મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .
સંગીત અને જીવનની એક નાનકડી યાત્રા
સંગીત અને જીવનની નાનકડી યાત્રા
મારી સંગીતની મધુર સ્મૃતિ જે માનસપટ પર ઉપસી આવે, એટલે બાળપણનો એવો સુવર્ણ સમય જયારે બધાં ભાઈ, બહેનો અને ભાઈ ભાંડુઓ વેકેશનમાં દાદાના ઘરે ઓટલા પર અંતાક્ષરી રમી કલાકો પસાર કરી નાંખતા.
બીજી મધુર સ્મૃતિ એટલે બાલકનીમાં હિંચકા પર બેસી રેડિયામાં વાગતાં સુમધુર ગીતો સાંભળવા અને કુદરતને માણવી.
સામાન્ય ભારતીયને મન સંગીત એટલે સા, રે, ગ, મ,પ, ધ, નિ., ફિલ્મી ગીતો, પોતાના રાજ્ય અને માતૃભાષામાં આવડતા ગીત અને ભજનો વિશે થોડી ઘણી જાણકારી. હકીકતમાં, સંગીત વિશે તો ગ્રંથોના ગ્રંથો લખાય એટલું વિસ્તારીત, ગહન અને ઊંડું છે.જેમ પક્ષીઓને સીમાડા નથી એમ સંગીતને પણ કોઈ સીમાડા નથી.
ભારતીય સંગીત શાસ્ત્રો પ્રમાણે, “ ગાયનં, વાદન એવં નર્તયં ત્રયં સંગીતં મુચ્યતે” અર્થાત ગાયન, વાદન અને નૃત્ય આ ત્રણેય ના સમન્વય ને સંગીત કહેવામાં આવે છે.
ભારતીય સંગીત પ્રમાણે પ્રાથમિક માહિતીમાં,
*ગાયન:- લોકગીત,શાસ્ત્રીય સંગીત, ફિલ્મી સંગીત, સુગમ સંગીત..
વાદન:- વાદ્યો જેવાં કે વાંસળી, વાજું (માઉથ ઓર્ગન) , સારંગી,તબલાં, મૃદંગ, ઢોલક, સિતાર, પેટી (હાર્મોનિયમ), વાયોલીન, મંજીરા, ઘંટ, કરતાલ..
નૃત્ય:- ભરત નાટ્યમ, કથક..
કિંવદંતી છે કે, સંગીતની ઉત્તપત્તિ “ અનાહિત ધ્વનિ” થી થઈ છે, જે બ્રહ્માંડની શાશ્વત ધ્વનિ છે એને “ ઓંકાર” કહેવાય છે. ભારતીય પરંપરામાં માનવામાં આવે છે કે, બ્રહ્માએ નારદ મુનિ ને સંગીત વરદાનમાં આપ્યું હતું. સંગીત ની આરાધ્યદેવી માતા સરસ્વતી છે જેમના હાથમાં વીણા છે.શ્રીકૃષ્ણની વાંસળી, મહાદેવનું ડમરું પ્રચલિત છે. મહાદેવ તો ગીત, સંગીત અને નૃત્યના આદ્યજનક કહેવાય છે. રામાયણ અને મહાભારત માં સંગીતનો ઉલ્લેખ છે. નાટ્ય શાસ્ત્ર અને યજ્ઞવલ્કય સ્મૃતિ માં કહેવાયું છે કે, સંગીત આધ્યાત્મિક છે જેમાં આત્માની મુક્તિ માટે મનની એકાગ્રતાને સશક્ત બનાવી મોક્ષ તરફ દોરી જવાની શક્તિ છે. સામવેદ જેના રચયિતા શિવ છે, એને “સંગીતની ગંગોત્રી” કહેવાય છે. ચાર વેદમાંથી ફક્ત સામવેદ જ ગવાય છે.
દેવી ભાગવતમાં સંગીત વિશે કહેવાયું છે કે, “ યથા નયતી કૈલાસમ, ગંગા ચૈવ સરસ્વતી તથા નયતી કૈલાસમ, સ્વરં જ્ઞાન વિશારદ્” અર્થાત જે રીતે ગંગામાં સ્નાન કરવાથી જીવને શિવલોક ની પ્રાપ્તિ થાય છે એ રીતે સંગીત રૂપી ગંગામાં સ્નાન કરવાથી શિવલોક પ્રાપ્ત થાય છે.
