મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .
" લાલા તારા સોનાના ચરણ, લાલા તારા...” સાસુ પાસેથી શીખલું હાલરડું પોતાના નાનકડા જશને સંભળાવતા મિહિકા ફ્લેશબેકમાં સરી પડી. જ્યારે પોતે એલ.એલ.બી. અને ઈંડ્સટ્રીયલ લૉ નું ભણી લીધું . ભાઈ સોહમ એના કરતા બે વરસ નાનો હતો. બંને ભાઈબહેન ખુબ લાગણીશીલ. સોહમ મિહિકાના દિલ નો ધબકાર હતો કારણ એનો પડયો બોલ સોહમ ઝીલતો અને મિહિકા પણ જાણે સોહમ ની બહેન ઓછી પણ મમ્મી જેવા લાડ લડાવતી.
મમ્મી-પપ્પા પણ ભાઈ-બહેન નો પ્રેમ જોઈ મનોમન ભગવાનનો પાડ માનતા. મિહિકાનું ફેમીલી મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ , જોશી એમની અટક. પણ વર્ષોથી જે સોસાયટીમાં રહેતા ત્યાં આજુબાજુવાળા લગભગ 80% ગુજરાતી હતાં એથી એમને બધાંને ગુજરાતી બોલતાં સરસ આવડતું. મિહિકાના મમ્મી-પપ્પા સર્વિસ કરતા. મહારાષ્ટ્રીયન ફેમીલી હોવાથી ભણતર તેમજ સર્વિસને વધારે મહત્વ હતું. મિહિકા અને સોહમનો ઉદ્દેશ સારુ ભણીગણી સારી નોકરીનો હતો.
મિહિકા અને સોહમ બંને ભાઈબહેન રાત્રે પોતાના કાયનેટિક પર આંટો મારવા જતાં. મિહિકા સ્કુટર ચલાવતી અને સોહમ પાછળ બેસતો. બિલ્ડિંગમા પણ બંને ભાઈબહેનના ઘણા ફ્રેંડ્સ હતાં. બધાં ભેગા મળી રમતા, પિકનિક, પિક્ચર સાથે જતાં તેમજ નવરાત્રી, દિવાળી તહેવારો ઉજવતાં. મિહિકાને ત્યાં દોઢ દિવસના ગણપતિ હોય ત્યારે બધાં સાથે મૂર્તિ લેવા જતા અને વિસર્જન વખતે પણ ખુબ ધમાલ કરતાં.
મિહિકાને એમનાં જ ગ્રુપનો બાજુની સોસાયટીમાં રહેતો નિલય પારેખ ખુબ ગમતો. નિલયને પણ એક સારી મિત્ર તરીકે મિહિકા ગમતી. મિહિકા નાનપણમાં સાધારણ દેખાવ ધરાવતી પણ જેમ જેમ મોટી થતી ગઈ તેમ સુંદર દેખાવા લાગી.
નિલય કેમીકલ એંજીનીયર હતો. પપ્પા અને કાકા સાથે કેમીકલ ફેકટરીનું કામકાજ સંભાળતો . ફેકટરી અંક્લેશ્વરમાં હતી. કાકા ત્યાં જ રહેતાં. નિલયના પપ્પા પંકજભાઈ પંદર દિવસે એકવાર ત્યાં જતાં. બાકીના અહીના ક્લાયન્ટસનું નિલય ધ્યાન રાખતો. નિલયના મમ્મી-પપ્પા રૂઢિચુસ્ત હતાં. નિલય માટે ઘણાં પ્રપોઝલ્સ આવતાં પણ એમને સુંદર તેમજ શ્રીમંત ઘરની છોકરી જોઈતી હતી. નિલયના કાકીની ભાણેજ પાયલ એમની પહેલી પસંદ હતી.
નિલયને મિહિકાનો સ્વભાવ ખુબ ગમતો. સારી જીવન સાથી તરીકે એનામાં બધાં જ ગુણ હતાં. અને એક દિવસ નિલયે મિહિકાને પ્રપોઝ કરી જ લીધું. મિહિકાએ પણ હા પાડી અને સોહમને વાત કરી. સોહમે પણ મિહિકાને સંમતિ આપી. મિહિકા અને નિલય જ્યારે જ્યારે મોકો મળતો ત્યારે ખુબ ફરી લેતા. મિહિકાને સારી જોબ મળી જાય પછી લગ્નનો વિચાર હતો.
