મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .
વરસાદ -એક સુખદ અનુભવ
“ગગન, યાદ છે આપણે બે વર્ષ પહેલાં આ તળાવમાં હોડીમાં બેઠેલા અને એની ઉંડાઈથી થોડા ડરી ગયેલાં પણ હમણાં એની ઉંડાઈ કેટલી ઓછી થઈ ગઈ. “
અમને આશ્ચર્ય પામતા ગગનને કહ્યું .પોતાના એક ઓફિસના કામે બહાર ગયેલા અમન અને ગગનને એ સ્થળ યાદ આવ્યું . ખરેખર આ વખતે જૂન મહિનો અડધો પૂરો થઈ ગયો હતો પણ વરસાદના કોઈ એંધાણ ન હતા. છેલ્લા એક અઠવાડિયાથી ગરમીએ માઝા મૂકી હતી. મુંબઈવાસીઓ કંટાળ્યા હતા. ભયંકર ઉકળાટ, એ જ ગર્દી, એ જ વાહનોના અકળાવી મૂકતા ધ્વનિ અને વાયુ પ્રદુષણ. રોજેરોજ બધે ગરમીની ચર્ચા. લીંબુ શરબત, જ્યુસ, નાળિયેર પાણી, લીચી, તડબુચ અને કેરી જેવા પદાર્થોથી થોડી રાહત રહેતી.
આવતી કાલે રવિવાર હોવાથી થોડું કામ પતાવી અમન આજે થોડો મોડો ઘેર પહોંચ્યો . મમ્મીએ જમવાનુ તૈયાર રાખ્યું હતું. મમ્મી –પપ્પા સાથે જ જમ્યા. ટી.વી.માં સમાચાર જોવાનો પણ એને કંટાળો આવ્યો અને બેડરુમમાં આવ્યો. એણે બારીઓ ખોલી. એક ઠંડી હવાની લહેરખી એના શરીરને સ્પર્શી ગઈ. એમાં ઉલ્લાસની મહેક હતી. રાત્રિના ચંદ્રમાના મંદ મંદ ઉજાસમાં પાંદડાઓ અને ડાળીઓ જાણે ધીમે ધીમે નૃત્ય કરી રહ્યા હતાં . વાતાવરણમાં એક અજબ ઉત્સુકતા હતી. એને પોતાના અંતર્મનની વાત સાચી લાગી જે સવારથી કહી રહ્યું હતું કે, આજે તો વરસાદ આવશે જ.
એણે એફ.એમ. રેડિયો ચાલુ કર્યો. આર.જે. રિયા એની મધુર વાણીમાં બોલી રહી હતી. એણે ઘોષણા કરી કે વરસાદની સવારી આવી પહોંચી છે અને આ અઠવાડિયે રોજ બધાં શ્રોતાઓ વરસાદના સુખદ અનુભવો કહેશે. અમને રેડિયો બંધ કર્યો. એ ગીત ગણગણવા લાગ્યો, “પહેલા વરસાદનો છાંટો મને વાગીયો પાટો બંધાવા હું નીકળી રે “ . એ સુતા સુતા પોતાની બારીમાંથી આકાશમા કડકડાટ વીજળી સાથે વરસાદના આગમનને જોઈ રહ્યો. થોડો વારમાં તો લાખો રુપિયાના પરફ્યુમને પણ ટક્કર મારે એવી ભીની ભીની માટીની સુગંધ આવી. અમનને થયું કે, એ નીચે જઈ આ માટી ચાખી આવે. હવે વાતાવરણમાં ઠંડક થઈ ગઈ. અમનને ક્યારે ઉંઘ આવી ગઈ એની ખબર જ નપડી.
