મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .

જન્મદાત્રીનું ઋણ


જીલ દેસાઈ, નામ જ કેટલું સરસ! ઉર્જાથી ભરપુર, સુંદર, લીધેલ કાર્ય પૂરું ન કરે ત્યાં સુધી ચેન ન પડે એવી જીલ .

આજે એનો 18 મો જન્મદિવસ છે. બધા ફ્રેંડ્સ અને આજુબાજુવાળા , સગાં તેમજ મમ્મી-પપ્પા સાથે સેલિબ્રેટ કર્યો. ખુબ મજા કરી.

રાત્રે બધાના ગયા પછી ફ્રેશ થઈ મમ્મી-પપ્પાએ જીલને નિરાંતે પોતાની પાસે બેસાડી અને કહ્યું કે , “ આજે તુ 18 વર્ષની થઈ. દિવસો ક્યાં પસાર થઈ ગયા એની ખબર જ પડી. તું હવે મેચ્યોર્ડ છે, માટે તને આજે એક વાત જે વર્ષોથી અમે છુપાવી રાખી છે એ બહુ સમજી વિચારીને તને જણાવવાનો નિર્ણય કર્યો છે. તું અમારી સગી દિકરી કરતાંય અધિક છે પણ તેં મારી કુખે જન્મ લીધો નથી. તને અમે એક અનાથાશ્રમમાંથી દત્તક લીધેલ જ્યારે તું ફક્ત ૧ વર્ષની હતી.”

જીલ તો આ સાંભળતી જ રહી ગઈ. અને મમ્મી-પપ્પાને ભેટી ખુબ રડી અને બોલી કે, “ ભલે હું અનાથાશ્રમાંથી આવેલી છું પણ તમે જે રીતે મારો ઉછેર કર્યો છે અને પ્રેમ આપ્યો છે એ સગા મા-બાપ કરતાંય અધિક છે. આ વાત તમે મને ન કરી હોત તો પણ ચાલત.” ત્યારે જીલના પપ્પા બોલ્યા કે “ તને ક્યારેક જો બીજા આ વાત કરે અને કદાચ ખરાબ લાગે એના કરતાં અમે જ નિર્ણય કરેલોકે તું 18 વર્ષની થાય તો તારામાં મેચ્યોરિટી આવે ત્યારે જ કહેશું .” અને એ રાત્રે મોડે સુધી ત્રણેય જણાં બાળપણની વાતો કરકર્તાને બીજા અન્ય પ્રસંગો ચર્ચા કરી સૂતાં .

બીજા દિવસે રવિવાર હોવાથી જીલ આરામથી ઉઠી . રોજની જેમ ચા-નાશ્તો કરી હીંચકા પર બેસી પેપર વાંચવા બેઠી . અચાનક એને રાત વાળી વાત યાદ આવી ગઈ. મમ્મી-પપ્પાએ તો કહી દીધું કે, એ દત્તક લીધેલ છે પણ આજે એના હ્રદયમાં મોટો ભાર આવી ગયો હોય એમ લાગ્યું . ન્યુઝપેપર સાઈડમાં મૂકી વિચારોના વમળમાં સરી પડી. એક કલાક સુધી એને એજ વિચાર આવતા રહ્યાં કે એના બાયોલોજીકલ મા-બાપ કોણ છે?

એ ઉભી થઈ મમ્મી-પપ્પા પાસે ગઈ અને પોતે આજે એમની પાસેથી આખી હકીકત જાણીને જ રહેશે એમ નક્કી કર્યું . એણે મમ્મી-પપ્પાને કહ્યું , “ કાલે ભલે હું માની ગઈ પણ આજે સવારથી મારા મનમાં અજંપો છે કે , મારા બાયોલોજીકલ માતા-પિતા કોણ છે? માટે મહેરબાની કરી મને જે અનાથાશ્રમમાંથી લાવ્યા હતા એની માહિતી આપો.

અનિતાબેન અને નિમિષભાઈએ જીલના બર્થડે ના દિવસે મોટું મન કરી સાચી વાત જીલને જણાવી અને અત્યાર સુધી એમની દિકરીને દત્તક લીધેલી એ વાત એ ન જાણે માટે એમણે ઘણી તકેદારી લીધી હતી. અનિતાબેન અને નિમિષભાઈના લગ્નને 3 વર્ષ થવા છતાંય સંતાન નહતું . બંનેના રિપોર્ટ પ્રમાણે એ શક્યતા ઓછી હતી. માટે એ લોકો બાળક દત્તક લેવાનું નક્કી કર્યું . બંનેના માતા-પિતા તેમજ અન્ય સગાંઓ એમના આ નિર્ણયને વધાવી લે છે અને એમની ખુશીમાં જ પરિવારની ખુશી છે એમ માની નાનકડી જીલને ખુબ લાડ લડાવે છે. અનિતાબેન અને નિમિષભાઈ એ શહેર છોડી બીજા શહેરમાં રહેવાનો નિર્ણય કર્યો જેથી આજુબાજુમાં પણ આ વાતની ગુપ્તતા રહે. બંનેએ નક્કી કરેલું કે જીલને સાચી વાત તો 18 વર્ષની થાય એટલે જણાવી જ દેશે.