એક દિવસ મિહિકાના પપ્પા મિહિકાને નિલય સાથે ફરતી જોઈ લીધી અને પત્નીને આ વાત જણાવી. મિહિકાને પપ્પા-મમ્મીએ સીધું પૂછી લીધું કે “ શું તું નિલય સાથે લગ્ન કરવાની છે?” મિહિકાનો હા નો જવાબ સાંભળી મમ્મીએ એને સમજાવ્યું કે ,"આપણે મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ, આપણાં અને ગુજરાતી કલ્ચરમાં ઘણો ફરક. નિલયના ઘરવાળાનો સ્વભાવ તો આપણે બધાં જાણીએ છે કે, ઘમંડી અને રૂઢિચુસ્ત છે માટે બને તો અહીં જ પૂર્ણવિરામ મૂકીદે".
પરંતુ, મિહિકા અને નિલયતો મક્ક્મ હતાં અને લગભગ એક મહિનામાં એમના કોર્ટ મેરેજના ન્યુઝ બંનેના ફેમીલીને મળ્યાં. નિલયના મમ્મીને તો ઘણો આઘાત લાગ્યો કારણ એક નો એક છોકરો અને એ પણ આવી સાદાઈથી લગ્ન , એમાંય પાછી મરાઠી વહુ, એપણ મિડલ ક્લાસ . પોતાના લગ્નની વાત નિલયે- મમ્મી ખુબ વિરોધ કરશે એ જાણતો હોવાથી છુપાવી હતી. પણ મિહિકા પાસેથી લગ્ન પહેલા વચન પણ લીધેલુ કે,
“ જો મિહિકાએ એની સાથે લગ્ન કરવા હોય તો એણે બધાં સાથે મિક્સ થઈ રહેવું પડશે. અને જો એ મંજુર હોય તો જ અન્યથા નહિ.”
મિહિકાના ઘરમાં પગ મુકતા જ પ્રમિલાબેન જમ્યા નહિ અને નિલય સાથે ઝઘડો કર્યો. મિહિરે મમ્મી-પપ્પાની માફી માંગી અને કહ્યું કે,“ ભલે મિહિકા મરાઠી છે પણ સારા સંસ્કાર ધરાવતી બ્રાહ્મણ છે. એ બધામાં ભળી જાય એવી અને પારકાને પોતાના બનાવી લે તેવી છે.”
મિહિકાના મમ્મી-પપ્પા તો નિલય જેવો સારા ઘરનો અને નિર્વ્યસની જમાઈ મળવાથી આનંદમાં હતાં. સોહમ પણ પોતાની બહેન નજીકમાં જ રહેવાની છે, એટલે મન થાય ત્યારે મળી શકાશે એમ સમજી ખુશ હતો.
લગ્ન બાદ એક અઠવાડિયું ફરી આવ્યા પછી મિહિકાને કોઈ બીજા જ પ્રદેશમાં આવી ગઈ એમ લાગ્યું કારણકે સાસુ-સસરા એની જોડે વાત ન કરતાં. મિહિકાને જોબ નહતી. નિલયે પંકજભાઈને મિહિકાને ફેકટરીને લગતા કાયદા માટે સલાહકાર તરીકે રાખવા કીધું કારણ મિહિકા એ વિષયનું જ ભણી છે પણ પંકજભાઈએ ચોખ્ખી ના પાડી.
મિહિકા સવારે કિચનમાં જતી હતી ત્યારે પ્રમિલબેન નો હુકમ થયો.
” જોજે, કિચનમાં ન્હાઈ-ધોઈ પછી જ જજે અને કાલથી આટલી મોડેથી ઉઠશે એ નહિ ચાલે.” મિહિકાએ ફટાફટ ન્હાઈ-ધોઈ ચા અને કાંદા પૌઆ બનાવ્યા. પણ એની ચા કોઈને ન ભાવી અને પૌઆ પણ તીખા લાગતાં ન ખાધાં. મિહિકા તો સાસુને પૂછવા લાગી કે, “ મમ્મી તમે કહો એ પ્રમાણે કઈ બીજું બનાવી દઉં? ” ત્યારે પ્રમિલાબેન ખુબ તીખાશથી બોલ્યાં કે, “વધારે મીઠાશની જરૂર નથી. મારા દિકરાને તેં વશમાં કર્યો છે અમને નહિ.” મિહિકા તો બાથરુમમાં જઈ રડી પડી. મિહિકાને ત્યારે સોહમની ખુબ યાદ આવી. મિહિકાને એ જ ચા બનાવી આપતો.
મિહિકાની રસોઈ પણ સાસુ-સસરાને ન ફાવતી. એની ચપાતી ખુબ જાડી બનતી. મસાલા ભાત વગેરે મરાઠી વાનગી સારી બનાવતી પણ અહીયાં સોહમ જેવા વખાણ કરવાવાળું કોઈ નહતું. એ વિચારતી કે સોહમ અને એના મમ્મી-પપ્પા કેટલાં સરળ છે.
