મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .
અમેરિકાની ટોપ મોસ્ટ યુનિવર્સીટીમાંથી "માસ્ટર્સ" થયાં પછી હેપ્પીનો "કોન્વોકેશન " એટલેકે પદવી સમારંભનો દિવસ આવી ગયો . આ માટે એના માતાપિતા ભારતથી આવ્યા હતાં .
કોન્વોકેશન વખતે હેપ્પીનું નામ ખુબ સન્માનથી લેવાયું , એના માતાપિતા ગર્વથી ફૂલા નહતાં સમાતા .એ રાત્રે હેપ્પી એના માતાપિતાને સારામાં સારી રેસ્ટોરન્ટમાં પીઝા ખાવા લઈ ગઈ . રાત્રે મોડેથી ઘરે આવી બધાં ફ્રેશ થઈ સુવાની તૈયારી કરી . હેપ્પી પોતાના રૂમમાં આવી . આજે એ ખુબ જ ખુશ હતી. કેટલી થાકેલી હતી પણ એને ઉંઘ જ નહતી આવી રહી .
વિચાર કરતાં કરતાં એ ભૂતકાળમાં એના મહારાષ્ટ્રના સો થી સવાસો ની વસ્તી ધરાવતા ગામમાં પહોચી ગઈ જ્યાં એ પોતાના માબાપ સાથે એક કાચા મકાનમાં રહેતી . એની જ કોમના લોકો સાથે એક જ વસાહતમાં રહેતાં . સુકલડી કાયા ધરાવતી નાનકડી હેપ્પી બીજાએ દાનમાં આપેલું ફાટેલું દફતર ભેરવી, ખુલ્લા પગે કાચા ધૂળિયા રસ્તા પર ખુબ આનંદમાં અને પોતાની મસ્તીમાં શાળા જવા હંમેશા ઉત્સાહી રહેતી . એનું ખરું નામ તો "સુમી" હતું પણ એને હંમેશા ખુશખુશાલ જોઈ એના શિક્ષકે એનું નામ "હેપ્પી " રાખ્યું . બધાં એને એજ નામથી બોલાવવા લાગ્યાં . એની વયના બીજા બાળકો શાળામાં આવવા કંટાળો કરતાં , રડતાં પણ હેપ્પીબેન હંમેશા ખુશ . હેપ્પીની માતાની મહેચ્છા હતી કે , હેપ્પી ભણીગણી મોટી સાહેબ બને . સરકારી શાળામાં એક સમયનું ભોજન પણ મફતમાં આપવામાં આવતું . આ શાળા 7 ધોરણ સુધી હતી . હેપ્પી અને એનો નાનો ભાઈ શાળામાં ભણે ત્યારે માબાપ ખેતમજૂરી અને અન્ય કામ કરી ગુજરાન ચલાવતાં પણ પોતાના બાળકોને ખુશ રાખતા .
આખી શાળામાં હેપ્પી પ્રથમ જ આવતી. ઝવેરી જેમ હીરા પારખે એમ શિક્ષકોએ પણ હેપ્પીની તીક્ષ્ણ બુદ્ધિ અને હોશિયારી ઓળખી લીધી . સાત ધોરણ પછી ગામથી લગભગ 4 કિલોમીટરના અંતરે બીજી સરકારી શાળા હતી જ્યાં બધાં વિદ્યાર્થીઓ બસમાં અવરજવર કરતાં . હેપ્પીની પરિસ્થિતિનો વિચાર કરી શિક્ષકોએ એક સામાજિક સંસ્થાના ટ્રસ્ટીનો સંપર્ક કરી હેપ્પીના ભણવા તેમજ બીજા ખર્ચા માટે વ્યવસ્થા કરી રાખી હતી .
ગામમાંથી 5-6 લોકો ગ્રુપ કરી બસમાં ભણવા જતાં. હેપ્પી એલોકો સાથે જતી પરંતુ બધાં એની સાથે એક અંતર રાખતા. ફક્ત એના ગામના સરપંચ નો દિકરો "અમેય " એની સાથે સારું વર્તન કરતો અને મદદરૂપ બનતો .મુગ્ધા અવસ્થામાં અમેય અને હેપ્પીને એકબીજા પ્રત્યે કૂણી લાગણી જન્મી ,ગ્રુપમાં બધાને ખ્યાલ આવી ગયો હતો . એલોકો અમેયને હેપ્પીના વર્ણ વિષે ચેતવતાં .
