મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .

સ્નેહાનો નિર્ણય

સ્નેહા , મહેરબાની કરીને જે તારું field નથી એ વાતમાં માથું ના માર્યા કર".

"મમ્મી , તું ઓછુ બોલશે તો વધારે સારી લાગશે ."

આ બધા રોજિંદા કમાનમાંથી છૂટતાં તીરો સ્નેહાને કાળજામાં વાગતાં. સાયકોલોજીમાં M.A. થયેલી સ્નેહા ભણવામાં ખુબ જ હોંશિયાર . યુનિવર્સિટીમાં બીજા ક્રમાંકે આવેલી . લગ્ન પહેલાં એક કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી મળી ગયેલી.

પોતાનીજ નાતના ગર્ભશ્રીમંત મૌલિક સાથે લગ્ન નક્કી થયાં. મૌલિકને સ્નેહાની સાદગી તેમજ સંસ્કાર ખુબ જ ગમ્યાં .સામે પક્ષે સ્નેહાને પણ સોહામણાં મૌલિકની પર્સનાલીટી, વાકછટાં અને સ્માર્ટનેસ ખુબ ગમી ગયા .

પરંતુ લગ્ન પછી સ્નેહાને નોકરી કરવાની છૂટ નહતી. સાસુ , સસરા , એક નણંદ જે પરણેલી હતી . અને પછી લગ્નના બે વરસ બાદ નાનકડી ઢીંગલી ગ્રીવાનો જન્મ . શરૂઆતમાં તો મૌલિક અને સ્નેહા દેશ-વિદેશમાં ઘણું ફર્યા . પરંતુ ગ્રીવાના જન્મ પછી સ્નેહાનું બધું ધ્યાન ગ્રીવાના ઉછેર તરફ વધારે થયું .

બે વર્ષ બાદ સ્નેહાને પોતાના સ્થાનનું અસ્તિત્વ ડામાડોળ થતું લાગવા માંડ્યું .મૌલિકને ફક્ત બિઝનેસ અને શેરમાર્કેટ સિવાય બીજી કોઈ વાતમાં રસ નહતો. સાસુ હંમેશા પોતાના શ્રીમંતાઈ ના બણગાં ફૂંકતા રહેતાં. ઘરમાં નોકરચાકર હોવાં છતાં સ્નેહા પાસે ઘણી અપેક્ષાઓ રાખતાં. સાસુ આ ઉંમરે પણ કિટ્ટીપાર્ટીસ અને ક્લબમાં રેગ્યુઅલર જતાં. સ્નેહા ઘણી મોર્ડન હતી પણ વિચારોમાં . એનાં વિચારો ઘણા ઊંચા હતાં. એનો એ જ મંત્ર હતો,

"Purity of heart, Clarity of mind, and sincerity in action." એને દંભ અને દેખાડા પ્રત્યે ખુબ નફરત હતી. પરંતુ લગ્ન પછી જાણે કે આ બધાં તત્વોએ એને ઘેરી લીધી હતી. એક સસરા હતાં જે સ્નેહાને પોતાની પુત્રી જેટલું જ મહત્વ આપતાં. અને હંમેશા હું તારી સાથેજ છું એવું આશ્વાસન આપતાં રહેતાં. સાસુ ઘણીવાર બધાં મહેમાનોની હાજરીમાં સ્નેહાને નીચી બતાડવાનો પ્રયત્ન કરતાં . એમને સ્નેહાની સાદગી તરફ સૂગ હતી. સ્નેહાને હવે દર મહિને મિત્રો , સગાવહાલાં અને સોસાયટીમાં થતી પાર્ટીઓનો અણગમો થવા લાગ્યો .

એની દુનિયા તો બસ એના પરિવાર સાથે લોન્ગ ડ્રાઈવ પાર જવું , કુદરત ના ખોળે બેસી એનું સૌંદર્ય માણવું , પંખીઓના ગગન વિહાર ને નિરખતાં રહેવું , પુસ્તકો અને સખીઓ સાથે quality time વિતાવવો.

