મોબાઈલ થી સાઇટ જોનાર પ્લીઝ હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .
“પ્રવાહ સાથે ચાલો”,
“આજે છેલ્લો દિવસ છે એ રીતે જીવો”,
“પરિવર્તન સંસાર નો નિયમ છે” આવા મોટિવેશનલ ક્વોટ્સ જાનકી રોજ પોતાના ડેસ્ક કેલેંડરમાથી વાંચતી અને એને અમલમા પણ મુકતી.જ્યારે જ્યારે મન ભૂતકાળ અને ભવિષ્યકાળમાં ભમવા માંડે ત્યારે જાનકી પોતાના મનને વર્તમાનમાં લાવી દેતી.
જાનકી ખુબ મહત્વકાંક્ષી , ઉત્સાહી, વાચાળ તેમજ લાગણીશીલ સ્વભાવ ધરાવતી. સાથે સાથે હંમેશાં કઈંક નવું કરવાવાળી જાનકીને સફળતા પણ મળતી. 25 વર્ષે સફળ બીઝનેસ વુમન એવી જાનકી પોતે “ કૌશલ્ય કલા” નામની સંસ્થાની એમ.ડી. હતી, જેમાં મોટાભાગનાં કલાકારો આદિવાસી હતાં . એમના દ્વારા વારલી, મધુબની તેમજ અન્ય વાંસની બનાવેલ કૃતિઓ તેમજ અન્ય વેરાયટી જેમકે ચાદર, રમકડા, હીંચકા, પેઈંટીંગસ, માટીના વાસણો વગેરે માટે વેચાણ અને પ્રદર્શનનું પ્લેટફોર્મ હતું . દેશવિદેશમાં પણ એની માંગ રહેતી. જોકે, આ સફળતા પાછળ એની મમ્મી આશા બેન, પપ્પા હરિશ્ભાઈ, નાનોભાઈ અનિકેત અને નાની બહેન મૈત્રીનો પણ મહત્વનો ફાળો હતો.
કેટલાંય લોકો માટે રોજગારી તેમજ પોતાના કૌશલ્ય બતાવવાની તક અપાવનાર જાનકીની સાથે લગભગ વીસેક કલાકારો તેમજ દસેક જણાનો સ્ટાફ હતો. લગભગ દર મહિને નાના પાયે મુંબઈમાં પ્રદર્શન યોજતી. એમાં એને પણ ફાયદો રહેતો. આજે જાનકી મમ્મી-પપ્પાને કહેવા લાગી કે, “ મમ્મી પપ્પા, આ વખતે મારો વિચાર મુંબઈમાં નહિ પણ કોલકતામાં પ્રદર્શન યોજવાનો છે. જેથી સાહસ વધે અને વધારે નામના મળે”.
આશાબેને એને સાથ આપતાં કહયું , “ એ સારી વાત છે પણ બધો વિચાર કર્યો કે આના માટે ત્યાંનો હોલ, એ માટેની પરમિશન તેમજ બધાંના રહેવાનો, ખાવા પીવા અને પ્રદર્શનનો સમાન તેમજ અન્ય સામાન કેવી રીતે લઈ જવો ? આ માટે બજેટ વગેરે પ્લાન કરવું પડે.”
જાનકીએ મમ્મીને જવાબ આપ્યો કે, “ મમ્મી એ બધો પ્લાન મેં , મૈત્રી અને અનિકેતે કરી નાંખ્યો છે. બધાં કલાકારો સાથે મિટિંગ પણ થઈ અને નવરાત્રિના પહેલાં દિવસ થી સાત દિવસ નક્કી કર્યા છે. ફક્ત એમણે બનાવેલ કૃતિઓ તેમજ સામાન નો પ્રશ્ન છે એ પણ આપણી સપના એ સોલ્વ કરી દીધો છે . એના ફોઈનો છોકરો પરિતોષ બાસુ જે કોલકતા જ રહે છે એના મોટા બંગલામાં બધો સામાન રહેશે ,તેમજ હોલ પણ એની ઓળખાણથી ફ્રીમાં મળી ગયો છે.”