હેપ્પી મનોમન વિચારતી કે , ઈશ્વરે શા માટે તેમને આટલા ગરીબ બનાવ્યા હશે અને કહેવાતા નીચા વર્ણમાં જન્મ આપ્યો હશે ? એના સ્વભાવ મુજબ એ આ બધી બાબતોને ગૌણ માની પોતાના ભણવા તરફ જ વધારે ધ્યાન આપતી . એ ઘરે આવી પોતાના નાના ભાઈને ભણાવતી . એ ખુબ જ હોંશિયાર હતી એટલે એણે પોતાનાથી નાના ધોરણના ચાર પાંચ બાળકોને ગામના ચોતરે ટ્યુશન આપવાનું શરુ કર્યું. એમાંથી એને ૫૦૦ રૂપિયા મળતા જેમાંથી ઘણો ખર્ચ નીકળી જતો .
દસમા ધોરણના વેકેશનમાં હેપ્પી અને એનું ગ્રુપ સાથે રમવા લાગ્યાં. અમેયે એક દિવસ પોતાના તેના પ્રત્યેનો પ્રેમ જાહેર કર્યો . હેપ્પી ના ન પડી શકી .બંને રોજ તળાવ કિનારે મળતા અને એકાદ કલાક વાતો કરતાં . હેપ્પીના માબાપને તો કંઈ ખબર નહતી પણ અમેયની માતાને ખબર પડી ત્યારે એમણે ચેતવણી આપી કે, પોતાનું કુટુંબ કહેવાતા ઉચ્ચ વર્ણનું છે માટે "હેપ્પી " વિષે અમેય ક્યારેય વિચાર પણ નહી કરે .
દસમા ધોરણનું રીઝલ્ટ આવ્યું , હેપ્પી "મેરીટ લીસ્ટ " માં આવી . ગામમાં બધાંને ગર્વ થયો . અમેયને પણ ઘણાં સારા ટકા આવ્યા. બંનેએ કોલેજ માટે ફોર્મ ભર્યું . શહેરની એક સારી કોલેજમાં વિજ્ઞાનની શાખામાં એમને એડમીશન મળ્યું . દર વખતની જેમ આ વખતે પણ સામાજિક સંસ્થાના ટ્રસ્ટીઓએ હેપ્પી માટે ભણવાની , અન્ય ખર્ચની વ્યવસ્થા કરી દીધી હતી , જોકે હેપ્પીને સ્કોલરશીપ પણ મળી . હેપ્પી હમેશાં પોતાના શિક્ષકો અને આ સંસ્થાનો આભાર માનતી . હેપ્પીએ કોલેજમાં પણ પોતાનું નામ કાઢ્યું .બધાં પ્રોફેસરો પણ હેપ્પીની હોંશિયારીથી પ્રભાવિત થતાં . અમેય પણ સારા માર્ક્સ લાવતો .એલોકો વાંચવાનું અને હોમવર્ક બધું બસમાં કરતાં એટલે એમનો પ્રેમ વધુ પાંગર્યો .
આ વાત અમેયના પિતા કે જેઓ ગામના સરપંચ હતાં એમના કાને ગઈ . હિંદી ફિલ્મની જેમ હેપ્પીને અમેયથી દુર રહેવાની એમણે ધમકી આપી અન્યથા આખું ગામ એના માબાપ અને ભાઈનો બહિષ્કાર કરશે તેમ જણાવ્યું . અમેયની કોલેજ પણ એમણે બદલી નાખી .હેપ્પીના માતાપિતા કંઈ ન બોલ્યા . હેપ્પી ભાંગી પડી . એલોકો બાજુના ગામમાં રહેવા લાગ્યાં .અમેય એને ચુપકેથી મળતો અને સમજાવતો કે સાચા પ્રેમમાં કોઈ વર્ણનો ભેદભાવ આવતો નથી .
બારમાં ધોરણ પછી હેપ્પીને એક સરકારી "એન્જીનીયરીંગ " કોલેજમાં એડમીશન મળી ગયું . દિવસ રાત મહેનત કરતી હેપ્પી ઘણાં લોકોના આભારના બોજ તણે જીવતી પણ એ વગર કોઈ છુટકો નહતો .