પરંતુ એને લગ્ન પછી સમજાયું કે , લગ્ન પછી ફક્ત એની અટકમાં જ નહિ પણ સમગ્ર અસ્તિત્વમાં એક ફેરફાર થયો છે. જાણે કે ચ્યુંન્ગમ શરૂઆતમાં તો મીઠી અને સ્વાદિષ્ટ હોય છે પણ જેમ જેમ ચવાતી જાય તેમ તેમ સ્વાદવિહીન થતી જાય છે અને એક સમયે એને મોંમાંથી ફેંકી દેવાનો વારો આવે છે . ધીમેધીમે એને પણ જીવનમાંથી જાણે કે રસ ઓછો થઈ રહ્યો હતો . કારણ મૌલિક્ના વર્તનમાં થયેલ પરિવર્તન . એમ નહતું કે એ કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં હતો પણ એ ઘર પરિવાર પ્રત્યેની ફરજો ભૂલ્યો હતો. પૈસા પાછળ એની આંધળી દોડ સ્નેહાને અકળાવી મૂકતી . સ્નેહા ફક્ત પરિવારની લીધેલી જવાબદારી નિભાવવા અને માતાપિતાએ આપેલાં સંસ્કાર ધ્યાન માં રાખી જીવન વિતાવી રહી હતી .

સ્નેહાને બીજી કોઈ જ ફરિયાદ નહતી પણ બધું હોવા છતાંય કઈંક ખૂંટતું હતું . પરી જેવી સુંદર દિકરી ગ્રીવા સાથે એનો સમય પસાર થઈ જતો . એની ખુબ વ્હાલી હતી . જો ગ્રીવા ન હોત તો પોતે શું કરતે એવો વિચાર એને ઘણીવાર આવતો .

ગ્રીવા જેમ જેમ મોટી થતી ગઈ એમ વધારે હોંશિયાર અને ચબરાક બનતી ગઈ . સ્કૂલમાં તો બધાની માનીતી હતી. ગ્રીવામાં મમ્મીની સાદગી , સુંદરતા તેમજ પપ્પાના જેવી હોંશિયારી જેવા ગુણો આવ્યા હતા . સ્નેહાની ગ્રીવાને ખુબ જ સારી સંભાળ અને ઉછેર આપવાની આવડત ને કારણે ગ્રીવા ખુબ જ આત્મવિશ્વાસુ બની હતી .

છતાંયે સ્નેહાને કશુંક ખૂટતું હોય એમ લાગતું . ઘરમાં પ્રસન્નતાભર્યું વાતાવરણ બનાવી રાખવાનો આ ફક્ત એનો દેખાડો હતો. હકીકતમાં મૌલિકને પણ હવે સ્નેહા માં શરૂઆતમાં હતો એવો રસ રહ્યો નહતો . એનેતો એના મિત્રોની પત્નીઓ તેમજ ઓફીસની સહકર્મચારી સ્ત્રીમિત્રો વધારે સ્માર્ટ લાગતી . મૌલિકને સ્નેહા ની વાતો અલૌકિક અને કંટાળા જનક લાગતી. સ્નેહા પોતાના સ્વાભિમાનને નેવે મૂકીને નમતું જોખતી . એકાંતમાં રડી લેતી . સાસુસસરા કે માતાપિતાને કહેવાનો કોઈ મતલબ નહતો .

સ્નેહાને એના એક જન્મદિવસે મૌલિકે કરેલું વર્તન યાદ આવ્યું . મૌલિકે એને એક મર્સીડીઝ ગાડી ભેંટ આપી . પણ એજ દિવસે ઑફિસેથી મોડો આવ્યો. સ્નેહા અને ગ્રીવા સાથે ડિનર નું કરેલું પ્રોમિસ એ ભૂલી ગયો. કેટલાં યે કોલ કર્યા પણ મિટિંગમાં હોવાથી ના આવ્યો. સ્નેહા એ રાત્રે ખુબ રડી . મૌલિકે "સોરી " પણ ના કહ્યું .