સપના એની ઓફિસની એક જવાબદાર અકાઉન્ટન્ટ હતી. પરિતોષ એના મામાનો છોકરો હતો. જાનકીના માથેથી મોટો ભાર ઉતરી ગયો. સપનાએ જાનકીને પરિતોષનો નંબર આપી ડાયરેક્ટ વાત કરવા કહ્યું .
નક્કી થયેલા દિવસે બધો જ સામાન આવી પહોંચ્યો અને પરિતોષે એને પોતાના બંગલામાં મૂકાવી દીધો. જે ફક્ત પ્રદર્શન ના દિવસ સુધીની એની જવાબદારી હતી કારણ છેલ્લા દિવસે એ સામાન હોલમાંથી ડાયરેક્ટ મુંબઈ જવાનો હતો. બાકીના સ્ટાફ, તેમજ કલાકારો એક દિવસ પહેલાં આવી પહોચ્યા. જેમની રહેવા કરવાની વ્યવસ્થા મૈત્રી અને અનિકેતે એક હોટેલમાં કરી રાખેલી. બધા સાથે જાનકીએ એક મિટિંગ લીધી. બધાનો ઉત્સાહ વધારી આ પ્રદર્શન ખુબ સફળ રહે એવી શુભકામના પણ આપી.
પરિતોષ સાથે ઓળખાણ પણ પર્સનલી એ જ દિવસે થઈ.જે પોતે બંગાળી હતો પણ જાનકી સાથે હિંદી અને ઈંગલીશમાં વાત કરતો. જાનકીને પરિતોષ લગભગ 27-28 વર્ષનો ખુબ જ હેંડસમ, સૌમ્ય અને સોહામણો યુવાન લાગ્યો. જેને પ્રેમનો ક્યારેય વિચારવાનો ટાઈમ નહતો એ જાનકી પરિતોષને જોતાં પહેલી નજરના પ્રેમમાં પડી ગઈ પણ એણે એની લાગણી ન બતાવી. પરિતોષ એના મા-બાપ અને નાની બહેન એમ નાનું કુટુંબ હતું . એની પોતાની એક્સ્પોર્ટ થતાં રમકડાની દુકાન હતી. એ પોતે પણ કલાનો ચાહક હતો.એને પણ જાનકીને જોઈ સુંદર અનુભૂતિ થઈ. પરિતોષ સાથે ફક્ત ફોન પર વાત થયેલી પણ એના ઉદાર વ્યક્તિત્વ, મદદ કરવાની ભાવના તેમજ બધી વ્યવસ્થા સંભાળી લેવાની જવાબદારી જોઈ જાનકીએ એનો આભાર વ્યક્ત કર્યો અને છેલ્લે દિવસે સાથે ડિનર લેવાનું વચન પણ લીધું .
આ પ્રદર્શન જાનકી માટે ઘણુ મહત્વનું હતું . કારણ આ માટે એણે પોતાનો સમય અને બચત લગાવી હતી અને જો એ સફળ ન થાય તો મોટો ફટકો પડે એમ હતું . પણ જાનકી તો રિસ્ક લેવામાં માનતી અને એને પોતાના પર કોંફીડન્સ પણ હતો.
અને બધા સમયસર એક બે માળના હોલમાં પોતપોતાના સ્ટોલમાં સામાન સહિત ગોઠવાઈ ગયાં . પ્રદર્શન નો પહેલો દિવસ ઠીક રહ્યો. પણ પબ્લીસીટી સારી એવી કરી હોવાથી મુલાકાતીઓ ઘણાં આવ્યા. બીજા દિવસથી તો એમના દરેક સ્ટોલમાં ખુબ વેચાણ થયું અને સારો રિસ્પોન્સ મળતા બધાં આનંદમાં હતાં .
પરિતોષ જાનકીને રોજ એકવાર તો મળી જતો. અને પાચમાં દિવસે તો સાંજ સુધી રહ્યો. જાનકી એને ખુબ વાચાળ લાગી અને આ ગુજરાતી છોકરીનો સંગાથ એને ખુબ ગમવા લાગ્યો. પોતાની ઉંમર કરતાં જાનકી એને ઘણી સ્માર્ટ લાગી અને પોતાના માટે પરફેક્ટ લાઈફ પાર્ટનર મળી ગયાની લાગણી અનુભવવા લાગ્યો. જાનકીને પણ પરિતોષની હાજરીથી હૂંફ લાગતી.