કહેવાય છે કે, ઈ.પૂ. 100 ની આસપાસ રચાયેલો નારદ મુનિ નો ગ્રંથ “નારદીય શિક્ષા”સંગીત શાસ્ત્ર નો પ્રથમ ગ્રંથ છે. અન્ય એક પ્રાચીન ગ્રંથ “સંગીત રત્નાકર” ની રચના પંડિત સારંગ દેવે કરી છે.
શું તમે ક્યારેય વાદ્ય કે સાધન વગરનું સંગીત સાંભળ્યું છે? જવાબ છે, હા. વરસાદ નું સંગીત, પક્ષીઓનો કલરવ, મંદ મંદ લહેરાતાં પવનથી ઉત્પન્ન થતો પર્ણો નો ધ્વનિ જે નીરવ શાંતિ માં સાંભળી શકાય, સમુદ્રનો ઘૂઘવાટ, ખળ ખળ વહેતી નદી ને રૂમઝૂમ કરતાં ઝરણાંનું સંગીત, ભમરાનું ગુંજન, હૃદયના ધબકારા,વ્હીસલ દ્વારા વગાડાતી ધૂન, બારીમાં ઝુલતાં “વિન્ડ ચાઈમ” નો હવા સાથે થતાં સ્પર્શ થી નિર્માણ થતો સુમધુર ધ્વનિ, સ્ત્રીના પગમાં ખમ ખમ વાગતાં ઝાંઝર, શેરડીનાં રસ નાં સાધન ને લટકાવેલી ઘુઘરીઓનું લયબધ્ધ સંગીત, ઘોડાનાં પગની ખરીથી આવતો તાલબધ્ધ ધ્વનિ, ગાય અને બળદના ગળામાં ભેરવેલી ઘૂઘરમાળ નો નાજુક ધ્વનિ, તાળીઓના તાલ…. યાદી હજુ લાંબી હોઈ શકે.
વિચાર કરો કે વાદ્ય વગર પણ સંગીત ઉદ્દભવી શકે તો વાદ્યનાં ખજાના જેવાકે, તબલાં, ઢોલ, બુલબુલ તરંગ, હાર્મોનિયમ જેવાં બીજાં અનેક વાદ્યોથી કેટલાં અદ્ભૂત સંગીતનું નિર્માણ થઈ શકે.
એક વાત તો નક્કી કે, સંગીતની જાદુઈ દુનિયામાં ડૂબકી લગાવીએ એટલે તરો તાજા થઈને બહાર આવીએ જ છીએ. સંગીતની તાકાત એટલી છે કે તમે ગમે એટલાં દુઃખી હો અથવા નિરાશાની સ્થિતિ માં હો, પણ જેવી કર્ણપ્રિય ધૂન અથવા ધમાલ વાળું ગીત વાગે એટલે મિનિટોમાં મૂડ સારો જ થઈ જાય.
સંગીત ને “ઉપચાર પદ્ધતિ” તરીકે પણ અપનાવામાં આવે છે. ધ્યાન, યોગ અને માનસિક શાંતિ માટે અમુક ખાસ સંગીત વગાડવામાં આવે છે. માનસિક રોગીઓ સંગીત નાં ઉપચારથી સાજા થયાના દાખલાઓ છે. “ૐ” અને “ વિઠ્ઠલ” શબ્દ નાં ઉચ્ચારથી જાણે ચમત્કારીક અસર થાય છે. પ્રયોગોથી સિદ્ધ થયું છે કે,અમુક સંગીત વગાડવાથી ગાયો પણ વધારે દૂધ આપે છે. પ્રાણીઓ, પક્ષીઓ, ડોલફીન ને પણ સંગીત ગમે છે. વૃક્ષોમાં સંગીત છે અને અમુક સંગીત સંભળાવવાથી એમનો વિકાસ ઝડપથી થાય છે.