સ્નેહાને એ જ નહતું સમજાતું કે મૌલિક શા માટે એની ઉપેક્ષા કરી રહ્યો છે . સ્નેહાએ બીજ દિવસે મૌલિકને કહયું કે, "મને તારી આ મોંઘી ભેંટમાં આપેલી ગાડી નથી જોઈતી . મને ફક્ત તારા આખા દિવસમાંથી એક કલાક આપ." પણ મૌલિકને એની વાતો બોરિંગ લાગતી . એ બોલ્યો , " કમાલ છે સ્નેહા તું પણ , આટલી મોંઘી ગાડીની તને કોઈ કિંમત નથી". મૌલિક આ બધું દેખાદેખી થી કરતો એના મિત્રો સામે પ્રભાવ પાડવા . સ્નેહા મનોમન કેહતી કે મૌલિક તું કેમ નથી સમજી શકતો કે આબધાં ભૌતિક સુખ કરતાં પરિવારને આપેલો સમય ઘણો જ કિંમતી છે. ગ્રીવા પણ હવે સમજતી કે મમ્મી અને પપ્પાના સંબંધો જેવા દેખાય છે એવા નથી .

સ્નેહા માટે હવે આ કોમન થઈ ગયું હતું , મૌલિકનું રોજ વહેલું ઑફિસે જવું, ઘરે મોડું આવવું , શનિ રવિ મિત્રો સાથે ફરવું. પરિવારની વ્યાખ્યા તો જાણે કે સ્નેહા સિવાય કોઈને ખબર જ નહતી . આટલાં મોટા બંગલામાં એકે હિંચકો અને એની બારી એના સંગાથી હતાં . બધાનો સમય સાચવવામાં જ સ્નેહાનો સમય પસાર થતો .

સ્નેહાને ઘણીવાર ઘર છોડી દેવાનો અથવા suicide કરવાનો વિચાર આવતો . પણ એને મમ્મીએ આપેલી શિખામણ કે પતિનું ઘર ક્યારેય ન છોડવું અને suicide માટે તો ક્યારેય વિચારવું પણ નહિ . બીજું એ કે ગ્રીવાને જન્મ આપ્યો એટલે એની જવાબદારી તો નિભાવવી જ જોઈએ . સ્નેહાને ખબર નહતી કે ગ્રીવાના જન્મ પછી પરિસ્થિતિ આટલી હદે વણસી જશે . સદનસીબે ગ્રીવા મૌલિકની ખુબ જ લાડકી હતી. ગ્રીવાનો પડ્યો બોલ મૌલિક જીલતો હતો.

સ્નેહા અને મૌલિકે એક સમજૂતી કરી હતી કે ગ્રીવાની સામે બંને જણા ખુબ જ સુખી દંપત્તિ છે એ રીતે રહેશે . સ્નેહા વિચારતી કે સ્ત્રીઓ જે માતા , પત્ની , પુત્રી, વહુ , ના રોલ નિભાવતી હોય છે પણ એ બધામાં જયારે માતાની ભૂમિકા ભજવતી વખતે શા માટે લાગણીશીલ બનીજાય છે ? શા માટે એમ માને છે કે એ નહિ હોય તો એના બાળકોનું શું થશે ? એ એમ કેમ નથી વિચારતી કે એ ન હોય તો પણ બાળક તો એની મેળે ટેવાઈને જીવી જશે . એ શા માટે એમ વિચારે છે કે મારા વગર પરિવારનું શું થશે ? હકીકત તો એ છે કે દુનિયામાં કોઈના વગર ક્યાંયે અટકતું નથી . હા થોડીઘણી મુશ્કેલી જરૂર થાય છે પણ એમાંથી પછી બહાર આવી જવાય છે .

ગ્રીવા આજે ૧૮ વરસ ની થઈ ગઈ . અને ઘણી independent અને smart college girl બનીગઈ. ગ્રીવાને મમ્મીનું દરેક વાતમાં બોલવું જરાયે ગમતું નહિ. એઘણીવાર સ્નેહાનું અપમાન કરી નાખતી. તોપણ સ્નેહા સહન કરી લેતી. પોતાની ગ્રીવા પર ક્યારેય હાથ નથી ઉપાડ્યો અને ફૂલની જેમ સારસંભાળ રાખવા છતાં ગ્રીવા આમ વર્તન કરતી ત્યારે સ્નેહાને એના શબ્દો કાંટાની જેમ હૃદયમાં ભોંકાતા.