અમેય હેપ્પીથી વિખુટો થવાથી ગુમસુમ રહેવા લાગ્યો , એની અસર એના ભણતર પર પડી અને એ અશક્ત પણ થઈ ગયો . એના માતા પિતાને ઘણી ચિંતા થઈ , એમણે અમેયને ધરપત આપી કે, બંનેનું ભણતર પૂરું થયાં પછી તેઓ હેપ્પીના માબાપ પાસે જઈ લગ્ન માટે વાત કરશે . આ ફક્ત એમની ચાલ હતી . અમેયના કહેવાથી એક દિવસ અમેયના માતાપિતા હેપ્પીના ઘરે ગયાં .હેપ્પીના માતાપિતા આ વાત સાંભળી ગદગદ થયાં કે પોતાની દિકરી કહેવાતા ઉચ્ચ વર્ણ અને શ્રીમંત લોકોના ઘરની વહુ બને એથી વિશેષ ખુશીની વાત કઈ હોય ? પરંતુ એ સમયે હેપ્પીએ કહ્યું ," હું જ્યાં સુધી મારું ભણતર પૂરું ન કરું ત્યાં સુધી અમેયને મળવાની નથી . અમેયને પાસે એણે ભણવા તરફ ધ્યાન પરોવવાનું વચન લીધું . હેપ્પીએ નોંધ્યું કે , લગ્નની વાત કરવા આવ્યા હોવા છતાં અમેયના માતાપિતાએ પોતાના ઘરનું પાણી ન પીધું . આવા કહેવાતા ઉચ્ચ વર્ણના લોકો પોતાને ક્યારેય વહુ તરીકે મનથી નહી સ્વીકારે એવો હેપ્પીને ખ્યાલ હતો . હેપ્પીના માતાપિતા સમજદાર અને સરળ હતાં .તેઓ નહતાં ઈચ્છતાં કે પોતાની દિકરી મોટા કુટુંબમાં જઈ દુઃખી થાય .
દિવસો અને વર્ષો પસાર થયાં પણ હેપ્પી અને અમેય એકબીજાને મળ્યા નહી . અમેયની ગાડી હવે પાટા પર ચઢી ગઈ હતી . એ ડોક્ટર બની ગયો . હેપ્પી ફાઈનલ યરમાં યુનિવર્સીટીમાં પ્રથમ આવી . એજ સમયે હેપ્પીએ નક્કી કરી લીધું કે તે "માસ્ટર્સ " ભણવા અમેરિકા જશે .કોલેજના "કેમ્પસ ઈંટર્વ્યું " માં એક ખુબ જ સારી નોકરીની એને તક મળી પણ હેપ્પી તો અમેરિકા જવાની હતી . હેપ્પીને સ્કોલરશીપ મળી અને અન્ય ખર્ચની જવાબદારી હંમેશ મુજબ સંસ્થાના ટ્રસ્ટીઓએ લીધી . હેપ્પીએ ૩ મહિનામાં જ બધાં ડોક્યુમેન્ટ તૈયાર કરી વિસા મેળવી લીધા . એણે માતાપિતાને મનાવી લીધા .અમેયને પોતાના ૨ વર્ષના ભણતર માટેની જાણ કરી . અમેયને મળી ભારે હૈયે કહ્યું કે , લગ્નનો નિર્ણય એ ભણી લેશે પછી જ લેશે . અમેય રાહ જોવા તૈયાર હતો .
હેપ્પી અમેરિકામાં એક ઘરે પેઈંગ ગેસ્ટ તરીકે ૩-4 રૂમ પાર્ટનર સાથે રહેવા લાગી . હેપ્પી પોતાની જ યુનિવર્સીટીમાં લાયબ્રેરીમાં પાર્ટ ટાઈમ નોકરી કરી , પૈસા પોતાના માબાપને મોકલતી . પોતાના નાના ભાઈને પણ પ્રેરણા આપતી .કેટકેટલા સારા નરસા અનુભવો થયાં , બીજી બધી અગવડો થઈ પરંતુ એક જ નિર્ધાર હતો કે ,આકાશ પાતાળ એક કરીને પણ એ આખી યુનિવર્સીટીમાં પ્રથમ આવશેજ . અમેય સાથે ફોનમાં એક મિત્ર તરીકે જ વાત કરતી કારણ એના ધ્યેયથી એને વિચલીત નહતું થવું .
એક પછી એક દ્રશ્યો રીલની માફક હેપ્પીના માનસપટ પરથી પસાર થતાં હતાં . ફરી એ વર્તમાનમાં આવી ગઈ . એને બીજી ખુશી એ વાતની હતી કે , અમેરિકામાં જ એને એક સારી કંપનીમાં સારા પગારની નોકરી મળી ગઈ . એણે એક મહિનામાં ત્યાં હાજર થવાનું હતું . હેપ્પીને પોતાના માતાપિતા તેમજ ભાઈથી દુર રહેવાનું દુખ હતું પણ સાથે પોતાના કુટુંબ અને ભાઈનું ભવિષ્ય ઉજ્જવળ દેખાઈ રહ્યું હતું . એને પોતાના ભણતર માટે દેવદૂત બનેલા પ્રત્યેક લોકોનું ઋણ પણ ચુકવવું હતું અને ગામમાં એક સારી શાળા બનાવવાનું એનું સ્વપ્ન હતું .