દરેક દેશ કે પ્રદેશની સંગીતની પોતાની આગવી શૈલી કે સર્જન હોય છે એટલે સંગીતની તુલના કોઈ બીજાં પ્રદેશ કે દેશ સાથે ન થઈ શકે. છતાંયે ભારતીય સંગીત નો પ્રભાવ કાંઈક જુદો જ છે. માટે કહેવાય છે કે, અન્ય દેશોના સંગીત પગ અને શરીરને ઝંકૃત કરે છે જયારે ભારતીય સંગીત આત્માને ઝંકૃત કરે છે. એને એક પ્રાકૃતિક સંગીત માનવામાં આવે છે. આટલી બધી ભાષાઓ, શૈલીઓ, રાગો સાથે ભારતીય સંગીત એક મોટો ખજાનો છે. ભારતીય શાસ્ત્રીય સંગીતની મુખ્ય બે પદ્ધતિઓ છે. ઉત્તર ભારતની પ્રચલિત હિન્દુસ્તાની સંગીત જેમાં કેન્દ્રીય વિષય પ્રેમ અને અન્ય ભાવનાઓ હોય છે. બીજું, દક્ષિણ ભારતનું કર્ણાટકી સંગીત જેમાં મુખ્યત્વે વિષય ઈશ્વર પ્રાપ્તિની ભક્તિ નો હોય છે. આ બંનેમાં 12 સ્વરો છે.
ઉપશાસ્ત્રીય સંગીતમાં ઠુમરી, ટપ્પા, હોરી વગેરે હોય છે. સુગમ સંગીતનાં કોઈ નિયમ નથી હોતાં. એમાં ભજન, ગઝલ, ફિલ્મ સંગીત, લોકગીત વગેરે હોય છે.
ભારતના મોટા ભાગનાં રાજ્યોની પોતાની આગવી સંગીત કલા લોકપ્રિય છે. જેમકે,
મહારાષ્ટ્રમાં—લાવણી, નાટ્ય સંગીત, ભોંડલા
ગુજરાતમાં—રાસ, ગરબા, ભજન
ઉત્તર પ્રદેશ—ઠુમરી
આસામ—બીહુ સંગીત
બંગાળ—બાઉલસંગીત, રવીન્દ્ર સંગીત
છત્તીસ ગઢ—પાંડાવની
ગોવા—કોંકણીસંગીત
રાજસ્થાન—માંડ
પંજાબ—ટપ્પા
દક્ષિણ નાં રાજ્યોમાં કર્ણાટકી સંગીત
મધ્ય પ્રદેશનું શહેર,
ગ્વા લિ યર “City of Music” કહેવાય છે.
ભારતીય સંગીતની તાકાતનો પરચો ઈટાલીના સરમુખત્યાર મુસોલીનીને પંડિત ઓમકારનાથજીએ કરાવેલો હતો. મહેમાનગતિ દરમ્યાન, મુસોલીનીએ ભારતીય સંગીત વિશે કરેલી મજાકની ટિપ્પણી નો જવાબ પંડિત ઓમકારનાથજી એ આપ્યો હતો. એમણે ડાયનીંગ ટેબલ પર જુદા જુદા કાચના પ્યાલામાં ઓછું- વધારે પાણી ભરી છરી-કાંટા વડે જલતરંગની જેમ વગાડી મુસોલીનીને ડોલાવ્યો હતો. એનું માથું જોરથી ટેબલ સાથે અથડાયું હતું. એ ખુબ પ્રભાવિત થયો હતો અને એણે કરેલી મજાકની માફી પણ માંગી હતી.
બીજો એક પ્રચલિત કિસ્સો જેમાં, તાનસેનજી એ “દીપક રાગ” ગાઈ ને દીવા પ્રગટાવ્યાં હતાં ત્યારે એમને અગ્નિદાહ ઉત્પન્ન થયેલો. જેને ગુજરાતની બે બહેનો “તાના-રીરી” એ
“ મેઘ મલ્હાર રાગ” ગાઈને વરસાદ વરસાવી શમાવ્યો હતો.
ભક્તિ માર્ગમાં પણ સંગીત નો સિંહ ફાળો છે. ભારતીયોને આધ્યાત્મિકતા નાં પગથિયાં સુધી પહોંચાડવામાં સંગીતે મહત્વની કામગીરી કરી છે. પહેલાનાં સમયમાં સંગીતજ્ઞ અને ગાયકો સુરદાસ, મીરાં, નરસિંહ મહેતા, દયારામ તેમજ “માણ ભટ્ટ” તરીકે ઓળખાતા પ્રેમાનંદ- એ મહાન વિભૂતિઓના ભજન, કીર્તન, પ્રાર્થના તેમજ આખ્યાન દ્વારા લોકો ભક્તિ માર્ગે વળ્યા હતાં.