પણ જીલ આવી જીદ કરશે એ એમણે વિચાર નહતો કર્યો. જીલને નિમિષભાઈએ કહ્યું કે એલોકો મુંબઈ રહેતાં પણ રાજકોટના “ બાલાશ્રમ” નામના અનાથાશ્રમમાંથી જીલને દત્તક લીધી. આશ્રમના નિયમ મુજબ બાયોલોજીકલ મા-બાપ વિશે ગુપ્તતા રખાય છે. પણ ઘણીવાર આશ્રમવાળાઓને પણ બાળકોના મા-બાપ વિશે ખબર નથી હોતી. હવે કાયદો પણ બાળક જ્યારે 18 વર્ષનુ થાય ત્યારે એના મા-બાપ વિશે જાણી શકે છે. જીલ 6 વર્ષની થઈ ત્યારે અનિતાબેન અને નિમિષભાઈ બેંગલોર શિફ્ટ થઈ ગયા.

જીલે હવે જીદ કરી કે એ પોતાના જન્મદાતાઓ વિશે જાણીને જ રહેશે. અને પાછી બેંગલોર આવી જશે. અનિતાબેન અને નિમિષભાઈએ જીલને સમજાવ્યું કે આ બધું એટલું સહેલુ નથી. અને ધારોકે આશ્રમવાળાઓને પણ ખબર નહી હોય તો. અને ધારોકે ખબર પડી કે એના જન્મદાતા છે તો એ એલોકો સાથે જવા તૈયાર થશે કે કેમ? પણ જીલ તો જીદ લઈને જ બેઠી . છેવટે જીલને પરવાનગી મળી . જીલ જવા એકદમ તૈયાર હતી એટલે નિમિષભાઈએ એને આશ્રમના બધા પેપર્સ અને ફોટા આપ્યાં . પપ્પા મમ્મીને પગે લાગી જીલ રાજકોટની ટિકિટ બુક કરાવી બે દિવસમાં એક ધરમશાળામાં આવી પહોંચી .

બીજા દિવસે જીલ બહેન તો “બાલાશ્રમ”માં પહોચી ગયા . વહેલી સવારમાં ઓફિસમાં કોઈ કાર્યકર્તા ન દેખાતા એ પ્યુનની પરવાનગી લઈ અંદર પહોંચી ગઈ. ત્યાં જોયું તો એક મોટા હોલમાં 2 થી લઈ 10 વર્ષ સુધીના બાળકો પ્રાર્થના કરતાં હતાં હતા. એમની સાથે લગભગ 50 જેટલી ઉંમરની લાગતી બે બહેનો હતી. તેમ જ પાછળ એક 60 વર્ષ જેટલી ઉંમરની બીજી પ્રભાવશાળી બહેન હતી.

જીલને જોતાં એ એના આવવાનું કારણ પૂછયું અને ઓફિસમાં આવવા જણાવ્યું . પ્રભાબેન પોતે આ આશ્રમના સંચાલિકા છે અને 25 વરસ થી અહી જ રહે છે એમ જણાવ્યું . પ્રભાબેનનુ પણ આ દુનિયામા કોઈ નહતું એટલે એમએમનેઆ આશ્રમમાં જ અડધા ભાગનું જીવન બાળકો સાથે વિતાવ્યું . તેઓએ જીલની બધી વાત ધ્યાનથી સાંભળી અને જીલે લાવેલ ફોટા પણ જોયાં .પ્રભાબેને ફોટા જોઈ 15 વર્ષ પહેલાંની સ્થિતિ યાદ કરવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે, એમને આ દંપતિ યાદ છે અને એમણે જીલ ને દત્તક લેવા ઘણી મહેનત કરી છે કારણ આ પ્રક્રિયા કાયદાની દ્રષ્ટિએ ખુબ મહેનત માંગે એવી છે. બાળક દત્તક લીધા પછી પણ યોગ્ય નિયમ પાળવા પડે છે.