આજે છઠ્ઠા દિવસે જાનકી એ સુંદર પિંક કલરની વારલી પ્રિંટની સાડી ફક્ત પરિતોષનો વિચાર કરીને જ પહેરી. આજે જાનકી પણ જાણે કે પરી જેવી સુંદર લાગી રહી હતી. બપોર થવા આવી છતાંયે પરિતોષનો ફોન પણ ન આવ્યો કે ન એ પોતે. જાનકીનું મૂડ ઘણું ઓફ થઈ ગયું . એને થયું કે ,પોતે જોરમાં રડી પડે. કારણ જેના માટે આટલી સરસ તૈયાર થઈ હતી , જો એ જ ન આવે ..એવો એને ખ્યાલ જ નહતો . પણ પાછી સ્વસ્થ થઈ કામમાં પરોવાઈ ગઈ. અને એ દિવસ પણ પૂરો થઈ ગયો.
રાત્રે એણે પરિતોષને ઘણા ફોન કરી જોયા પણ ફોન રેંજમા ન હતો. એને અજબ અકળામણ થવા લાગી. પરિતોષે આમ કેમ કર્યું હશે? શું એને પ્રેમની કોઈ પરિભાષા આવડતી નહિ હોય કે પછી પોતેજ વધારે પડતી અપેક્ષાઓ લઈ મોટા સપના જોવા લાગી. પણ એને આવતીકાલ માટે આશા હતી. મોડીરાત સુધી વિચાર કરતી સુતી.
સવારે ઉઠતાં ફરી એજ વિચારોનું વમળ શરુ થયું . પણ ,આજે ફરી સુંદર તૈયાર થઈ કારણ આજે છેલ્લો દિવસ હતો અને એ બંને સાથે ડિનર લેવાના હતાં . તૈયાર થઈ એ આવી પહોચી અને સપનાને પૂછ્યું પણ સપનાનો ફોન પણ લાગતો નહતો. સપનાએ કહ્યુ કે.,” જાનકી, હું થોડોવારમાં પરિતોષને ઘેર જ જવાની છુ અને ત્રણ દિવસ રોકાવાની છું .” અને જાનકી અને સપના પાછા વ્યસ્ત થઈ ગયા. થોડીવારમાં સપના જતી રહી. જાનકીની નજર ઘડીઘડીએ એંટ્રી ડોર તરફ જતી હતી . એને લંચ ટાઈમ થયો ત્યારે લાગ્યું કે ,સમય થોભી જાય તો કેટલુ સારું . બધાં કારીગરો અને સ્ટાફ લંચ પછી પેકિંગ કરી જવાની તૈયારીમાં લાગી ગયાં .સાંજ સુધી જાનકીએ જીવ બાળ્યો. સપનાને ફોન લગાવ્યો પણ એ ફોન પીકઅપ નહતી કરતી.
જાનકીએ બધો હિસાબ કિતાબ કરી , બધુ ચેક કરી હોલની ચાવી સહીસલામત આપી. એકંદરે પ્રદર્શન ખુબ સફળ રહ્યું . જનકીને એની ખુશી નહતી પણ પરિતોષ ન આવ્યાનું દુ:ખ હતુ. રાતની એક વાગ્યાની ટ્રેન હતી. એ હોટેલ પાછી ફરી અને સામાન પેક કરી બધા ડિનર લઈ સ્ટેશન રવાના થયા. ટ્રેન ચાલુ થઈ ત્યાં સુધી એને આશા હતી કે ,પરિતોષ આવશે જ. પણ આશા ઠગારી નીવડી.
બીજે દિવસે ઘરે પહોંચી ફ્રેશ થઈ વિચાર્યુ કે ,આજે છેલ્લીવાર એ પરિતોષને ફોન કરશે અને એ જો રિસ્પોંસ નહિ આપે તો એ એને ભૂલી જશે. એણે ડરતાં ડરતાં ફોન લગાવ્યો. રિંગ વાગી પણ તરત કટ થઈ ગયો. એવુ 5-6 વાર થયુ. એટલે એણે નિશ્ચય કર્યો કે હવે એ ક્યારેય ફોન નહી કરે.
