ના અને મોહનની યાદમાં ઝુર્યા કરતી. એ ફક્ત એક જ વાર જમતી. મુન્નો હવે મોટો થઈ ગયો હતો . એ ચિનમ્માનું ખુબ ધ્યાન રાખતો. મુન્નાએ હવે ધંધો સંભાળી લીધો હતો. મુન્નાથી ચિનમ્માનુ દુ:ખ ન જોવાતુ.
એક દિવસ એ ચિનમ્મા પાસે સરસ પ્રસ્તાવ લઈને આવ્યો અને બોલ્યો , “ ચિનમ્મા, તમે જો આમ જ દુ:ખ લઈને બેસી રહેશો તો પ્રસન્નાકાકા અને મોહનના આત્માને કેટલુ દુ:ખ થશે. તમે જ ભગવાન પાસે માંગેલુ કે મોહનને તમારા કરતાં પહેલાં લઈ લે. ભગવાને તમારી પ્રાર્થના પણ સાંભળી. તમારે એમના આત્માને રાજી રાખવો હોય તો પાછા પહેલાં જેવા થઈ જાઓ. મે તમારા માટે એક મંદબુધ્ધિ બાળકોની શાળામાં એક આયા તરીકેની તમારી નિમણુક માટે ભલામણ કરેલી એ મંજુર થઈ ગઈ છે. આવતા અઠવાડિયે થી તમારે ત્યાં જવાનું છે.”
ચિનમ્માએ હા પાડી. એ શાળામાં પહેલા દિવસથી જ થોડી આનંદમા આવી ગઈ કારણ એના મોહન જેવા કેટલાયે બાળકો હતા અને એની સેવાનો મોકો એને મળ્યો હતો.
ધીમે ધીમે ચિનમ્મા પાછી નોર્મલ થઈ ગઈ. અને ફ્લેશબેકમાંથી પાછી વર્તમાનમાં આવી ગઈ.