જીલને તો પ્રભાબેન પાસે ફક્ત એના સાચા મા-બાપ કોણ છે એ જાણવામાં જ વધારે રસ હતો. પ્રભાબેને જીલને ચોખ્ખી ના પાડી કે કાયદો ભલે પરમિશન આપે પણ આશ્રમ આ બાબતે ગુપ્તતા જાળવે છે. ઘણીવાર તો કોણ બાળકને મૂકી ગયું અને કયા સંજોગોમાં એ પણ એ મને ખબર નથી હોતી. પ્રભાબેને જીલને સમજવી કે , જે સ્થિતિમાં છે એમાં ખુશ રહે અને વધારે ઉંડાણમા ન ઉતરે. પરંતુ જીલે ખુબ આજીજી કરી અને પ્રભાબેનને વિશ્વાસમાં લીધા કે એ ખરેખર કોઈપણ કાર્ય મર્યાદામાં રહીને જ કરશે અને એનો આશય એકદમ પવિત્ર છે .

પ્રભાબેને જીલને કહ્યું કે , " આ કામ તો ખુબ મુશ્કેલ છે પણ કદાચ તને શાંતાબા જે આ આશ્રમના સૌથી વડીલ કેરટેકર જે અત્યારે તો બિમાર છે એ તને મદદ કરી શકે. એ અહીથી થોડે દુર રહે છે તારા પેપર્સ અને મા-બાપ નો ફોટો બતાવે તો કદાચ કાંઈ મેળ પડે. જીલનું મોઢું પડી ગયું કારણ આ શોધ આટલી અઘરી હશે એમ એને લાગ્યુ નહતું . એણે પોતાના મમ્મી-પપ્પાને આ વાત જણાવી .

બીજા દિવસે શાંતાબાને ઘેર જવા નીકળી .બે કલાકની મુસાફરી પછી શાંતાબેનને ત્યાં પહોંચી ગઈ . સામાન્ય ચાલીમાં રહેતા શાંતાબેન પથારીવશ હતાં . એમની પાસે બે સ્ત્રીઓ બેઠી હતી કદાચ એની વહુ અથવા દિકરી હોઈ શકે. એમને પ્રણામ કરી પ્રભાબેને અહી મોકલી એમ કહેતા શાંતાબેને એને બેસવા કહ્યું . જીલને લાગ્યું કે, બા ભલે પથારીમાં છે પણ એમના ચેહરામાં તેજ છે. જીલે બધી વાતો વિગતસર કીધી અને એમને ફોટો બતાવી પોતાના આવવાનું કારણ કહ્યું . શાંતાબાને તો જીલ તેમજ અનિતાબેન અને નિમિષભાઈનો ફોટો જોતા નજર સમક્ષ બધી જ વાતો યાદ આવી ગઈ .

શાંતાબાને એમના ગામની લીનાનો ઈતિહાસ યાદ આવે છે. લીના એમના ગામની મા વિનાની ગરીબ ઘરની પણ સંસ્કારી છોકરી હતી. એના લગ્ન પણ એક સારા અને સુંદર યુવક સાથે થયા જે અનાથ હતો. સામાન્ય સ્થિતિમાં પણ બંને ખુશ રહેતાં . લીનાએ એક વર્ષ પછી સુંદર બાળકીને જન્મ આપ્યો . પણ વિધિની ક્રૂર વક્રતા કે દસ દિવસમાં જ એ વિધ્વા થઈ ગઈ અને એની અવળી અસર એના મગજ પર થઈ ગઈ . એ સુનમુન જ રહેતી અને થોડા જ વખતમાં એની માનસિક સ્થિતિ ખરાબ થી ગઈ . ગામવાળા મળી થોડા દિવસ બાળકીનું ધ્યાન રાખ્યું પણ પછી શાંતાબેનને મળી એ જ્યાં કામ કરતાં એ અનાથાલયમાં એ બાળકીને મુકવાનું એલોકોએ નક્કી કર્યું . શાંતાબેન એ બાળકીને અહીં લાવી એની પણ બીજા બાળકો જેવી કાળજી રાખતાં અને એ જ બાળકીને અનિતાબેન અને નિમિષભાઈ દત્તક લીધી .

જીલ તો આ બધી વાત સાંભળી ખુબ લાગણીશીલ બની ગઈ. એને થોડી આશા જાગી કે પોતાની માતાને મળી શકશે . પણ ના એ પણ એટલું સહેલુ નહતું . શાંતાબેને એને કહ્યું કે , લીનાની જવાબદારી લેવા કોઈ જ તૈયાર નહતું . આજુબાજુવાળાઓએ થોડા વખત ધ્યાન રાખ્યું પણ પછી બધાં ગામવાસીઓએ મળી લીનાને શહેરમાં પાગલખાનામાં દાખલ કરી અને નક્કી કર્યુ કે દર મહિને ગામની એક વ્યક્તિ એને મળવા આવશે. આ વાતને પણ ઘણો સમય થઈ ગયો હતો. એથી લીના કઈ સ્થિતિમાં છે એ તો કેમ ખબર પડે?