એટલામાં સપનાનો ફોન આવ્યો અને એની સાથે વાત કરતા જાનકી જાણે ફસડાઈ પડી. પરિતોષના અકસ્માતના સમાચાર હતાં . એણે આગળ વિચાર કર્યા વગર ફરી કોલકતા માટે પ્લેનની ટિકિટ બુક કરાવી અને ઘરે વાત જણાવી . બીજા દિવસે વહેલી સવારની ફ્લાઈટમાં ,પરિતોષ જે હોસ્પિટલમાં હતો ત્યાં આવી પહોંચી.
સપનાએ હકીકત જણાવતા કહ્યુ કે, “ પ્રદર્શન પતવાના આગલા દિવસે પરિતોષની ગાડીને એક ટેન્કરે ધક્કો મારતાં અકસ્માત થયો અને એને મોઢા અને માથા પર ઈજા થઈ છે અને ભાનમાં આજે જ આવ્યો છે. ડોક્ટરોએ મળવાની ચોખ્ખી ના પાડી છે. પણ તું શું કામ આવી? “
જાનકીએ કહ્યુ કે, “ સપના મન જ ન માન્યુ. હું તારી સાથે જ રહીશ જ્યાં સુધી એને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ ન મળે”. પરિતોષના પરિવારજનો પણ જાનકીને જોઈ રહ્યા. બીજા દિવસે આઈ.સી.યુ માંથી બહાર લાવતા બધાંને પરિતોષને મળવાની ડોક્ટર છુટ આપી પણ સાથે સાથે પરિતોષના ચેહરા જોઈ કોઈપણ એક્સ્પ્રેશન ન આપવા અનુરોધ કર્યો અને વાત કરવાની પણ મનાઈ ફરમાવી . બધાં એક પછી એક મળી આવ્યાં . જાનકીને જોતાં જ પરિતોષની આંખ ભરાઈ આવી પણ જાનકીએ એને ખુબ હિંમત રાખવા ઈશારો કર્યો .
બહાર આવી રડી પડી પણ તરત સ્વસ્થ થઈ ગઈ . ત્યારેજ જાનકી મનોમન નક્કી કરી લીધું કે ,પરિતોષ ભલે હવે ચહેરાથી સુંદર નથી રહ્યો પણ એ એને સાચો પ્રેમ કરે છે માટે એ જેવો હશે એ એની સાથે જ લગ્ન કરશે.
દસ દિવસ સુધી જાનકી સપના સાથે એના પરિવારને ત્યાં જ રહી . રોજ હોસ્પિટલમાં જતી .પરિતોષને હવે વાતચીત કરવાની છુટ હતી. જાનકીએ સપના અને એના ઘરવાળાને સમજાવી પોતે બપોર સુધી પરિતોષ સાથે રહેવાની પરવાનગી લીધી . પરિતોષના રુમમાં આવી .પરિતોષે એને કહ્યું , “ જાનકી, હું એ દિવસે તને પ્રપોઝ કરવાનો હતો. પણ વિધિના લેખ કેવાં ? શું ધારેલું અને શું થઈ ગયું .” ત્યારે જાનકી પણ બોલી કે, “ મેં પણ તારી કેટલી રાહ જોઈ , કેટલા ફોન કર્યા અને મને ખુબ ગુસ્સો પણ આવ્યો. કારણ હું પણ તને ખુબ જ પ્રેમ કરુ છુ. આજે તને એ પણ કહું છું કે , હું તારી સાથે જ લગ્ન કરીશ અન્યથા કુંવારી રહીશ.” પરિતોષે કહ્યું કે, “જાનકી ,હવે એ શક્ય જ નથી કારણ મારો ચહેરો હવે ઘણો કદરુપો થઈ ગયો છે માટે તું આજે જ મુંબઈ જતી રહે નહિ તો હું ક્યાંક દૂર ચાલ્યો જઈશ.” પણ માને તો જાનકી શેની? એણે પણ કહી દીધું કે, “ મેં તને પ્રેમ કર્યો છે તારા ચહેરાને નહિ. હું મુંબઈ જઈશ પણ પછી હું કુંવારી જ રહીશ શું એ તને ચાલશે? અને મેં ડો.બેનરજી સાથે વાત કરી છે. જેઓ મોટા પ્લાસ્ટીક સર્જન છે. તારા કેસપેપર્સ સ્ટડી કરી એમણે ખાતરી આપી છે કે નેવુ ટકા તારો ચહેરો પહેલા જેવો થઈ જશે. પણ એકાદ વર્ષની અમુક સીટિંગ્સ લીધા પછી. ધીરજ અને પૈસા બંને ખરચાશે પણ પરિણામ સકારાત્મક રહેશે.”