ગ્રીવા , મૌલિક , સાસુસસરા, મેહમાન અને મિત્રોને ખુશ રાખવામાં અને પરિવારને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં સ્નેહા આજે ૪૦ વરસની થઈએ ગઈ . એણે પોતાના શોખ , નોકરી , સખીઓ અને માં-બાપ ને પ્રાધાન્ય ન આપ્યાં . જાણે એ એક રોબોટ હતી અને ઘરના લોકો પણ એને રોબોટ જેટલું જ મહત્વ આપતાં . બધાંયે પોતપોતાનાંમાં મશગુલ હતાં. સ્નેહાની શું જરૂરિયાત હતી એની કોઈને લેવાદેવા નહતી. એ જમી કે નહિ, એને શું જોયે છે, અરે ઘણીવાર તો એનો જન્મદિવસ પણ ભૂલી જતા અને સ્નેહા યાદ દેવડાવતી કે આજે મારો જન્મદિવસ છે.

સ્નેહાને એમ થયું કે આ ૪૦ વરસની જિંદગી માં પોતે શું મેળવ્યું ? એ મનોમંથન કરતી કે આમ તો એને દરેક પ્રકારની છૂટ છે પૈસાની, ફરવા જવાની , બધાં સાથે હળવાભળવાની , પરંતુ સ્નેહાને શું જોઈતું હતું એની કોઈને કલ્પના પણ નહતી .

એને વધારે કંઈ નહિ પણ લાગણીની હૂંફ , એક એવો ખભો જે હંમેશા એને ટેકો આપે , એક બીજા પ્રત્યે વફાદારી, સાદાઈ, કુટુંબભાવના , વગેરે . એ ઘણીવાર મૌલિકને કહેતી પણ મૌલિકને લાગતું કે એણે તો સ્નેહાને ક્યારેય કોઈ વસ્તુની કમી નથી લાવવા દીધી. મોંઘા ડ્રેસિસ, ડ્રાઇવરસહિત ગાડી , મોંઘી ગિફ્ટ્સ વગેરે . સ્નેહા વિચારતી કે પુરુષોના કુદરતી ગુણો એવા હોય છે કે એ વધારે લાગણીની અભિવ્યક્તિ કરી શકતો નથી જયારે સ્ત્રીઓ પુરુષ પાસે ફક્ત સન્માન અને હૂંફ ઈચ્છતી હોય છે . સ્નેહાને તો ઘરની દરેક વ્યક્તિ જ જાણેકે લાગણીવિહીન લાગતી. ગ્રીવા પણ જાણે કે હમણાંથી જ પારકી થઈ ગઈ હોય એવું વર્તન કરતી. સ્નેહા પછી પોતાના કર્મને જ દોષ આપી મન મનાવી લેતી કે કદાચ એની અપેક્ષાઓ જ વધારે છે .

ઘરમાં રહેતા નોકર ચાકર , ડ્રાઈવર બધા જુના હતાં . એમને પણ સ્નેહા ક્યારેય પોતાની લાગણી ન બતાવતી . એમની સમક્ષ એમ જ બતાવતી કે તે માત્ર શોભાની ઢીંગલી નહિ પણ એક સમજદાર પત્ની , માતા અને જવાબદાર વહુ અને શેઠાણી છે. એ બધાં સાથે શોભનીય વર્તન રાખતી અને દરેકને માન આપતી અને દરેક નોકર ચાકર પણ એને માન આપતાં .

ગ્રીવા સાથે પોતે મિત્ર બની રહે અને યુવા અવસ્થામાં એનો પગ લપસી ના જાય માટે એ ઘણી સલાહ આપતી . પણ ગ્રીવા ક્યારેય સ્નેહાને મિત્ર ન ગણતી . એને મમ્મી ઘણી જુનવાણી લાગતી . સ્નેહાને લાગતું કે ગ્રીવા પોતાના જેવી થશે પણ એ ખોટા ભ્રમમાં હતી . ગ્રીવા તો જાણે મૌલિકની જ દીકરી હતી . પાર્ટી કલચર , પુરુષમિત્રો આ બધુજ . પણ સ્નેહા એ એની પાસે લગ્ન ન થાય ત્યાં સુધી limit માં રહેવાનું વચન લીધું હતું અને સદ્ નસીબે ગ્રીવા એ બાબતનું ધ્યાન રાખતી.

સ્નેહાના જાણે બે સ્વરૂપ હતાં . બધાની સમક્ષ એક પ્રેમાળ, મિલનસાર, જ્યારે એકાંતમાં કે મુરજાયેલું ફૂલ અને દબાવી રાખેલી લાગણીઓનો "ભારેલો અગ્નિ " . સ્નેહાને લાગી રહ્યું હતું કે આ અગ્નિ હવે એકાદ દિવસ તો સળગી ઉઠશે .