સંગીતનાં અનેક મહારથીઓનું જાદુઈ સંગીત -જેમકે બિસ્મિલ્લા ખાનની શરણાઈના સૂર જે આજે પણ લગ્ન પ્રસંગે વગાડવામાં આવે છે., ઉસ્તાદ ઝાકીર હુસેન, પંડિત શિવ અને હરિ, પંડિત ભીમસેન જોશી, પંડિત જસરાજ, પંડિત રવિશંકર….. યાદી હજુ લાંબી છે.
મહારાષ્ટ્રમાં જેને લોકો “વાસુદેવ” કહે છે એવા લોકો ગામેગામ મંજીરા વગાડી ભજન ગાઈ ભિક્ષા માંગતા તો અન્ય બીજાં કલાકારો ગામડાઓમાં સારંગીનાં સૂર છેડી ભજન અને ગીતો ગાઈ પોતાનું ગુજરાન ચલાવતાં. એ લોકોએ પણ સંગીત અને ભક્તિ ગામેગામ પહોંચાડી હતી. મદારીઓ પણ પૂંગી વગાડી ટોપલીમાં લાવેલ નાગને ડોલાવી મનોરંજન કરતાં, ખાસ કરીને,
“નાગપાંચમ” વખતે. હવે તો આ કલા જાણે લુપ્ત થઈ ગઈ છે.
ભારતીય સંગીતે મનોરંજન જગતમાં પણ પોતાનો ડંકો બજાવ્યો છે અને અનન્ય લોકપ્રિય ગાયકો, સંગીત કાર અને ગીતકાર આપ્યાં છે. ફિલ્મી સંગીત દરેકના જીવનમાં તાંણાવાણા ની જેમ ગુંથાઈ ગયું છે. અમુક ગીત, ધૂન દા. ત. “શોલે” ફિલ્મમાં માઉથ ઓર્ગનથી વગાડેલી ધૂન આજે પણ સુપર હીટ છે. લોકોમાં આનંદ, ઉત્સાહ અને જુસ્સો તેમજ અન્ય ભાવનાઓની
અભિવ્યક્તિ સંગીત દ્વારા વધુ અસરકારક બને છે. આ જગતમાં સંગીત એવું માધ્યમ કે સાધન છે જે આબાલ, વૃદ્ધ દરેકના હૃદયમાં વસેલું છે.
હવે તો “ આર્ટિ ફિશિયલ ઇન્ટેલીજન્સ” પણ આંગળી ના ટેરવે તમને મ્યુઝિક બનાવી આપે છે. જે કદાચ લોકોના હૃદય સોંસરવે નથી ઉતરતું. એમાં ભાવની અભિવ્યક્તિ ની ગેરહાજરી લાગે. સોશિયલ મીડિયા જેવાં કે, ઈનસ્ટાગ્રામ, ફેસબુક અને વોહટસ એપમાં લોકો ચપટીમાં જ પોતાની સ્ટોરી નાંખી, મનગમતું અને રીલને અનુરૂપ સંગીત શોધી રીલને વધુ રોચક બનાવી દે છે. એમની રિલ્સ ને અનુરૂપ મ્યુઝિક ને કારણે ઘણી લાઈકસ મળે છે. પણ આ બધામાં સંગીત નો મર્મ મરી જાય છે. જોકે એ વિશે,
“ ન બોલવામાં નવ ગુણ”.
અસરકારક સંગીત એટલે ધ્વનિના સ્પંદનોનું તમારા કણકણમાં સમાઈ જવું. આમ સંગીત એટલે પ્રાર્થના, સાધના, આરાધના, ધ્યાન, પ્રેમ, આનંદ, ઉત્સાહ . એક એવી કળા જે લય, મધુરતા, સંવાદિતા દ્વારા વિચારો અને લાગણીને વ્યક્ત કરે છે. સંગીત એટલે માત્ર સ્વર, શ્રુતિ, લય, તાલ, રાગ જ નહિ પણ આત્માથી પરમાત્મા સુધીનો માર્ગ પણ છે. ભગવાને આપેલ ઉત્કૃષ્ટ ભેંટ એવા સંગીત ના મહાસાગરમાં એક ડૂબકી તો જરૂર લગાવવી.
સંદર્ભ-Google, gemini ai, you tube, quora, Face book, you tube