પરિતોષે એ સમયે મૌન જાળવ્યું . પણ જાનકી પોતાના નિર્ણયમાં મક્ક્મ રહેતાં એને જાનકી ને પહેલાં તો મુંબઈ રવાના થવા કહે છે . અને જાનકી પાસે પરિતોષ વચન લે છે કે , “જો મારો ચહેરો પહેલા જેવો થશે તો જ હું તારી સાથે લગ્ન કરીશ. અને હું જ્યાં સુધી ટ્રીટમેંટ લઉં ત્યાં સુધી તારે મને મળવા ન આવવું . હા આપણે ફોન પર રોજ વાત કરશું .” જાનકીને થોડું સારું લાગ્યું અને એણે વચન આપ્યું .
જાનકીના મમ્મી-પપ્પા જાનકી ને ખુબ સમજાવતાં કે , “ આવુ ગાંડપણ ન થાય. એ તો શરુઆતમાં આપણે ઉત્સાહમાં તૈયાર થઈએ પણ પછીથી નિભાવવું મુશ્કેલ થાય.” પણ જાનકી તો ઘણી મક્ક્મ હતી.કારણ એણે ચહેરાને થોડો પ્રેમ કરેલો? જાનકીએ સપનાની મદદથી પરિતોષના ઘરવાળાને પણ મનાવી લીધાં . એલોકો તો રાજી થયાં કે ,આવી પરિસ્થિતિમાં જાનકી લગ્ન કરવા તૈયાર હોય તો આનાથી રુડું શું ?
પરિતોષની ટ્રીટમેંટના દસ મહિનામાં પરિતોષ અને ડો.બેનરજીને ઘણા પોઝીટીવ રિઝલ્ટ મળ્યાં . એ દરમ્યાન જાનકી પણ ફોન દ્વારા મોરલ સપોર્ટ આપતી અને ખુબ સકારાત્મક વાતો કરતી. પરિતોષને હવે ફરી જીવવાનો ઉત્સાહ આવવા લાગ્યો. જાનકીનો પોતાના પ્રત્યેનો સાચો પ્રેમ જોઈ એને જાનકી પ્રત્યે ઘણું માન થયું .
લગભગ બીજા દસ મહિનામાં તો પરિતોષનો ચહેરો પહેલા જેવો નેવુ ટકા થઈ ગયો. એટલેકે લગભગ બે વરસ જાનકી અને પરિતોષ ફક્ત ફોનમાં જ વાત કરતાં . બંનેએ પોતપોતાનાં વચન નિભવ્યાં .
આજે પરિતોષે જાનકીને મળવા બોલાવી. લગભગ બે વરસના લાંબા વિયોગ બાદ પોતાના થનાર જીવનસાથીને મળવાના હોવાથી બંને જણાં ખુબ ખુશ ખુશાલ હતા. જનકીના મમ્મી , પપ્પા , ભાઈ અને બહેન તેમજ પરિતોષનું આખું કુટુંબ બધાં પરિતોષને મળવા ભેગા થયાં . જાનકી દરવાજાને નોક કરી પરિતોષ ને જોઈ ભેંટી પડી અને એને પહેલાં જેવો જોઈ એના આંખમાંથી હર્ષાશ્રુ ની ધાર વહી રહી હતી . પરિતોષને પણ પોતાને દુનિયાનો સૌથી સુખી માણસ હોવાનો અનુભવ થયો . એમનાં કુટુંબીજનો પણ લાગણીભીના થઈ જોઈ રહ્યાં કે , “ પરિતોષ અને જાનકી જાણે કે દિવો અને વાટ અને જોડી તો જાણે રામસીતા”