મિહિકાને આજુબાજુમાં જવાની પણ છુટ નહતી. આખો દિવસ કામમાં જ પસાર થઈ જતો. એ જોતી અને અનુભવતી કે, પોતે આટલું ભણેલી છે છતાંય આ ઘરમા એની કોડીની ય કિંમત નથી. મિહિકા નિલયને આપેલા વચન પ્રમાણે સહી લેતી. મિહિકાના મમ્મી-પપ્પા અથવા સોહમ આવે તો સાસરિયા વધારે ભાવ ન આપતાં. સોહમ પણ પોતાને થતાં અપમાન ને કારણે વધારે આવતો નહિ. બિલ્ડીંગવાળી ફ્રેંડ્સે મિહિકાને પ્રમિલાબેનના સ્વભાવ વિષે ચેતવેલી પણ મિહિકા કહેતી કે,
“ પડશે એવા દેવાશે”. સાંજે જ્યારે નિલય ઘરે આવે ત્યારે મિહિકા ને “જાણે રણમાં મીઠુ ઝરણું આવી જાય એવી ખુશ થતી.” નિલય પણ મિહિકાને માન આપતો. મિહિકા ક્યારેય ફરિયાદ ન કરતી. છતાય નિલય એનો ચહેરો વાંચી લેતો .એ પોતાના મમ્મી-પપ્પાને પણ એટલો જ પ્રેમ કરતો, બધાંયને રાજી રાખવા પ્રયત્ન કરતો.
એક સવારે ઉતાવળમાં ન્હાઈ બહાર આવતા પ્રમિલાબેન દરવાજામાં જ ફસડાઈ પડયાં , મિહિકા સિવાય કોઈને એમની બૂમ ન સંભળાઈ. મિહિકાએ તરત આવી , એમને ધીરેથી બેઠાં કરી નિલયને ઉઠાડી નજીકની ઓર્થોપેડિક હોસ્પિટલમાં એડમીટ કરાવવાની વ્યવસ્થા કરવા કહ્યું. પ્રમિલાબેનનું થાપાનું હાડકું ખસી જવાથી અર્જન્ટ ઓપરેશન કરાવવા પડ્યું.મિહિકાએ દસ દિવસ સાસુની સેવા, તેમજ ઘરે રસોઈ પાણીની વ્યવસ્થા ખુબ સારી રીતે કરી. પ્રમિલાબેન માટે ઘરે આવ્યા પછીય નર્સ રાખવામાં આવી પણ એમને એ રુચતું જ નહિ. છેવટે એને કાઢી, મિહિકા જ બધું ધ્યાન રાખવા લાગી. લગભગ દોઢ મહિના પછી પ્રમિલાબેન વોકર વગર ચાલતા થયાં અને આમાં મિહિકાનો મોટો ફાળો હતો. પોતાની સાસુને કોન્ફીડન્સ આપી ચાલતાં કર્યા.
પ્રમિલાબેન જે હંમેશા, વાતે વાતે મિહિકાનું અપમાન કરતાં ,એ પોતાની સેવા કરનારી વહુ પ્રત્યે થોડા નરમ બન્યાં. પંકજભાઈ પણ મિહિકા સાથે હવે થોડી ઘણી વાત કરતાં. એકાદ મહિનો બધુ બરાબર ચાલ્યું. પણ એક દિવસ અંક્લેશ્વર થી કાકાનો ફોન આવ્યો એમણે જણાવ્યું કે, એમની ફેકટરીમાં એક બોઈલરની વરાળથી એક મજુરને થોડોક જ દાઝી ગયો છે, બધાં સેફટીના નિયમો અનુસરવાને લીધે કોઈ પણ પ્રકારનું નુકશાન નથી થયું પણ, યુનિયનવાળા પૈસા માગી ધમકી આપે છે. માટે તમે અત્યારે જ અહીં આવી જાઓ. નિલય બેંગલોર હતો. એણે પપ્પાને મિહિકાની સાથે અંક્લેશ્વર જવા કહ્યું, અને પોતે આજે બેંગલોરથી નીકળી આવતી કાલ સુધીમાં ત્યાં પહોચી જશે એમ કહ્યું. કાકાને બધાં ઈન્સ્યોરન્સ, અગત્યની ફાઈલ બધું રેડી રાખવા જણાવેલું. મિહિકાને પણ ફોનમાં બધી વિગતો જણાવી.