રજા હોવા છતાંયે અમન આજે સાત વાગ્યે ઉઠી ગયો. બહાર ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો હતો. અમનને બ્રશ કરતાં કરતાં મમ્મીએ બનાવેલી લીલી ચા-ફુદીનો-આદુ અને મસાલો નાખી બનાવેલી મજેદાર ચાની સુગંધ આવી. એ ગેલેરીમાં હીંચકા પર બેઠો. આઠમા માળેથી એના બિલ્ડીંગનો નાનકડો બગીચો સુંદર લાગી રહ્યો હતો. ઝાડ અને વેલીઓના પાંદડા લીલાછમ જાણે હમણા જ નાહીને તાજા થયા હતા. રંગબેરંગી ફૂલો જાણે લીલીછમ ઘાસની જાજમ પર સુંદર ડિઝાઈન કરી હોય એવા ખીલ્યા હતા. વરસાદના ટીપાંઓ પાંદડાઓ પર બેસી હીરામાણેકની યાદ અપાવતા હતા. લાલ માટી અને લીલોતરી કલર નુ મિશ્રણ મનમોહક હતું .મમ્મીએ થોડીવારમાં અમનને બીજી સરપ્રાઈઝ આપી. ગરમ ગરમ મગની દાળના વડા નો નાશ્તો. વાહ! મઝા આવી ગઈ.
બાળપણ વીત્યા પછી ભણતર પછી તરત નોકરી મળી ગઈ એટલે નિરાંતની આવી પળો ઓછી મળતી અને એમાંય કોકવાર ફુરસદ મળે ત્યારે વોટ્સ એપ, ફેસબુક, અને ફરવામાં સમય વીતી જતો.દર વખતે વરસાદમાં વીકએન્ડમાં પોતાના મિત્રો સાથે લોનાવાલા અને ભંડારધારા વગેરે સ્થળોએ પહોચી જાય. કોઈવાર રજામા મોડે સુધી સુઈ રહે એટલે પછી દરેક કામમાં મોડું થાય અને રજા તો ક્યારે પૂરી થઈ જાય એ ખબર જ ન પડે. બાકીના દિવસો- નોકરીમાં સતત આગળ વધવાની ધગશને કારણે ઘરે પણ કામ લઈ આવતો. મમ્મી-પપ્પા સાથે તો વાત કરવાનો સમય જ ન રહેતો. હેમલતાબેન અને ધીમંતભાઈ એના લગ્ન લેવાઈ જાય એમ ઈચ્છતાં પણ અમનને હજુ વાર છે એમ લાગતું એટલે એલોકો પણ વધારે જીદ ન કરતાં.
અમને પોતાના બાળપણના નજીક રહેતા મિત્રોને ફોન કરી મળવા અને ફુટબોલ રમવાનુ નક્કી કર્યુ. સાડાનવે બધાં આવ્યા અને બિલ્ડીંગના મિત્રો પણ જોડાયા. વરસાદમાં ફુટબોલ રમવાની મઝા કઈ અલગ જ હોય છે. બધાં કહી રહ્યરહ્યં હતાં કેટલા વખત પછી આટલો આનંદ આવ્યો અને બાળપણની મીઠી યાદ અપાવી. અમનનો બધાંએ આભાર માન્યો કે તારા કારણે આજે નાનકડું “ગેટ ટુ ગેધર” થયુ. પછી વાતે વળગ્યા અને એક વાગ્યે છુટાં પડ્યાં અને આરીતે ફરી મળી નિયમીત રમવાનું નક્કી કર્યું.
અમન ઘરે આવ્યો. બપોરનુ જમણ મમ્મી-પપ્પા સાથે લીધું. આજે એને એમ લાગ્યું કે ,મમ્મી-પપ્પા હવે થોડાં ઘરડા લાગી રહ્યાં છે . એણે આજે રોજની જેમ પોતાની ઓફિસની વાતો ન કરી અને ફક્ત એમને જ સાંભળ્યાં. એમની વાતોમાં કેટલી વિવિધતા હતી. સુખ, દુખ, સાહસ, આનંદ વગેરે. બાકી રોજ તો અમન વક્તા રહેતોઅને હેમલતાબેન અને ધીમંતભાઈ શ્રોતા. આમપણ અમને આજે નક્કી કરેલું કે આજના દિવસે એ ટી.વી., મોબાઈલ, અને બીજા સોશ્યલ નેટવર્કથી દુર રહી પોતાના પ્રિયજન સાથે જ સમય વીતાવશે.