એક દિવસ સ્નેહાની નજર એક જાહેરખબર ઉપર પડી . ગુજરાતના એક ગામડામાં ટ્રસ્ટની એક કોલેજમાં સાયકોલોજીના પ્રોફેસરની જરૂરિયાત , પગાર વધારે નહિ પણ રહેવાની બધી સગવડ નજીકની ગર્લસ હોસ્ટેલ માં . સ્નેહાને ચમકારો થયો. નવી આશાનું કિરણ જન્મ્યું . અને એણે એક નિર્ણય લીધો . એનો ૪૫મો જન્મદિવસ આવતાં અઠવાડિયે હતો. સ્નેહાએ પોતાની નોકરી ની અરજી મોકલી આપી. બે દિવસમાં તો એનું ટેલિફોનિક ઇન્ટરવ્યૂ પણ થઈ ગયું અને નોકરી પાકી પણ થઈ ગઈ .

એના પછીના દિવસે સ્નેહાએ પોતાના સાસુ, સસરા , મૌલિક, ગ્રીવા , મમ્મી પપ્પા બધાને સાંજે પોતાની રૂમમાં સાંજે સાડાપાંચે પોતાના ૪૫ માં જન્મદિવસની ઉજવણી કેવી રીતે કરવાની છે એમાટે બોલાવ્યા. કોઈ વાર નહિ અને આ વખતે સ્નેહાની આ માંગણી સૌએ સ્વીકારી લીધી . બધા સાંજે સ્નેહાને મળવા આવી પહોંચ્યા . ચા પીધાં પછી સ્નેહાએ પોતાના મમ્મી પપ્પા સહિત સૌને સંબોધીને કહ્યું ,

"મારા બધાં પ્રિયજનો , આજસુધી તમે બધાંએ મને જે પ્રેમ, સ્નેહ, પરિવાર તેમજ ઓળખ આપી એ માટે હું દરેકની આભારી છું અને મને એ પણ ખાતરી છે કે મારા તરફથી પણ મેં પરિવારને સહકાર આપ્યો છે અને ફરજો નિભાવી છે .

આજે મારી સૌને એક વિનંતી છે કે એક ખુબ જ સમજી વિચારીને લેવાયેલા મારા નિર્ણયને તમે સહર્ષ સ્વીકાર કરશો . મને જૂનાગઢની એક ટ્રસ્ટની કોલેજમાં પ્રોફેસર તરીકેની નોકરી મળી ગઈ છે . ત્યાં ગર્લસ હોસ્ટેલ છે જેમાં રહેવાની વ્યવસ્થા પણ છે . તમને એવો વિચાર આવશે કે મને કઈ વાતની ખોટ છે કે આ ઉંમરે , આ નોકરી અને એપણ બીજા શહેરમાં .

મારા આ નિર્ણયને મૌલિક વધારે સારી રીતે સમજી શકશે . નાનપણથી જ મને પ્રોફેસર બનવાનો શોખ હતો અને વાંચન મારી માનીતી પ્રવૃત્તિ . ગ્રીવા પણ હવે ઘણી સમજદાર અને સ્વનિર્ભર થઈ ગઈ છે . ઘરમાં મારા સાસુ સસરાનું ધ્યાન રાખવા માટે મહારાજ , નોકર ચાકર છે . મૌલિકને પણ દર મહિને out of India જવાનું થાય છે. એને એ કોઠે પડી ગયું છે . મારા મમ્મી પપ્પા નું ધ્યાન રાખવા માટે મારા ભાઈ ભાભી છે .

આ બધી પરિસ્થિતિઓ ધ્યાન માં લઈ મેં હવે મારી પોતાની જિંદગી જીવવાનો નિર્ણય લીધો છે તો મહેરબાની કરી એમાં સહમતિ આપજો . "

આ વાત સાંભળતા જ સ્નેહાના સાસુએ ઠપકો આપ્યો," આ વળી શું નાટક છે વહુ ? તમને આ ઉંમરે આવી વાત કંઈ શોભે ? સમાજ , લોકો શું કહેશે ? તમે ક્યારેય ગ્રીવા અને મૌલિકનો વિચાર કર્યો છે ? ના ના મારા તરફથી તો ના છે અને આમ નહિ ચલાવવામાં આવે .