મિહિકા અને પંકજભાઈ અંક્લેશ્વર ફેકટરી પહોંચી ગયાં. મજૂરની હાલત વિશે જાણી લીધું. પોલીસટીમ ત્યાં હાજર હતી. મજુરની તબિયત સારી હોવાથી, મિહિકાએ પોલીસ ટીમને પરત જવા વિનંતી કરી જેથી મામલો વધારે વકરે નહીં. એમને ઇન્સ્યોરન્સ પેપર્સ તેમજ અન્ય ફાઈલ્સ બતાવ્યાં. મિહિકા પોતે કાયદાનું જાણતી હોવાથી, અકસ્માત ન થાય તે માટેના સેફ્ટીની વ્યવસ્થા પણ નિયમ પ્રમાણે હતી એમ પણ જણાવ્યું. યુનિયનના સેક્રેટરીને પંકજભાઈએ મિટિંગ કરી સમજાવ્યાં મજુરને વધારે ઈજા થઈ ન હોવાથી બધાં કામે લાગી ગયાં. પંકજભાઈ ભાઈ મજુર અને તેના પરિવારને મળ્યાં અને 50,000 રુપિયા રોકડા આપ્યાં . તેમજ મિહિકાના કહેવાથી ઇંન્સ્યોરન્સ કવર પણ વધારી આપવા રાજી થયાં. નિલય આવે એ પહેલાં તો બધું સમુ સુતરુ પાર પડી ગયેલું. બીજા દિવસે નિલય અને મિહિકા મજુરના ઘરે મળવા ગયાં . એની તબિયત પણ સારી હોવાથી બંને રાજી થયાં. પંકજભાઈ, કાકા તેમજ નિલય તો મિહિકાની ગંભીર પરિસ્થિતિને આટલી સરળતાથી પાર પાડવાની ક્ષમતા જોઈ ઈમ્પ્રેસ થઈ ગયાં.
બે દિવસ પછી મુંબઈ આવવા નીકળ્યાં, પણ મિહિકાની તબિયત જરા બગડી ગઈ. મુંબઈ પહોંચી ડોક્ટરને બતાવતા મિહિકા પ્રેગનન્ટ હોવાના સારા સમાચાર મળ્યાં. પણ ડોકટરે મિહિકાને આવા નાજુક દિવસમાં મુસાફરી કરી હોવાથી બેડરેસ્ટ કમ્પલસરી કરવાની સલાહ આપી. મિહિકા તેમજ આવનાર બાળકના સારા સ્વાસ્થ્ય માટે નિલય અને પ્રમિલાબેન મિહિકાની મમ્મીને ત્યાં ડિલિવરી સુધી રહેવાની પરવાનગી આપી.
મિહિકા મમ્મીને ત્યાં રોકાવા ગઈ. સોહમ પણ મિહિકાનું ઘણું ધ્યાન રાખે. નિલય રોજ મળવા આવે. પ્રમિલાબેન અને પંકજભાઈ પણ અઠવાડિયે એકવાર આવતાં અને જાતજાતનાં ફ્રુટ્સ તેમજ અવનવી વાનગી મોકલતાં. પ્રમિલાબેનને મનમાં થોડો ડર રહેતો કે બાળક અને મિહિકાની તબિયત સારી રહે તો સારું. પોતાના શ્રીનાથજીને પ્રાર્થના કરતા કે, મિહિકા અને આવનાર બાળકની રક્ષા કરે .
મિહિકાને નવમો મહિનો બેસી ગયો. મિહિકા પોતે સ્ટ્રોંગ હતી. પણ એક દિવસ એને એના બાળકના હલનચલન નો અનુભવ ન થયો. સોહમ અને મમ્મી સાથે નર્સિંગ હોમમાં દાખલ થઈ ગઈ. ડોકટરે પોસિબિલીટી કહી કે, કદાચ બાળકના ગળાની આસપાસ નાળ હોવાથી આમ થઈ શકે અને અર્જન્ટ ઓપરેશનની તૈયારી કરી દીધી. મિહિકા પણ થોડી ડરી ગઈ એટલે બી.પી. લેવલ વધી જતાં થોડી મુશ્કેલી થઈ પણ થોડી જ વારમાં નર્સ એક સુંદર બાળકને લઈ આવી અને મા દિકરા બંનેની તબિયત પણ સારી હોવાનું કહ્યું.
બધાં સુંદર છોકરાને જોઈ રાજી થઈ ગયાં. પ્રમિલાબેન મિહિકાને મળી ભેટી પડ્યાં અને પોતે મિહિકાને આપેલાં ત્રાસ બદલ માફી માંગી. થોડા દિવસ મમ્મીને ત્યાં રહી જલ્દીથી સાસરે આવી જવા કહ્યું. પ્રમિલાબેન મિહિકાના મમ્મી-પપ્પાનો પણ આભાર માની બોલ્યાં કે,
“ તમારી મિહિકાએ તો અમને પારકાને ય પોતાનાં બનાવી દીધા.”
અને મિહિકા ફ્લેશબેકમાંથી પાછી આવી ગઈ જ્યારે નાનકડો જશ ઘોડિયામાંથી હુંકારા કરી સ્માઈલ આપી જાણે કેહતો હોય કે, જો તારા હાલરડા ગાવા છતાં હું તો હજુ જાગતો જ છું.