થોડોવારમાં બાજુમા રહેતી દિપાલી એના 8 મહિનાના દિકરા મીઠુને રમાડવા લાવી. બધાં નાનકડાં મીઠુને રમાડવા બેસી ગયાં. અમને મીઠુને ખુબ રમાડ્યો. ગેલેરીમાં એના નાનકડાં હાથ પોતાના હાથમાં લઈ વરસાદના પાણીનો સ્પર્શ કરાવ્યો. મીઠુ તો ખડખડાટ હસ્યા જ કરતો. વાહ ! અમનને બાળક સાથે બાળક બની ને રમવાની ખુબ મઝા આવી. થોડોવારમાં મીઠુનો સુવાનો સમય થતા એલોકો જતા રહ્યા. લગભગ સાડાત્રણ વાગ્યા હતા. અમને ફરી ગેલેરીમાંથી જોયુ તો બિલ્ડીંગની ઘણી બધી સ્ત્રીઓ , છોકરીઓ એક તરફ ,બાળકો અને પુરુષો બીજી તરફ કોઈ છત્રી સાથે તો કોઈ છત્રી વગર ભીંજાઈ રહ્યા હતા અને છબછબિયા કરી રહ્યા હતા. અમન પણ મમ્મી-પપ્પા સાથે નીચે આવ્યો. બાળકોનો આનંદ કિલ્લોલ હતો. હેમલતાબેને પોતાની સાથે લાવેલા છાપામાંથી નાની નાની હોડીઓ બનાવી બાળકોને આપી. કોમ્પ્યુટર યુગના બાળકોને આવી કાગળની હોડીથી રમવાની રીતસર મઝા આવી ગઈ. અમને પણ પોતાના મિત્રો સાથે ભીંજાવાનો આનંદ માણ્યો. અમનને લાગ્યુ કે આજે બધાંએ “ટેક્નોલોજી”નો ઉપવાસ રાખ્યો છે. સેક્રેટરી સાહેબે આજે પોતાના તરફથી સમોસા અને ચા મંગાવી. અડધો કલાક બધાં ગપ્પા મારી ઘરે ગયા.
લગભગ છ વાગી ગયાં હતા.અમને ગરમ પાણીથી સ્નાન કર્યુ અને સોફા પર બેઠો. એના હાથમાં એક સુંદર પુસ્તક આવ્યુ. સારુ લાગતા એણે દોઢેક કલાકમા વાંચી પણ કાઢ્યું. મમ્મીએ એટલામાં રાતના ભોજન માટે બુમ મારી. અમને શાંતિથી ખાધું . મમ્મીના હાથમાંથી અમીરસ ઝરતો હોવાને કારણે કે કેમ પણ અમનને એમની રસોઈ ખુબ ભાવતી.
અમનને થયું કે આજે ન તો એણે ટી.વી. જોયુ, ન ફોન , ન ફેસબુક કે વોટ્સ એપ, ન તો છાપુ, ન કશે ફરવા ગયો, છતાંયે દિવસ કેટલો જલ્દી અને સરસ રીતે પસાર થયો. આ સમય થંભી જાય તો કેટલુ સારુ.