જીલ તો હવે પોતાની માતાને મળવા અધીરી થઈ ગઈ હતી અને ભગવાનને પ્રાર્થના કર્યા કરતી કે એની માતા એને જલ્દી મળી જાય. એણે એ પણ નક્કી કરી લીધું કે ,એ એની માતા ભલે માનસિક રીતે અસ્વસ્થ છે પણ એને ક્યારેય એકલી નહિ મૂકે અને એની સાથે જ રહેશે. જીલે પરેશભાઈ અને અનિતાબેનને આખી વાત કરી અને એમને પણ બોલાવ્યાં અને એલોકો બીજા જ દિવસે ફ્લાઈટમાં સાંજે તો રાજકોટ પહોંચી ગયાં . શાંતાબેને જણાવેલ એડ્રેસ પર પોતે મમ્મી-પપ્પા સાથે બીજા દિવસે પહોચી ગઈ . શહેરની એક માત્ર આ મનોરોગીઓની સરકારી હોસ્પિટલમાં જવા માટે ડોકટર શેટ્ટીની અપોઈંટમેંટ લીધી .એ પહેલા ઓફિસરને મળી પોતાની સાથેના પેપર્સ બતાવ્યાં અને ત્રણે જણાએ ડોક્ટરને મળી લીનાબેનની મન;સ્થિતિ વિશે જાણી લીધું . ડોક્ટર શેટ્ટીએ જણાવ્યું કે, લીનાબેન ક્યારેય વધારે હેરાન કરતા નથી પણ ખુબ ગુમસુમ રહે છે. અને એક નર્સને એમને લીનાબેનના રુમમાં લઈ જવા કહ્યું . ત્યાં બીજી સ્ત્રી પણ હતી .

જીલ લીનાબેનને જોતાં ભેટવા ગઈ અને લીનાબેન પણ જાણે ઓળખતા હોય એમ એને વ્હાલથી ભેંટ્યા . જીલ એમના માથા પર ઘણીવાર સુધી હાથ ફેરવતી રહી . અનિતાબેન અને નિમિષભાઈ પણ આ સગી જનેતા સાથેનુ જીલનું મિલન થતા જોઈ ગદ્ ગદ થઈ ગયા . એ લોકો પણ જીલને લીનાબેનને પોતાની સાથે જ રાખવા તૈયાર જ હતાં .

આ કામ પણ ધીરજ માંગી લે એવુ હતું . કારણ લીનાબેનનું આ હોસ્પિટલ છોડી બેંગ્લોર આવવું એ કાયદાનું પણ કામ હતુ તેમજ લીનાબેન સાથે એક નર્સ રાખવી પડે એમ હતું . બધો વિચાર કર્યા પછી નિમિષભાઈ અને અનિતાબેન વારાફરતી રાજકોટ લગભગ છ મહિના સુધી જીલ સાથે રહ્યરહયાને કાયદાકીય રીતે લીનાબેનને બેંગ્લોર લૈજવા માટેની તૈયારી કરવા લાગ્યાં , જીલનો ડી.એન.એ. ટેસ્ટ રિપોર્ટ આવી ગયા પછી એમને થોડાક વખતમાં લીનાબેનને સાથે લઈ જવાની પરવાનગી મળી . ત્યાં સુધીમાં તો તો લીનાબેન પણ જીલને જાણે ઓળખતા થઈ ગયા હોય એમ ધીમે ધીમે થોડી ઘણી વાતો કરતા થઈ ગયાં .

જીલ અને એના મમ્મી-પપ્પા બેંગ્લોર જવાની તૈયારીમાં લાગી ગયાં . જતાં પહેલા એલોકો શાંતાબાને મળવા ગયા. અનિતાબેને એમને 20,000 રુપિયાની ભેંટ સ્વીકારવા વિનંતી કરી . શાંતાબેનને પગે લાગી એલોકો “બાલાશ્રમ”માં પ્રભાબેનનો આભાર માનવા આવ્યાં અને અનાથાશ્રમમાં 50,000 રુપિયાનુ દાન કર્યું . પ્રભાબેન અને શાંતબાએ કરેલા ઉપકારને જીંદગી ભર યાદ રાખવાની નેમ સાથે બીજા દિવસે જીલ , નિમિષભાઈ અનિતાબેન લીનાબેન સાથે બેંગ્લોર આવી પહોંચ્યા .

જીલે પ્રભુનો આભાર માન્યો અને મનોમન બોલી , પોતે ખુબ જ ભાગ્યશાળી છે કે એને નિમિષભાઈ અને અનિતાબેન જેવા ઉદારદિલના પાલક મા-બાપ મળ્યાં . પોતાની જનેતા લીનાબેનને પામી એ ખુબ જ ભાવવિભોર થઈ અને મંડી પડી લીનાબેનને સાજી કરવામાં અને જન્મદાત્રીનું ઋણ ઉતારવા.