સ્નેહના મમ્મી પપ્પા પણ સમજાવા લાગ્યાં કે , " સ્નેહા આ વળી શું માંડ્યું છે ? હજુ તો ગ્રીવાના લગ્ન પણ નથી થયાં . એ અને મૌલિક કોના ભરોસે ? પરિવાર નો અર્થ તને ખબર નથી કે શું ? અમારા આપેલ સંસ્કારમાં જ કોઈ ખોટ પડી છે કે શું ? "

મૌલિક પણ સ્નેહાના આ નિર્ણય થી હતપ્રભ થઈ ગયો . એને સ્વપ્નેય ખ્યાલ નહતો કે સ્નેહા આવો કઠોર નિર્ણય લેશે . એ સ્નેહા પર ભડકી ગયો.

ગ્રીવા માટે પણ આ એક જબરદસ્ત શોક હતો. પોતાના પડ્યા બોલ ઝીલતી , હંમેશા પ્રસન્ન રહેતી મમ્મી અચાનક આવો ગંભીર નિર્ણય લેશે એપણ કાયમ માટે . એ ખુબ વ્યથિત થઈ ગઈ.

ફક્ત સ્નેહાના સસરાએ આ નિર્ણય વધાવી લીધો અને કહયું " જા બેટા સ્નેહા , તને જે કાર્યમાં ખુશી મળે એ કર. આ પરિવાર જેણે તારા અસ્તિત્વની ક્યારેય નોંધ નથી લીધી એ કોઈને પણ તારા નિર્ણય આડે આવવાનો કોઈ હક નથી ."

સ્નેહના મમ્મી પપ્પા એક જુદી રૂમમાં લગભગ અડધો કલાક એને સમજાવવામાં નિષ્ફળ રહયાં . બીજી તરફ એના સાસુએ એની નણંદ ને ફોન કરી સ્નેહા ને સમજાવવા કીધું પણ સ્નેહા પોતાના નિર્ણયમાં અડગ રહેતા સાસુ એ ખુબ કકળાટ કર્યો.

આમ બધાના પ્રયત્નો છતાંય સ્નેહા અડીખમ રહી . અને પરિવારજનો ના છૂટકે માની ગયા .

અને મંગળવારે સ્નેહાના જન્મદિવસે બધાંયે ઘરને ખુબ સજાવ્યું , કેક કાપી , ઘણાં બધાં ફોટોસ લીધાં .સપરિવાર ભોજન કર્યું . નોકર ચાકરોને પણ એના નિર્ણંયથી વાકેફ કર્યાં .

ગ્રીવાએ આજે સાડી પહેરી મમ્મીને સરપ્રાઈઝ આપી અને સ્નેહાને ભેંટીને ખુબ રડી . મૌલિકે પણ આગલી રાત્રે સ્નેહા સાથે લગભગ બે કલાક વાત કરી . પોતે સ્નેહાને કરેલા અન્યાયોની માફી માંગી અને આ નિર્ણય બદલવા બહું સમજાવી . પણ સ્નેહાને આ બધાં આગ્રહો અને વિનંતીઓમાં કોઈ રસ નહતો.

સાસુ ,સસરા , મમ્મી, પપ્પા ને પગે લાગી , બધાંને " જય શ્રી કૃષ્ણ " કરી સ્નેહા બેગ લઈને ઘરેથી નીકળી . બહાર ગાડીમાં ગ્રીવા અને મૌલિક સ્નેહાને સ્ટેશન જાણે કે એના મનગમતા સ્ટેશને મુકવા જવા રાહ જોઈએ રહયાં હતાં. સ્નેહાએ બધાની રજા લીધી અને એક નજર ઘર તરફ નાખી આભાર માની ગાડીમાં બેસી ગઈ અને જવા નીકળી પડી એક મુક્ત પંખી બની ગગનમાં વિહાર કરવા. ગાડીમાં એ ગીત વાગી રહયું હતુ , " આ ચલકે તુજે મેં લેકે ચલું એક ઐસે ગગન કે તલે , જહાં ગમ ભી ન હો , આંસુ ભી ન હો બસ પ્યાર હી પ્યાર પલે , એક ઐસે ગગન કે તલે ."