એને યાદ આવ્યું , એફ.એમ. રેડિયો જોકી રિયાની વાત કે બધા શ્રોતાઓ પોતાના સુંદર વરસાદના અનુભવો કહેશે. અમને ફોન નંબર લગાવ્યો અને તરત લાગી પણ ગયો. રિયાએ એનું નામ પૂછ્યું અને પોતાનો અનુભવ સંભળાવવા કહ્યું. અમનને એક સેકંડ એમ થયુ કે નકામો ફોન લગાવ્યો કારણ એ આજનો અનુભવ કહેવાનો હતો પણ એમાં એવું કોઈ ખાસ એણે કર્યુ નહતું . એણે આજના વીતાવેલા મજાના દિવસની વાત કહી અને સાથે એમ પણ કહ્યું કે , “ રિયા અને શ્રોતાજનો , તમારા માટે આ સામાન્ય અનુભવ હશે પણ મારા માટે આ અવિસ્મરણીય દિવસ રહેશે કારણકે આજના વરસાદે મને કુદરતની નજીક, મારા મા-બાપની નજીક , મિત્રોની નજીક અને નાનકડાં મીઠુની નજીક રહેવાનો અવસર આપ્યો. મારી આનંદ વિશેની બધી માન્યતાઓ અને વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે. હુ રજાના દિવસે મોડો ઉઠી , બધા જ કામમા આળસ કરતો આખો દિવસ સોશ્યલ નેટવર્કીંગના દેખાડા કરતા મિત્રો, અને એમની લાઈક્સ અને કમેન્ટ્સ માટેની લાલસામા સમય ક્યાં પૂરો થઈ જતો અને સાંજે જીમ, મોલ્સ, પિક્ચર તેમજ કોઈવાર વીકએન્ડમાં ટ્રાફિકમાં થતા સમય અને પૈસાના વ્યય થતો હોવાં છતાં એબધામાં સાચો આનંદ જોતો. મે અને ઘણાં બધાં લોકોએ એને જ જીવન ની સાચી ખુશી તરીકે સ્વીકારી લીધું છે. મારો કહેવાનો મતલબ એમ છે કે આપણે એ ગ્રંથિમાં બંધાઈ ગયા છે કે, મોટી મોટી ખુશીઓ બહાર છે .જ્યારે હવે મને એમ લાગે છે કે સાચો આનંદ તો આપણી એકદમ નજીક છે અને શોધતાં તરત મળી જાય એમ છે પણ આપણે એને સમય અને મોકો જ નથી આપતા. મારે બધાં શ્રોતાઓને વિનંતી કરવી છે કે , જરુરી નથી કે રજા હોય ત્યારે મોડું જ ઉઠવું . વહેલા ઉઠી કુદરતને માણો. વીકએંડમા પણ ગર્દી અને ટ્રાફિકમાં બહાર નીકળી પાછા થાકીને ઘરે આવવાને બદલે કોઈ વાર પોતાના કુટુંબીજનોને સાંભળો. સાથે બેસી પરિવાર સાથે ટી.વી. જુઓ. કોઈપણ પ્રકારની ટેક્નોલોજીથી દુર રહેજો. બગીચામાં જાઓ. આજુબાજુના પડોશીઓ સાથે અથવા સગાના ઘરે જાઓ. આવો ક્વોલીટી ટાઈમ તમને ઘણાં બધા માનસિક રોગોથી મુક્ત રાખશે અને પરિવાર મિત્રો પણ ખુશ રહેશે. કદાચ આપણી આવી શરુઆત બીજા ઘણાં ને પ્રેરણા આપશે અને નવી પેઢી પણ જાણ્યે અજાણ્યે એનુ અનુકરણ કરશે અને નિસર્ગની નજીક રહેશે .”
રિયા તો અમનની વાતો જ સાંભળતી રહી ગઈ અને બોલી કે, “ અમનભાઈ આ વખતના વરસાદના અનુભવે તો તમારી આખી માનસિકતા બદલી નાખી. શ્રોતામિત્રો, આપણે પણ હવેથી નક્કી કરીએ કે હવે કુદરત અને પરિવાર-મિત્રો ની નજીક રહેવાનો મોકો ક્યારેય નહી છોડીએ.”
અમને રેડિયો બંધ કર્યો. મમ્મી-પપ્પાને ભેટી સુવા ગયો અને એક નવા સંકલ્પ સાથે આકાશ-દર્શન કરતો નિંદર માણી રહ્યો.