બે દિવસ પછી પોતાના માતાપિતાને મૂકવા ગામમાં આવી . એનું સ્વાગત થયું , સત્કાર સમારંભ યોજાયો, અમેય , એના માતા પિતા , મિત્રો . શાળાના શિક્ષકો તેમજ બીજા વડીલો સૌ ખુશ હતાં . હેપ્પીએ બધાનો હ્રદય પૂર્વક આભાર માન્યો , પોતાની સફળતાનો બધો શ્રેય એણે એને મદદરૂપ બનેલા શિક્ષકો અને ટ્રસ્ટીઓને આપ્યો . પોતાના માતાપિતાનો સૌથી વધારે આભાર માન્યો કે, દિકરીને ભણાવવા આવી પરિસ્થિતિમાં એમણે સાથ આપ્યો . પોતાની કમાણીમાંથી ગામમાં એક શાળા બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી . અમેયના માતાપિતા હેપ્પીની સફળતા અને આત્મવિશ્વાસને જોઈ દંગ રહી ગયાં . હજુપણ એલોકોના મનમાં હેપ્પીના કુળને લઈ અણગમો તો હતોજ .
બીજા દિવસે હેપ્પી અમેયના ઘરે ગઈ . એના માતાપિતાને પગે લાગી . અમેયને મળી . અમેયના માતાપિતાએ આ વખતે હેપ્પીને આવકાર તો આપ્યો પણ અંદરથી તેઓ ડરી રહ્યાં હતાં કે , હેપ્પી હવે અમેય સાથે લગ્નની વાત કરશે . હેપ્પીએ વાત ચલાવી કે, " મને અમેરિકામાં સારી નોકરી મળી ગઈ છે અને 15 દિવસમાં હાજર થવાનું છે .મને મારા માતા પિતાએ ભણાવવા માટે ઘણી મહેનત કરી છે . મારા લગ્ન અમેય સાથે થાય એમાં એલોકો તો ખુશ જ છે પરંતુ અમારા કહેવાતા નીચા વર્ણને કારણે ભવિષ્યમાં એમનું અપમાન થાય અથવા અમેયને પણ સાંભળવું પડે અને આવનાર પેઢી વર્ણશંકર થાય એના કરતાં મેં નિર્ણય કર્યો છે કે હું અમેય સાથે લગ્ન નહી કરું . આજ પછી હું અમેયને ક્યારેય નહી મળું . મારા આગળના જીવનનું ખબર નથી પણ મારે બીજા ઘણાં સમાજિક કાર્ય કરવાના છે અને ઘણાં લોકોનું ઋણ ઉતારવાનું છે . અમેય મને માફ કરજે ."
હેપ્પીનો આ નિર્ણય સાંભળી અમેય ખુબ ભાંગી પડ્યો . અમેયને ખ્યાલ આવી ગયો હતો કે હેપ્પી એક ની બે નહી થાય . અમેયના માતાપિતાને તો શું કરવું એ સમજ જ ન પડી પરંતુ એમણે સદગુણોથી ભરેલ અને તેજસ્વી એવી થનાર વહુ અને દિકરાની ખુશી બંને ગુમાવ્યા . હેપ્પીના માતાપિતા દુઃખી હતાં કારણ એમને હેપ્પી અને અમેયના સાચા પ્રેમની જાણ હતી . હેપ્પી માટે આ નિર્ણય સહેલો નહતો પણ પોતાનું સ્વમાન અને માતાપિતાનું સન્માન એને એટલું જ વ્હાલું હતું . ઘરે આવી એ ખુબ રડી . પોતે અમેય સાથે અન્યાય કરી રહી હતી એવું એને લાગ્યું પણ એમાં જ બધાની ભલાઈ હતી . બધાને હેપ્પીનો નિર્ણય આકરો લાગ્યો કે એણે અમેરિકાના મોહમાં અમેયને છોડ્યો . ફક્ત હેપ્પી અને અમેય જ જાણતા હતાં કે સાચા પ્રેમનું બલિદાન થયું એપણ એકબીજાના સન્માનને જાળવવા . આ નિર્ણયથી બંને દુઃખી હોવા છતાં સમજદારી પૂર્વક વર્ત્યા .
આખરે હેપ્પીનો અમેરિકા જવાનો દિવસ આવી ગયો . એરપોર્ટ પર અમેય અને હેપ્પીનું કુટુંબ મુકવા આવ્યું. વિદાય વખતે હેપ્પી અમેયને ભેટી , એને થયું કે બસ આ પળ કાયમ માટે થંભી જાય તો કેટલું સારું . આગળની તો ખબર નથી .... એનું હદય ખુબ જ ભરાઈ ગયું હતું , , મનોમન અમેયની માફી માંગી રહી હતી પણ એના આંખના આંસુ અમેયના શર્ટ પર પડે એ પહેલાં જ લૂછી લીધાં.
અને મન અને હ્રદયથી અનહેપ્પી હોવા છતાં હેપ્પી એરપોર્ટમાં જવા રવાના થઈ .
હેપ્પી